• Home
  • News
  • ગુજરાતમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર, 13 હજારથી વધુ ચોરી, 1846 અપહરણ : NCRBનો રિપોર્ટ
post

રાજ્યમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર, 13 હજારથી વધુ ચોરી, 1846 અપહરણ

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-05 19:10:06

ગુજરાતમાં એક વર્ષમાં 959 વ્યક્તિની હત્યા, 13 હજારથી વધુ ચોરી, 610 બળાત્કાર અને 1846 જેટલી અપહરણની ઘટનાઓ નોંધાઈ છે. હત્યા કરવાના હેત માટે નાના ટકરાવ, દુશ્મની બાદ પ્રેમપ્રકરણ સૌથી વધુ જવાબદાર છે. એક વર્ષમાં પ્રેમ પ્રકરણના કારણે 134 હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા વર્ષ 2022નો અહેવાલ જાહેરાત કરાઈ છે. જેના અનુસાર, ગુજરાતમાં ચોરીની સૌથી વધુ ઘટના રાત્રિના સમયે થાય છે. રાત્રિના 2953 અને સવારે 360 ઘટના નોંધાઈ છે. અહેવાલ પ્રમાણે હત્યા થઈ હોય તેમાં સૌથી વધુ 372ની ઉંમર 30થી 45ની છે, જેમાં 283 વ્યક્તિની ઉંમર 18થી 30 વર્ષના છે. એક વર્ષમાં 49 સિનીયર સિટીઝનની હત્યા થઈ છે. સિનીયર સિટીઝનની હત્યા થઈ હોય તેમાં 36 પુરુષ અને 13 મહિલા છે.

સિનીયર સિટીઝન પર થયેલા ગુનાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વર્ષ 2022માં સિનીયર સિટીઝન સામે ગુનાની એક વર્ષની 238 જ્યારે સુરતમાં 33 ઘટના નોંધાઈ છે. અમદાવાદમાં 2020માં 709, 2021માં 244 જેટલા કેસ સિનીયર સિટીઝન સામે ગુનાના નોંધાયા હતા. વર્ષ 2022 પ્રમાણે આ પ્રકારના ગુનામાં અમદાવાદમાં ચાર્જ શીટ 87.70 ટકા સુરતમાં 97 ટકા છે. અમદાવાદમાં વર્ષ 2022માં 8 સિનીયર સિટીઝનની હત્યા થઈ છે, જ્યારે 37 ચોરી અને 10 લૂંટના શિકાર બન્યા છે.

ભારતમાં વર્ષે હત્યાના નોંધાયા 28522 ગુના, રોજના 78 અને દર કલાકે 3 લોકોની હત્યા

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર, ભારતમાં 2022માં હત્યાના કુલ 28522 કેસ નોંધાયા હતા. વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે રોજના 78 અને દર કલાકે 3 લોકોની હત્યા થઇ છે. એનસીઆરબીએ અગાઉ 2021માં 29272 જ્યારે 2020માં 29193 હત્યાના કેસ નોંધાયેલા હોવાની જાણકારી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંર્તગત કામ કરતા એનસીઆરબીએ નોંધ્યું છે કે 2022માં 9962 જેટલી હત્યાઓનું કારણ વિવાદ રહ્યો છે. 

3761 હત્યાઓ અંગત દુશ્મની જ્યારે 1884 હત્યાઓ કોઇ લાભ મેળવવાની ગણતરીથી થયેલી છે. હત્યા સંબંધી કેસોના પીડિતોમાં 8125 મહિલાઓ અને 9 થર્ડ જેન્ડર હતા. દેશમાં પ્રતિ લાખ વસ્તીએ હત્યાનું પ્રમાણ 2.1 જેટલું હતું જયારે આરોપપત્ર દાખલ કરવાનો દર 81.5 હતું. માહિતી અનુસાર રાજયોમાં સૌથી હત્યાઓ અને પ્રાથમિક ફરિયાદ ઉત્તરપ્રદેશમાં નોંધાયેલી છે. યુપીમાં સૌથી વધુ 3491, બિહારમાં 2930, મહારાષ્ટ્રમાં 2295, મધ્યપ્રદેશમાં 1978 અને રાજસ્થાનમાં 1834 ફરિયાદો નોંધાયેલી છે. દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે તેમાં સિક્કિમ 9, નાગાલેંડ 21, મિઝોરમ 31, ગોવા 44 અને મણીપુર 47નો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજધાની દિલ્હીમાં 509 કેસ નોંધાયા હતા.


adv

Related News

post
post
post
post
post
post
post