• Home
  • News
  • 5 સ્ટાર બાગેશ્વર બાબાનો પ્રવાસ -પ્રચાર:ચાર્ટર્ડ પ્લેનમાં મહાનગરોમાં પહોંચશે, દૈનિક 1.50 લાખ ભક્તો ઊમટશે, 500 કાર સાથે ભવ્ય શોભાયાત્રા યોજશે
post

રાજકોટમાં 32 સમિતિ અને 600 કાર્યકર દ્વારા તૈયારી શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-20 18:10:32

અમદાવાદ: ગુજરાતમાં હાલ એક જ નામ ચર્ચામાં છે અને એ છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી...,તારીખ 26 મેથી 3 જૂન સુધી બાગેશ્વર બાબા ગુજરાતનાં ચાર મહાનગર- સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે સભા સંબોધવાના છે. જેએ લઈને તેમના ભક્તો દ્વારા આલીશાન આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ મહાનગરોમાં પ્રવાસ માટે બાબા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરશે. રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલા દસ બેડરૂમના બંગલામાં રહેશે. તેમની સભાઓ દરમિયાન દૈનિક 1.50 લાખ જેટલા ભક્તો ઉપસ્થિત રહેશે અને 500 જેટલી કાર સાથે તેમની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આ સમગ્ર આયોજન અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે.

સુરતમાં બાબાની ધમાકેદાર એન્ટ્રી
સૌપ્રથમ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે. જ્યાં તેઓ તારીખ 26 અને 27 મે 2023ના આવી રહ્યા છે. એને લઈને બાગેશ્વર ધામ સરકાર આયોજક સમિતિ દ્વારા બેઠકો શરૂ કરીને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 26 મેના રોજ તેઓ ચાર્ટર્ડ પ્લેનથી સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ તેમના નિવાસસ્થાનની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પહોંચશે

 

ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી
બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્ય દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે ખૂબ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકચાહના સતત વધી રહી છે. તેઓ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, જેને કારણે લોકોની આસ્થા પણ ખૂબ જ વધી છે. તેઓ સુરત ચાર્ટર્ડ પ્લેનથી આવવાના છે. સાંજે પાંચ વાગ્યાનો કાર્યક્રમ છે, એ પહેલા જ તેઓ સુરત પહોંચી જશે. તેમના નિવાસસ્થાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમની જે ટીમ છે તેમના માટેની પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

વિશાળ ગ્રાન્ડ ઉપર થશે આયોજન
આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ભવ્ય અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એમાં ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે વિશાળ એવા 16+4 એટલે કે 20 બ્લોક બનાવવામાં આવશે, જેમાં ટોટલ 7,20,000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવશે. આ 20 બ્લોકમાં ટોટલ 1,75,000 શ્રોતાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શ્રોતાઓ માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ કુલ 6 જગ્યાએ નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.100×40 ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે છે તથા 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતાં એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહેશે
બાગેશ્વર સરકાર આયોજન સમિતિના પ્રવક્તા કૈલાસ હાકિમે જણાવ્યું હતું કે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવશે, કારણ કે તેમનો ચાહક વર્ગ ખૂબ જ મોટો છે. લાખોની સંખ્યામાં બે દિવસમાં લોકો અહીં મેદાન ઉપર ઊમટી પડશે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પર ખાસ ધ્યાનમાં રાખી છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે અને સાથે સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનાં દર્શન પણ સૌકોઈ સારી રીતે કરી શકે એવો અમે પ્રયાસ કરી રહ્યા છે. બેઠક વ્યવસ્થા પણ એ પ્રકારે જ ગોઠવવામાં આવશે. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે
સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 29 અને 30 મેના રોજ અમદાવાદ ખાતે સભા સંબોધવાના છે, ત્યારે તેમની રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રહેવા માટે એક ખાસ બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે આ બંગલાની મુલાકાત લીધી હતી. એમાં 10 જેટલા રૂમ સાથે બે માળના બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવ સાથે રહેશે. બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.

શાસ્ત્રી માટે અત્યાધુનિક એસી સાથેનો બંગલો
નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. એમાં ગ્રાઉન્ડ ક્લોર પર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળ ઉપરના બે રૂમમાં તેમના સચિવ સાથે જ રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલામાં તમામ નવી વસ્તુઓ મૂકવામાં આવશે. પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવાં મૂકવામાં આવશે.

એક વર્ષ પહેલાં શાસ્ત્રીએ મુલાકાત લીધી હતી
અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજક પુરુષોત્તમ શર્માએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી એક વર્ષ અગાઉ આ જગ્યા પર આવી ચૂક્યા છે અને ફરીથી તેઓ આવવાના હતા, તેમણે સંકલ્પ કર્યો હતો. એને લઇ 29 અને 30 મેના રોજ બે દિવસ અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના રહેવા માટે ખાસ બંગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખો નવો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. તેમના સચિવ સાથે તેઓ રહેશે. બંગલાની સિક્યોરિટી માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.

સ્ટાફ માટે 20 જેટલાં મકાનોની વ્યવસ્થા
મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં આસપાસનાં મકાનોની વ્યવસ્થા કરી છે. અંદાજે રૂપિયા 80 લાખના ખર્ચે બનનારા બે માળના બંગલામાં 10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે. બંગલામાં એક મંદિર બનાવવામાં આવશે. આ બંગલાની તમામ કામગીરી થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે. 25થી વધુ રસોઈયા સવાર-સાંજ ચાર દિવસ માટે રસોઈ માટે હાજર રહેશે. તદ્દન નવાં પલંગ, ગાદલાં, એસી વગેરે મૂકવામાં આવશે.

રાજકોટમાં 32 સમિતિ અને 600 કાર્યકર દ્વારા તૈયારી શરૂ
અમદાવાદ ખાતે કાર્યકમ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે બાગેશ્વરધામ સમિતિ દ્વારા રાજકોટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમજ અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. નોંધનીય છે કે 31 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવશે અને તા. 1 અને 2 જૂને તેનો સનાતન ધર્મ અંગેનો કાર્યક્રમ યોજાશે. આ માટે 32 સમિતિ અને 600 જેટલા કાર્યકરો ખડેપગે રહેશે. પ્રથમ દિવસે બાગેશ્વર બાબા દ્વારા 500 કાર સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post