• Home
  • News
  • ભાજપના સાંસદ રમેશ ધડૂકે કહ્યું, એક સંત બોલે એટલે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને દોષ ન દેવાય
post

કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છેઃ રમેશ ધડૂક

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 16:26:21

અમદાવાદઃ સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ તો ઉકેલાઈ ગયો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદનો વાળા વીડિયો વાયરલ થતાં સનાતની સંતો અને ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાજેતરમાં જ કાલોલના ભાજપના ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ કહેતા હતાં કે, સ્વામિનારાયણ સંપ્રદાય પૈસા ભેગા કરવાની સંસ્થા છે. ત્યાર બાદ દીનેશ સ્વામી અને બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ જોગમાયા ખોડિયાર માતાજી પર આપેલા નિવેદન બાદ ખોડલધામ આકરા પાણીએ થતાં ચેતવણી ઉચ્ચારી હતી. હવે આ મામલે ભાજપના સાંસદ રમેશ ધડૂકે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, બધા ધર્મ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય તો આમાં ક્યાંય રાજકારણ લાવવું ન જોઈએ અને આમાં ખોટા વિવાદો ઊભા કરવા ન જોઈએ. 

દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે

પોરબંદરના ભાજપના સાંસદ રમેશ ધડૂકે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ખરેખર આ મામલે કોઈ ટિપ્પણી કરવાની ન હોય અને ધર્મ છે એ બધાને ખબર છે કે કોણ મોટા છે. મહાદેવ મોટા છે, હનુમાનદાદા મોટા છે કે કૃષ્ણ મોટા છે એ બધાને ખબર છે, એટલે બને ત્યાં સુધી આમાં કોઈ ટિપ્પણી કરવાની ન હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે બધા પોત-પોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનને માનતા હોય પરંતુ આમાં તમે જો રાજકારણ લઈને આવો તો કોઈપણ ધર્મની લાગણી દુભાય. કોઈની લાગણી દુભાય એવા કોઈએ નિવેદન કરવા જોઈએ નહીં. દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે. 

દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ

સાંસદ રમેશ ધડૂકે સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા કરવામાં આવેલા ખોડિયાર માતાજી પરના નિવેદનને લઈને કહ્યું હતું કે, સંત દ્વારા કરવામાં આવેલા નિવેદનને હું વખોડું છું.  સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણથી મોટું કોઈ નથી. હું તો ભગવાન દ્વારકાધીશને માનું છું. છતાં કોઇની લાગણી દુભાઈ તેવું નિવેદન ન આપવું જોઈએ. ખરેખર આવું નિવેદન દુઃખદ છે આવી ચર્ચા કે વિવાદ ન થવો જોઈએ. કોઈ પણ હરી ભક્તની લાગણી દુભાઈ તેવું કાર્ય ન થવું જોઈએ. અંબાજી કે ખોડીયાર માતાજીને માનતા હોય તે તેની લાગણી છે.કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post