• Home
  • News
  • મણિપુરમાં કોંગ્રેસનો સરકાર રચવા દાવો, સ્પીકરને હટાવવા માગ
post

કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષોના ધારાસભ્યોએ રાજ્યપાલ નજમા હેપતુલ્લાને મળીને વિધાનસભા અધ્યક્ષને હટાવવા માગ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 08:39:28

ઇમ્ફાલ: મણિપુરમાં રાજકીય ઊથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે સરકાર રચવા દાવો કરી દીધો છે. સાથે જ મુખ્યમંત્રી એન. બીરેનસિંહની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે વિશેષ સત્ર યોજવાની પણ કોંગ્રેસે માગ કરી. બીજી તરફ કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષોના ધારાસભ્યોએ રાજ્યપાલ નજમા હેપતુલ્લાને મળીને વિધાનસભા અધ્યક્ષને હટાવવા માગ કરી છે. 

કોંગ્રેસના નેતા ચેલ્ટન અમોએ જણાવ્યું કે અમે રાજ્યપાલને લેખિતમાં જણાવી દીધું છે કે કોંગ્રેસ ગઠબંધન કરીને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્ત્વમાં સરકાર રચવા સક્ષમ છે. નોંધનીય છે કે મણિપુરમાં રાજ્યસભાની ચૂંટણીના 2 દિવસ અગાઉ બુધવારે ભાજપના 3 ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાઇ જતાં રાજકીય સંકટ ઊભું થયું. ત્રણેય ધારાસભ્યએ વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું. ત્યાર બાદ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી), તૃણમૂલ કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ટી. રોબિન્દ્રો તથા અપક્ષ ધારાસભ્ય શહાબુદ્દીને ભાજપ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. 

કોંગ્રેસના 7 ધારાસભ્યને ભાજપમાં  જવા રોક, ભાજપના 3 કોંગ્રેસમાં જોડાઈ ગયા 
કુલ 60 સભ્યનું સંખ્યાબળ ધરાવતી મણિપુર વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ 28 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી હતી જ્યારે ભાજપે 21 બેઠક જીતી હતી. કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો તથા કોંગ્રેસના ધારાસભ્ય ટી. શ્યામકુમારે ભાજપને ટેકો આપતાં ભાજપની સરકાર બની ગઇ હતી. બાદમાં કોંગ્રેસના અન્ય 7 ધારાસભ્ય પણ ભાજપમાં જોડાતાં ભાજપ ગઠબંધનની સરકારનું સંખ્યાબળ 40 થઇ ગયું. બીજી તરફ કોંગ્રેસે તેના 8 પૂર્વ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અરજી કરી, જે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પડતર છે. 8 જૂને મણિપુર હાઇકોર્ટે કોંગ્રેસના 7 ધારાસભ્ય સામેની અરજી અંગે વિધાનસભા અધ્યક્ષ કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી આ 7 ધારાસભ્ય માટે વિધાનસભામાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. બીજી તરફ, બુધવારે ભાજપના ત્રણ સભ્ય કોંગ્રેસમાં જોડાતા રાજકીય સંકટમાં વધારો થયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post