• Home
  • News
  • અમદાવાદ મેટ્રોનું નવું નજરાણું:સાબરમતીના વહેતા પાણી વચ્ચે મેટ્રો માટે તૈયાર થઈ રહ્યો છે રેલબ્રિજ, સામગ્રી-મશીનરીની હેરફેર માટે પાણીથી 7 મીટર ઉપર એપ્રોચ રોડ
post

ગાંધીબ્રિજ-નેહરુબ્રિજની વચ્ચે બની રહેલા મેટ્રોબ્રિજનું કામ પુરજોશમાં, એપ્રોચ રોડ બનાવવામાં માટી અને સ્ટીલનો ઉપયોગ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:08:39

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના પહેલા ફેઝમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના EAST-WEST કોરિડોરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં મેટ્રો ટ્રેનનો 300 મીટર જેટલો રૂટ સાબરમતી નદી પરથી પસાર થવાનો છે. હાલ સાબરમતીના વહેતા પાણીની વચ્ચે મેટ્રો ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે

300 મીટર લાંબો આ બ્રિજ ગાંધીબ્રિજ અને નેહરુબ્રિજની વચ્ચે બનશે
મેટ્રો ટ્રેનના પ્રોજેકટમાં EAST-WEST કોરિડોરમાં સાબરમતી નદી પર 300 મીટર લાંબો બ્રિજ એક મહત્ત્વનો ભાગ છે. આ બ્રિજ ગાંધીબ્રિજ અને નેહરુબ્રિજની વચ્ચે બનશે. સાબરમતી નદીમાં 6 જેટલા પિલર ઊભા કરવામાં આવશે, જેમાં અત્યારે ચાર જેટલા પિલર ઊભા કરી દેવામાં આવ્યા છે. નદીમાં પિલર ઊભા કરી અને બ્રિજ બનાવવા માટે કોફરડેમ (Cofferdam) નામની સ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીમાં કન્સ્ટ્રક્શન કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કોફરડેમની ખાસિયત એ છે કે એપ્રોચ રોડ બનાવવામાં માટી અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. નદીના પાણીના લેવલથી 7 મીટર ઉપર આ રોડ બનાવવામાં આવે છે. કન્સ્ટ્રક્શન માટેનાં માલસામાન અને મશીનરીની આવનજાવન માટે આ એપ્રોચ રોડ બનાવવામાં આવે છે.

વાઇબ્રો હેમર અને ક્રેન દ્વારા કોફરડેમની દીવાલો ઊભી કરવામાં આવે છે
નદી પર બ્રિજના બાંધકામ માટે કોફરડેમ બનાવવા મોટી સંખ્યામાં સ્ટીલ શીટ વાપરવાની જરૂર પડે છે, જે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. કોફરડેમની દીવાલો ઊભી હાઈ સ્કિલ્ડ કારીગરો, સ્પેશિયલ મશીનરી, વાઈબ્રો હેમર અને ક્રેનની મદદથી ઊભી કરવામાં આવે છે. આ આખો પુલ નદીથી 45 મીટર ઊંડો અને 1800 મિલીમીટર પહોળાઈના પિલર પર ઊભો કરવામાં આવશે. આધુનિક અને સ્પેશિયલ એવું હાયડ્રોલિક પાઈલ બોરિંગ મશીન (Hydraulic Pile Boring Machine)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ નદી ભરેલી હોવાથી આ સ્ટ્રક્ચરના કિનારા પર વિશાળ સંખ્યામાં રેતીના થેલા મૂકીને એપ્રોચ રસ્તો સુરક્ષિત કરવામાં આવ્યો હતો.

બ્રિજ બનવાની કામગીરી જૂન 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે
અત્યારે સાબરમતી નદી પર બ્રિજ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજ પર ચાર જેટલા પિલર ઊભા કરી દેવામાં આવ્યા છે અને દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. આ બ્રિજની કામગીરી માટે પાણીનો પ્રવાહ રોકવામાં આવ્યો નથી. ઇન્કમટેક્સ તરફ સાબરમતી રિવરફ્રન્ટ પાસે પાણી જવા દેવા માટે થોડી જગ્યા રાખવામાં આવી છે. નદી પર બ્રિજ બનવાની કામગીરી જૂન 2021 સુધીમાં લગભગ પૂર્ણ થઈ જશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post