ભરત મેવાડાએ અંતમાં ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડનાં દર્શન કરવા આવી રહ્યા છે
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. ત્યારે રામમંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતા-ચાંદલોડિયા રોડ પર આવેલી ફેક્ટરીમાં રામમંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામમંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે. જ્યારે અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે. જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.
દરવાજામાં 10 કિલોની એક એંગલ વાપરવામાં આવી
ધ્વજદંડ બનાવતી ફેક્ટરીના માલિક ભરત મેવાડાએ ખાસ વાતચીત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી ગોતામાં ફેક્ટરી છે, અયોધ્યા રામમંદિરનો ધ્વજદંડ બનાવવાનો લાભ ત્યાંના આર્કિટેકને લીધે મળ્યો છે. આ ઉપરાંત મંદિરમાં ઝુમ્મર, દીવા લટકાવવાનું મટિરિયલ સહિતનું મેં સપ્લાય કર્યું છે. રામમંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. આપણે ઘરમાં ક્રાફ્ટના હાર્ડવેરની એંગલ 50 કે 100 ગ્રામની હોય છે જ્યારે રામમંદિરના દરવાજામાં 10 કિલોની એક એંગલ વાપરવામાં આવી છે. આ બધું અમે બનાવીને મોકલી પણ આપ્યું છે. હવે ત્યાં દરવાજાનું કામ ચાલી રહ્યું છે.
ચાંદલોડિયા-ગોતા રોડ પર અમારી ફેક્ટરી છે
ભરત મેવાડાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, આ ધ્વજદંડ અમારી કમેન્ટમેન્ટ મુજબ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આપવાના છે. જેમાં મેઈન ધ્વજદંડ 44 ફૂટ લાંબો છે. જે 161 શિખર બને છે તેના પર આ ધ્વજદંડ લાગશે. સામાન્ય રીતે અમે મંદિરોમાં 500 કિલોનો ધ્વજદંડ બનાવીએ છીએ, વધુમાં વધુ 550 કિલો હોય. પણ રામમંદિરના મેઇન ધ્વજદંડનું વજન 5500 કિલો છે. બીજા 6 ધ્વજદંડ લાગશે તેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે. ચાંદલોડિયા-ગોતા રોડ પર અમારી ફેક્ટરી છે. ગોતા ચોકડીથી ચાંદલોડિયા તરફ આવો ત્યારે વચ્ચે અમારી ફેક્ટરી છે. લોકો માટે ધ્વજદંડનાં દર્શનનો સમય સવારે 9થી સાંજના 6-7 વાગ્યા સુધીનો છે.
81 વર્ષથી અમે મંદિરનાં કામો કરીએ છીએ
વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે, અમારી આ ત્રીજી પેઢી છે, છેલ્લાં 81 વર્ષથી અમે દેશ-વિદેશનાં ઘણાં મંદિરો માટે ધ્વજદંડ બનાવ્યા છે. આ સિવાય મંદિરને લગતાં ઘણાં બધાં કામ કરીએ છીએ. આ વ્યવસાયમાં અમારી આ ત્રીજી પેઢી છે. હું મેવાડા સુથાર સમાજમાંથી છું એટલે અમારામાં આ આવડત હોય જ છે.
રોજ 100-200 લોકો ધ્વજદંડનાં દર્શન કરવા આવે છે
ભરત મેવાડાએ અંતમાં ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડનાં દર્શન કરવા આવી રહ્યા છે. હજુ 18 ડિસેમ્બર સુધી ધ્વજદંડ બનાવ્યા છે તે અહીં રહેશે. જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ તેમ આવી રહ્યા છે. મંદિર ક્યારે બને કે જ્યારે ભગવાનની મૂર્તિ હોય, ધ્વજદંડ હોય અને કળશ હોય. આ ત્રણ વસ્તુ હોય ત્યારે શિલ્પશાસ્ત્ર મુજબ ભવ્ય મંદિર કહેવાય. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા હોય ત્યારે દિવસે 12.39 વાગ્યાના શુભ મુહૂર્તમાં ભગવાનની મૂર્તિ, ધ્વજદંડ અને કળશ એમ ત્રણેયની જ પ્રાણપ્રતિષ્ઠા થાય છે.