• Home
  • News
  • સુરતમાં પહેલીવાર બ્રિજ પર ચોકી:રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર ટ્રાફિકજામ નિવારવા પોલીસચોકી બનાવાઈ, 2 પોલીસકર્મી સતત પેટ્રોલિંગ કરશે
post

ટ્રાફિકની અસર ઉધનાથી લઈ સહારા દરવાજા સુધી થતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-05 19:10:00

ગત સપ્તાહે ભારે વરસાદને પગલે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા. એ બાબતને ધ્યાનમા લઇ ટ્રાફિક-પોલીસે વાહનચાલકોની મદદ માટે તેમજ સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે બ્રિજ પર ટ્રાફિક-પોલીસચોકી બનાવવામાં આવી છે. એની કેબિનમાં બે પોલીસકર્મી સતત હાજર રહી વાહનચાલકોને મદદરૂપ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બ્રિજ પર પહેલીવાર ટ્રાફિક-પોલીસચોકી બનાવવામાં આવી છે. આ ચોકી ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર કોઈ બ્રિજ કે ફ્લાયઓવર પર કાર્યરત કરાયેલી ચોકી છે.

ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે ચોમાસાની સીઝનમાં રિંગ રોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. એને નિવારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક-પોલીસચોકી, પેટ્રોલિંગની સાથે બ્રિજ વચ્ચે ડિવાઈડરમાં લોખંડની જાળી લગાવવામાં આવી છે, જેને ખસેડી ટ્રાફિક ડાઇવર્ટ પણ હવે કરી શકાશે. ગુજરાતમાં આવો નિર્ણય પ્રથમવાર હોય એવી શક્યતા કહી શકાય.

ટ્રાફિકની અસર ઉધનાથી લઈ સહારા દરવાજા સુધી થતી
ભારે વરસાદને કારણે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વારંવાર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બાબતે પોલીસે તપાસ કરી તો વરસાદમાં ટૂ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા. એક વાહનને કારણે બ્રિજ પર લાંબી કતારો લાગી જતી હતી, જેની અસર ઉધના દરવાજા, સહરા દરવાજાથી લઈ કાપડ માર્કેટ વિસ્તારમાં પણ જોવા મળતી હતી

ટ્રાફિક-પોલીસચોકીમાં બે જવાન હાજર રહેશે
બ્રિજ પર વાહન ખોટકાય તો વાહનચાલકને મદદરૂપ થવા માટે ટ્રાફિક-પોલીસે ચોકી બનાવી છે. બ્રિજ પર સહારા દરવાજા તરફ જવાના માર્ગની સાઇડે કેબિન બનાવાઇ છે. જેમાં બે પોલીસકર્મી હાજર રહેશે અને વરસતા વરસાદમાં જો કોઇ વાહન ખોટકાય તો વાહનચાલકોની મદદ કરી શકશે.

પોલીસકર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરશે
પોલીસચોકી પર ફરજ બજાવતા બે પોલીસકર્મી જરૂર પડ્યે વાહન ખસેડવા ક્રેન પણ મગાવી લેશે, સાથોસાથ પોલીસકર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરી ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના એકપણ બ્રિજ પર ટ્રાફિક-પોલીસચોકી નથી. રિંગ રોડ બ્રિજ પર ભારે ટ્રાફિક થતો હોવાના કારણે આ ચોકી બનાવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post