• Home
  • News
  • પવનની દિશા બદલાતાં ઠંડીનું જોર ઘટશે:ત્રણ દિવસ બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે, પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં
post

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું, જે 10 ડિગ્રી હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-12 18:23:54

હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે એવી શક્યતા છે. પવનની દિશા બદલાવાને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ એ વરસાદી વાદળ નહીં હોય.

24થી 48 કલાક તાપમાન યથાવત્ રહેશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24થી 48 કલાક તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. સામાન્ય રીતે દિવસ દરમિયાનના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીનું જોર ઘટે એવી સંભાવના છે. હાલમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. આગામી 48 કલાક બાદ એ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે.

ઉત્તર પૂર્વીય પવનને કારણે ઠંડી વધી
શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઘટવાનું કારણ જણાવતાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ કહ્યું હતું કે પવનની દિશા બદલાવાને કારણે ઠંડીનું જોર ઘટે છે. ઉત્તર પૂર્વીય પવનને કારણે રાજ્યમાં ઠંડીનું જોર હતું, જે પવનની દિશા બદલીને હાલ પૂર્વ તરફ ફંટાતા તાપમાનમાં વધારો નોંધાશે. આ ઉપરાંત હાઈ લેવલનાં વાદળોમાં ભેજનું પ્રમાણ વધતાં તાપમાનમાં વધારો થઈ શકે છે.

સૌથી ઓછું તાપમાન નલિયામાં
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું, જે 10 ડિગ્રી હતું. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આગામી બે દિવસ બાદ વધીને 16થી 17 ડિગ્રી થઈ શકે છે.


adv

Related News

post
post
post
post
post
post
post