• Home
  • News
  • કોરોના કાળમાં દેશની શરમજનક ઘટના / કોરોના સારવારના ઉપકરણોમાં કૌભાંડ, હિમાચલ ભાજપ અધ્યક્ષનું રાજીનામું
post

કોરોના સંકટમાં ભ્રષ્ટાચારના આરોપસર દેશમાં પહેલી વાર કોઇ પક્ષપ્રમુખે પદ છોડવું પડ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 10:37:36

શિમલા: હિમાચલપ્રદેશમાં કોરોના કિટની ખરીદીના કૌભાંડમાં નામ ઉછળ્યા બાદ સત્તારૂઢ ભાજપના પ્રદેશપ્રમુખ ડૉ. રાજીવ બિંદલે બુધવારે રાજીનામું આપ્યું. કોરોના સંકટમાં ભ્રષ્ટાચારના આરોપસર દેશમાં પહેલી વાર કોઇ પક્ષપ્રમુખે પદ છોડવું પડ્યું છે. કોરોનાથી બચાવ માટેનાં ઉપકરણોની ખરીદીના બદલામાં સપ્લાયર પાસેથી 5 લાખ રૂ. લાંચ માગવાના આરોપસર વિજિલન્સે 21 મેએ રાજ્યના હેલ્થ ડાયરેક્ટર ડૉ. અજયકુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી. 43 સેકન્ડનો એક ઓડિયો વાઇરલ થયા બાદ આ કાર્યવાહી કરાઇ હતી.

 
ધારાસભ્ય સહિત ભાજપના કેટલાક નેતાઓનાં નામ ઉછળ્યા
વિજિલન્સની અત્યાર સુધીની તપાસમાં સરકાર અને ભાજપના કોઇ નેતાનું નામ પ્રત્યક્ષ રીતે જોડાયું નથી પણ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. બિંદલ સહિત ભાજપના કેટલાક નેતાઓનાં નામ ઉછળી રહ્યાં હતાં. વિપક્ષ પણ તેમના પર સતત પસ્તાળ પાડી રહ્યો હતો. ડૉ. ગુપ્તાની ધરપકડના અઠવાડિયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પાઠવેલા રાજીનામામાં ડૉ. બિંદલે કહ્યું છે કે તેઓ નૈતિકતાના ધોરણે પદ છોડી રહ્યા છે, જેથી કોઇ દબાણ વિના કૌભાંડની તપાસ થઇ શકે. 

મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામા અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાજીનામા અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી. વારંવાર આક્ષેપો કરાય તેના કરતા સારું છે કે તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું. આ કૌભાંડમાં જે કોઇ દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.


વિપક્ષે કહ્યું- રાજીનામું કૌભાંડમાં મોટા નેતાની સંડોવણી દર્શાવે છે
વિપક્ષ નેતા મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું કે કોરોના કિટ ખરીદીમાં દાળમાં કંઇક કાળું હતું, જેથી ભાજપના પ્રદેશપ્રમુખે રાજીનામું આપવું પડ્યું. મહામારીમાં આવું કૌભાંડ ભાજપનું અસલ ચરિત્ર બેનકાબ કરી રહ્યું છે. રાજીનામાથી સાબિત થઇ ગયું કે કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓનો હાથ છે.

adv

Related News

post
post
post
post
post
post
post