• Home
  • News
  • નાગરિકતા સુધારા વિધેયક સામે અમેરિકાનું ધાર્મિક સ્વતંત્રતા પંચ ખફા
post

સોમવારે મધરાતે લોકસભામાં નાગરિકતા સુધારા વિધેયક (CAB)ને મતદાન બાદ લોકસભાની મંજૂરી મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 14:39:44

સોમવારે મધરાતે લોકસભામાં નાગરિકતા સુધારા વિધેયક (CAB)ને મતદાન બાદ લોકસભાની મંજૂરી મળી છે ત્યારે અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા પંચે (US Commission for International Religious Freedom) તેના અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારે પંચ દ્વારા સત્તાવાર રીતે થયેલી જાહેરાત મુજબ, ભારત સરકારનું પ્રસ્તાવિત નાગરિકતા સુધારા વિધેયક ધાર્મિક સ્વતંત્રતા માટે અત્યંત હાનિકારક છે. જો સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002ના ગુજરાતના રમખાણો પછી આ પંચે જ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે પ્રતિબંધની ભલામણ કરી હતી. જેને લીધે મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી અમેરિકાનો પ્રવાસ કરી શક્યા ન હતા.

અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે.

USCIRF એવો આરોપ લગાવ્યો છે કે CAB ધાર્મિક આધારે નાગરિકતા માટે કાયદાકીય માપદંડ નક્કી કરનારું છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. આ વિધેયક ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલુ છે, જે ભારતના ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઈતિહાસ તથા ભારતીય બંધારણથી તદ્દન વિપરીત છે.

આ સંસ્થાએ આસામમાં ચાલી રહેલી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) ની નોંધણી તથા ગૃહ પ્રધાન શાહ દ્વારા પ્રસ્તાવિત દેશવ્યાપી NRC અંગે કહ્યું છે કે USCIRF ને એવી દહેશત છે કે ભારત સરકાર ભારતીય નાગરિકતા માટે ધાર્મિક પરિક્ષણની સ્થિતિનું સર્જન કરી રહી છે, જેને લીધે લાખોની સંખ્યામાં મુસ્લિમોની નાગરિકતા પર જોખમ સર્જાઈ શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post