• Home
  • News
  • અભિનંદન કે ડેમેજ કંટ્રોલ?:સુપ્રીમ કોર્ટે O2 માટે કેન્દ્ર સરકારને ખખડાવી પણ મંત્રીઓ ઓક્સિજન મુદ્દે પીએમ મોદીનો આભાર માનવામાં વ્યસ્ત
post

સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાઈ અંગે મોદી સરકારને પ્લાન સબમિટ કરવા આદેશ આપ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-06 11:59:06

ગત વર્ષે જ્યારે કોરોના વાયરસે ભારતમાં દેખા દીધી ત્યારથી અત્યાર સુધીમાં આ મહામારીએ દેશમાં બે લાખથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેનાથી વિશેષ આજે સ્થિતિ એવી છે કે કોરોના વાયરસની બીજી લહેર એવી ઘાતક સાબિત થઈ કે છેલ્લા એક મહિનામાં જ કોરોનાથી 48000થી વધુ લોકોનાં મોત થયા. જ્યારે છેલ્લા 24 કલાકમાં જ 3000થી વધુ લોકો મોતને ભેટ્યા છે.

હાલમાં જે દર્દીઓનાં મોત થયા છે તેમાંના મોટાભાગના એવા દર્દીઓ હતા કે જેઓને કાં તો હોસ્પિટલોમાં બેડની સુવિધા ન મળી અથવા તો પ્રાણવાયુ (ઓક્સિજન) પામી ન શક્યા. કોવિડ-19ની બીજી લહેરનો કહેર એવો વરસ્યો છે કે દેશનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યું છે. આ સ્થિતિમાં સરકાર શું કરી રહી છે એવો સવાલ સૌના દિમાગને ચકરાવે ચઢાવે છે પણ કેન્દ્ર સરકારના મંત્રીઓનું વલણ સદંતર અલગ જ જોવા મળી રહ્યું છે.

લોકો હાલ ઓક્સિજન માટે ટટળીને મરી રહ્યા છે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ પણ મોદી સરકારને ઓક્સિજન સપ્લાઈ અંગેનો પ્લાન સબમિટ કરવા આદેશ આપી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ સતત ટ્વીટર પર ઓક્સિજન અને રાશન જેવા મુદ્દે પીએમ મોદીના નેતૃત્વની વાહવાહી કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે.

ટ્વીટર પર પીએમ મોદી પ્રત્યે ઓક્સિજન મુદ્દે સતત આભારવશ રહેલા કેન્દ્રીય મંત્રીઓ
એકતરફ સોશિયલ મીડિયા પર જ્યાં જૂઓ ત્યાં કોવિડ-19ના દર્દીઓના પરિવારજનો, સ્નેહીઓ કે સેવાભાવીઓ દ્વારા ઓક્સિજન કે અન્ય મેડિકલ સહાય માટે પોકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પણ પીએમ મોદીની કેબિનેટના સભ્યો છેલ્લા બે સપ્તાહથી ઓક્સિજનના મુદ્દે સતત પીએમ મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીઓ ક્યારેક ઓક્સિજન સપ્લાઈ અંગે તો ક્યારેક રસીકરણ અભિયાન માટે પીએમ મોદીનો આભાર માની રહ્યા છે. આવું એવા સમયે બની રહ્યું છે જ્યારે દેશભરની હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરાયું એ દેશમાં હાલ રસી ખૂટી પડી છે. કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પીએમ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આ તમામ ટ્વીટ્સ લગભગ એક જ ઢબે લખાયેલા જોવા મળે છે. કેન્દ્રીય મંત્રીઓએ 20 એપ્રિલ એટલે કે છેલ્લે જ્યારે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ એ દિવસથી ટ્વીટ કરવાનું શરૂ કર્યુ છે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિઃશંકએ પીએમ મોદીનો કોવિડ-19 સામેની લડાઈ માટે મેડિકલ પર્સોનેલની ઉપલબ્ધતા વધારવા મહત્વના નિર્ણયો લેવા અંગે આભાર માનતું ટ્વીટ કર્યુ છે. તેમણે 3 મેના રોજ પીએમ મોદીનો આભાર માન્યો તેના એક સપ્તાહ અગાઉ જ તેમણે પીએમ કેર્સ ફંડમાંથી દેશભરની 551 જિલ્લા હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે સ્વીકૃતિ પ્રદાન કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે. પીએમ મોદી પ્રત્યે આ રીતે કૃતજ્ઞતા દર્શાવવાની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ટ્વીટ કરીને થઈ તેના પછી અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ આ સફરમાં એક પછી એક જોડાતા ગયા. અમિત શાહે દેશમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ સ્થાપવા ફંડની ફાળવણી માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. પીએમના એક મંત્રી ટ્વીટથી આભાર માને તો બીજા મંત્રીઓ ચોક્કસ તેને રિટ્વીટ કરે આ કેબિનેટ મંત્રીઓમાંથી મોટાભાગના મંત્રીઓએ એકબીજાની ટ્વીટર પોસ્ટને રિટ્વીટ પણ કરી છે. ખાસ કરીને એવા ટ્વીટ્સ કે જેમાં વડાપ્રધાન મોદીનો આભાર માનવામાં આવ્યો હોય. એક મંત્રીએ પીએમ મોદીનો કોઈ વાત માટે આભાર માનતું ટ્વીટ કર્યુ હોય તો અન્ય કેન્દ્રીય મંત્રીઓ દ્વારા તેને ચોક્કસ રિટ્વીટ કરવામાં આવ્યું હોય છે.

રાશનના મુદ્દે પણ મોદીનો આભાર માન્યો
અનેક કેબિનેટ મંત્રીઓએ ભારતમાં 80 કરોડ લોકોને પ્રતિ માસ 5 કિલો અનાજ મફત આપવાના પીએ મોદીના નિર્ણયને બિરદાવતા ટ્વીટ કર્યા છે. રસપ્રદ એ છે કે કોવિડ-19 સંબંધિત કાર્યની વાત હોય કે મફત રાશનની વાત હોય પણ આ મંત્રીઓએ જે ટ્વીટ કર્યા છે એ એક જ ઢબે લખેલા ટ્વીટ્સ હોય છે. અનેક મંત્રીઓનાં ટ્વીટ્સમાં સમાન શબ્દો મોટાભાગે જોવા મળ્યા છે.

કોવિડ-19 મહામારીમાં નબળા મેનેજમેન્ટ માટે જેમના પર સોશિયલ મીડિયામાં માછલાં ધોવાય છે એવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ પીએમ મોદીનો આભાર માનવાની તક છોડી નથી. તેમણે મફત રાશનની વાત માટે વડાપ્રધાન મોદીનો આભાર માનતું ટ્વીટ કર્યુ હતું અને તેમને ચેમ્પિયન ઓફ ધ પૂઅરનું બિરૂદ પણ આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post