• Home
  • News
  • ભાજપ ફેબ્રુઆરીમાં જ લોકસભાના ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના : 17-18મીએ દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી બાદ ઘોષણા થશે
post

લોકસભાના ઉમેદવાર પસંદ કરવા 13મીએ દિલ્હીમાં આપની બેઠક

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-12 19:08:36

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેના પગલે ભાજપ હાઇકમાન્ડ ઇલેકશન મોડમાં છે. કયા મૂરતિયાને ચૂંટણી મેદાને ઉતારવા તે મુદ્દે દિલ્હીમાં ભાજપ હાઇકમાન્ડે કવાયત શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, ચાલુ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ભાજપ લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે છે. આ વખતે રાજ્યસભાના સાંસદ-વર્તમાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાને લોકસભાની ચૂંટણી લડાવાય તે વાત નક્કી છે. 

ગુજરાતમાં ઓછા માર્જીનથી જીતેલી બેઠકો પર ઉમેદવાર જાહેર કરાશે : માંડવિયા-રૂપાલાને લોકસભામાં મોકલાશે

ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા બની રહી છે ત્યારે આ વખતે ભાજપે પહેલીવાર એવુ કર્યુ છેકે, ઉમેદવારની સત્તાવાર  જાહેરાત થઇ નથી ત્યાં 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા છે. અત્યારે કોને ટીકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. સૂત્રોના મતે, આ વખતે ભાજપ હાઇકમાન્ડ વર્તમાન સાંસદોને રિપિટ નહી કરે તે વાત નક્કી છે. મોટાભાગના સાંસદોને ટીકિટ નહી આપવાનુ હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. તેમાંય 60થી વધુ વયના સાંસદોને તો ઘરભેગા જ કરાશે. આ જોતાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તો અત્યારથી ચૂંટણી નહી લડવા એલાન સુધ્ધાં કરી દીધુ છે. આ વખતે ભાજપ રાજકીય સમીકરણના સોગઠા ગોઠવીને નવા ચહેરાને તક આપશે. 

લોકસભાની ચૂંટણી માર્ચના મધ્યમાં જાહેર થાય તેવા અણસાર છે. આ જોતાં ભાજપ આ જ મહિનાના અંત સુધીમાં લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે તેમ છે. ભાજપે મોટાભાગના રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડાવવાનુ નક્કી કર્યુ છે જેના ભાગરુપે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાને લોકસભાની ચૂંટણી લડાવવાનુુ મોવડીમંડળે નક્કી કરી લીધુ છે. જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગર બેઠક પરથી જ ચૂંટણી લડશે. આ સિવાયના અન્ય ઉમેદવારોના નામો દિલ્હીમાં મળનારી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક બાદ જાહેર થાય તેવી સંભાવના છે. 

આ વખતે ભાજપે પાંચ લાખના માર્જીનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે ગત વખતે ઓછા માર્જીનથી જીતેલી બેઠકો પર ભાજપ ઉમેદવારોની ઘોષણા કરે તેવુ જાણવા મળ્યુ છે.

14મીએ ભાજપ રાજ્યસભાના ચાર ઉેમેદવારોના નામોની ઘોષણા કરશેગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીનું એલાન થઇ ચૂક્યુ છે. આ ચૂંટણીને લઇને જાહેરનામુ પ્રસિધ્ધ થયુ છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે ત્યારે મળતી માહિતી મુજબ, ભાજપ હાઇકમાન્ડ તા.14મીએ દિલ્હીથી ચારેય ઉમેદવારોના નામોની ઘોષણા કરશે.  ચર્ચા છેકે, ભાજપ બે નવા ચહેરાને પસંદ કરી શકે છે જયારે બે દિગ્ગજોને પણ રાજ્યસભામાં મોકલે તેમ છે. કોંગ્રેસ ધારાસભ્યોના સંખ્યાબળના અભાવે ચૂંટણીમાં ઉમેદવારો ઉભા નહી રાખે તે જોતાં ચારેય બેઠકો ભાજપના ફાળે જશે. 12 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે ઉમેદવારોના મુદ્દે ચર્ચા થઇ શકે છે. ભાજપ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિગત-રાજકીય સમીકરણને ધ્યાનમાં લઇને ઉમેદવારોની પસંદગી કરશે. સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત એમ ચારેય ઝોનમાંથી એકએક ઉમેદવારની પસંદગી થાય તો નવાઇ નહી.

2019માં માત્ર પાંચ બેઠકો જ પાંચ લાખથી વધુની લીડથી મેળવેલી

ગત વખતે પણ ભાજપે ભારે માર્જીનથી બેઠકો જીતવાનો  લક્ષ્ય રાખ્યો હતો . ભાજપની લહેર હોવા છતાં ગુજરાતમાં દસેક બેઠકો એવી હતી જ્યાં બે લાખની આસપાસ જ લીડ મળી રહી હતી. ભાજપ માત્ર સુરત, નવસારી, ગાંધીનગર અને વડોદરા એમ ચાર બેઠકો જ પાંચ લાખથી વધુના માર્જીનથી જીતી શકી હતી.  નવસારી બેઠક પર સી.આર.પાટીલ 6.89 લાખ, વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટ 5.89 લાખ, ગાંધીનગર બેઠક પર અમિત શાહ 5.57 લાખ અને સુરત બેઠક પર દર્શના જરદોશ 5.48 લાખના મતની લીડથી વિજયી થયા હતાં. 

11 બેઠક 1.27થી 2.81 લાખ મતની સરસાઇથી જીતી હતી

બેઠક  

સરસાઇ

દાહોદ 

1.27 લાખ

જૂનાગઢ       

1.50 લાખ

પાટણ 

1.93 લાખ

આણંદ 

1.97 લાખ

અમરેલી       

2.01 લાખ

બારડોલી      

2.15 લાખ

પોરબંદર      

2.29 લાખ

જામનગર

2.36 લાખ

સાબરકાંઠા     

2.68 લાખ

સુરેન્દ્રનગર

2.77 લાખ

મહેસાણા       

2.81 લાખ


લોકસભાના ઉમેદવાર પસંદ કરવા 13મીએ દિલ્હીમાં આપની બેઠક 

તા.13મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પોલીટિકલ અફેર્સ કમિટીની બેઠક મળવા જઇ રહી છે જેમાં લોકસભાની ચૂંટણી મેદાને ઉતારવા ઉમેદવારોની પસંદગી કરાશે. ગુજરાતમાં ભરૂચ બેઠક પર ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે. ખુદ કેજરીવાલ આ જાહેરાત કરી ચૂક્યા છે. ગુજરાતમાં અન્ય બેઠકો પર પણ આપ ઉમેદવારો ઉભા રાખી શકે છે. સાથે સાથે એવી ય ચર્ચા છેકે, ગુજરાતમાં આપ-કોંગ્રેસ ત્રણેક બેઠકો પર ગઠબંધન કરે તો નવાઇ નહી.

adv

Related News

post
post
post
post
post
post
post