• Home
  • News
  • હાલ કોરોનાનું જોખમ છે, ઉત્તરાયણ 1 વર્ષ પછી પણ ઊજવી શકીશું, સરકાર એવી ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, બધાને ખુશ રાખી શકાશે નહીં: ગુજરાત હાઇકોર્ટ
post

રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ 2.46 કરોડનો દંડ વસૂલાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-25 10:26:53

ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે, જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. તમે બધાને રાજી ન રાખી શકો, લોકો નિરાશ થાય તેનો વાંધો નહીં.

ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારને એવી ટકોર કરી હતી કે, ઉત્તરાયણ માટે તમારે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં કોરોના વિસ્ફોટ થયો હતો.

ઉત્તરાયણ અંગે કોર્ટે સરકારને શું કહ્યું? કોર્ટ: તમે નાઇટ કર્ફ્યૂ ચાલુ રાખ્યો છે? જાન્યુઆરી સુધી ચાલુ રાખવાના છો? સરકાર: હાલ નાઇટ કર્ફ્યૂ ચાલુ છે અને જાન્યુઆરી સુધી ચાલુ રાખવાનું આયોજન છે, પરંતુ એકાદ દિવસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. કોર્ટ: તમારે કર્ફ્યૂ ચાલુ જ રાખવો જોઈએ, અમદાવાદમાં કર્ફ્યૂને કારણે સારાં પરિણામ મળી રહ્યાં છે. સરકાર: અમે નાઇટ કર્ફ્યૂને લંબાવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ, પણ બહુ જલદી તે અંગે નિર્ણય લઈને તેને જાહેર કરીશું. કોર્ટ: સરકાર એવી ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, દરેકને રાજી ન રાખી શકો. સરકાર: તહેવારોમાં ખાસ લોકો સરકાર પાસે મંજૂરી માગતા હોય છે, તે સમયે પરિસ્થિતિને આધારે અને લોકોના હિતમાં જ નિર્ણય લઈશું.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 31મી સુધી રાત્રિ કર્ફ્યૂ
ગુજરાતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજય સરકાર દ્વારા મુખ્ય ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂ આગામી 31 મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ અગાઉ પ્રથમવાર શનિવાર અને રવિવાર એમ બે દિવસ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી.જેના પછી કેસોની વધતી સંખ્યાને જોતા મુદત વધારી હતી.

રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ 2.46 કરોડનો દંડ વસૂલાયો
રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનુ પાલન ન કરવા બદલ લોકો પાસેથી 2.46 કરોડનો દંડ વસૂલાયો છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કુલ 1,13,366 લોકોની સામે કુલ 4667 ગુના દાખલ કર્યા હતા. તેમજ કુલ 8034 વાહનો જપ્ત કર્યા હતા એક સપ્તાહમાં કુલ 88,593 વ્યકિતઓ સામે જાહેરનામા ભંગના કુલ 3,832 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કરફયુ ભંગ બદલ તથા એમ.વી.એકટ 207 ની જોગવાઈઓના ભંગ બદલ 6,063 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાના ભંગ બદલ 8,536 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે 21 થી 22 ડિસેમ્બર દરમિયાન જાહેરનામા ભંગના કુલ 835 ગુના દાખલ કરીને જાહેરમાં માસ્ક ન પહેરનારા તથા જાહેરમાં થુંકવા બદલ કુલ 24,773 વ્યકિતઓ પાસેથી રૂ. 2.46,72,100 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે કરફયુ ભંગ બદલ તથા એમ.વી. એકટ 207ની જોગવાઈઓના ભંગ બદલ 1,971 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ જાહેરનામા ભંગ બદલ કુલ 2,059 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post