• Home
  • News
  • ગુજરાત 2021:સુરતમાં 8 મહિનામાં હીરા બુર્સ શરૂ થશે, વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે ટ્રેન દોડશે, અમદાવાદ-રાજકોટ 6 લેન હાઇવે તૈયાર થશે, ચારણકા સોલર પ્લાન્ટની ક્ષમતા 800 મેગાવૉટ થશે
post

સુરતમાં 11 માળનાં 9 ટાવર તૈયાર થઈ ગયાં, 3 મહિનામાં ઑફિસોની ફાળવણી થશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-01 10:06:36

વર્ષ 2021માં ગુજરાતમાં સુરતમાં આગામી 8 મહિનામાં હીરા બુર્સ શરૂ થશે, રૂ. 2.50 લાખ કરોડના હીરાનો વેપાર થશે, 1.50 લાખને નોકરી મળશે, વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે ટ્રેન દોડશે, જ્યારે ચારણકા સોલર પ્લાન્ટની ક્ષમતા 800 મેગાવૉટ થશે.

સુરતમાં રૂ. 2.50 લાખ કરોડના હીરાનો વેપાર થશે, 1.50 લાખને નોકરી મળશે.
ડ્રીમ પ્રોજેક્ટ: 11 માળનાં 9 ટાવર તૈયાર થઈ ગયાં, 3 મહિનામાં ઓફિસોની ફાળવણી થશે
સુરત - રૂ.2600 કરોડના ખર્ચે ખજોદ ખાતે આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના 11 માળના 9 ટાવર તૈયાર થઈ ચૂક્યા છે. 2021ના 8 માસમાં બાંધકામ પૂર્ણ થઈ જાય અને સપ્ટેમ્બર માસ સુધીમાં બુર્સ કાર્યરત થાય તેવી સંભાવના છે. સુરત ડાયમંડ બુર્સના મથુર સવાણી જણાવે છે કે, ઇન્ટરનેશનલ રફ માઇનિંગ કંપનીઓની ઓફિસ શરૂ થતાં રફનું ટ્રેડિંગ પ્રથમ વખત થશે. 4200થી વધુ ઓફિસો ધરાવતાં બુર્સમાં ટ્રેડિંગને લગતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જ્યારે અંદાજે 1 થી 1.50 લાખ લોકોને રોજગારી મળવાની સાથે ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝનો વેપાર 2 થી 2.5 લાખ કરોડનો થાય તેવું અનુમાન છે. આવનારા 3 માસમાં ઓફિસ ધારકોને ફર્નિચર સહિતની કામગીરી માટે ઓફિસનું એલોટમેન્ટ કરાશે. તસવીર : રિતેશ પટેલ

5 મિનિટમાં એન્ટ્રી ગેટથી ઓફિસ પહોંચી શકાય તેવી ડિઝાઇન બની

·         પંચતત્વ થીમ બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચી શકાય

·         ઈલેક્ટ્રીસિટીની સમસ્યા નહીં થાય તે માટે બઝ બાર ટ્રેડ ગોઠવાયું છે. જે ગિફ્ટ સિટીની GERCની ઓફિસ બાદ રાજ્યમાં બીજું છે.

·         હીરાની તિજોરીઓ ખસેડતાં ફ્લોરિંગને નુકશાન નહીં થાય તે માટે 16 એમએમની ટાઈલ્સની સાથે ડેસ્ટિનેશનલ કંટ્રોલ લિફ્ટ લગાવાઇ

પાટા પર પ્રવાસન : વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે ટ્રેન દોડશે
વડોદરાથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી રેલવે લાઈનનું 7મી જાન્યુઆરીએ સી. આર. એસ. ઇન્ફેક્શન કર્યા બાદ 14 જાન્યુઆરી એ દેશના વિવિધ ખૂણાથી ટ્રેન ચલાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય લોકાર્પણ કરવાનું આયોજન થઈ રહ્યું છે. વેર્સ્ટન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું કે ટ્રેકનું કામ પૂર્ણ થયું છે, સ્ટેશનનું કામ ફાઇનલ સ્ટેજ પર છે. ત્યારે 8 ટ્રેન દ્વારા સ્ટેચ્યૂના રૂટને જોડાશે. પ્રાથમિક તબક્કે વડોદરાથી બે મેમુ ટ્રેન પણ ચલાવાશે. સુવિધાની દ્દષ્ટિએ કેવડિયા વડોદરા ડિવિઝનનું બીજા નંબરનું સ્ટેશન બનશે.

પ્રોજેક્ટ શરૂ થતાં આ ટ્રેનો કેવડિયાથી ઉપડશે

·         બરોડા એક્સપ્રેસ

·         વડોદરા-રેવા મહામના

·         વડોદરા-વારાણસી

·         અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ

·         ચેન્નાઇ -અમદાવાદ

·         અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી

·         દાદર-કેવડિયા

વડોદરાથી કેવડિયાનું ભાડું આ મુજબ રહેશે

·         શતાબ્દી - રૂા. 310+ કેટરિંગ

·         થર્ડ એસી- રૂા. 525

·         સેકન્ડ ક્લાસ- રૂા. 25 થી 50

IRTC ટેન્ટ સિટી અને બજેટ હોટલ બનાવશે
આઇઆરસીટીસી દ્વારા કેવડિયા ખાતે ટેન્ટ સિટી બનાવાશે. જે આગામી ત્રણ મહિનામાં કાર્યરત થશે. જ્યારે બજેટ હોટલ એક વર્ષમાં ચાલુ કરાશે.

વિકાસનો રાજમાર્ગ : અમદાવાદ-રાજકોટ 6 લેન હાઇવે તૈયાર થશે
અમદાવાદથી રાજકોટ વચ્ચે 6 લેનના હાઇવેની કામગીરી 2021માં પૂર્ણ થઈ જશે. નવા વર્ષના મધ્યાહ્ને એટલે કે જુલાઈ સુધીમાં આખો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે. આ નવા હાઈવેથી લોકોને અવરજવરમાં 40 મિનિટ જેટલા સમયની બચત થશે. ગ્રીનલેન્ડ ચોકડીથી ઉજાલા સર્કલ સુધી 201 કિ.મી.માં 6 લેન હાઈવે હશે. કુલ 41 જગ્યાએ ફ્લાયઓવર અને અન્ડર પાસ બનવાના છે. અંદાજે 45 મિનિટનો સમય બચશે.

શું છે વિશેષતાઓ

·         37000 વાહનો રાજકોટથી અમદાવાદ અને તેટલા જ પરત આવે છે

·         201 કિ.મી. 6 લેન બનશે

·         41 ફ્લાયઓવર, અન્ડર પાસ

·         7 મીટરનો સર્વિસ રોડ જ્યાં પણ ફ્લાય ઓવર હશે ત્યાં બનશે

પ્રવાસન : જૂનાગઢના ઉપરકોટનો 45 કરોડના ખર્ચે વિકાસ
વર્ષ 2020માં જૂનાગઢને ગિરનાર રોપ-વે મળ્યો જેનાથી પ્રવાસીઓની દિશામાં નવી એક શરૂઆત થઇ. પ્રવાસન ક્ષેત્રને વધુ વિકસિત કરવા અને વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું પણ રિનાવેશન ચાલી રહ્યું છે. આ રિનાવેશન એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. તેની પાછળ રૂપિયા 45 કરોડનો ખર્ચ થશે. આ નવિનીકરણમાં ઉપરકોટનાં કિલ્લાની રાંગ ઉપરાંત રાણકદેવી મહેલ, અડિકડીવાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારોનું સમાવેશ થાય છે. તેમજ ઉપરકોટમાં સાઈકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકનો પણ નિર્માણ થશે. પ્રવાસીઓને ઉપરકોટ નવા રંગરૂપમાં જોવા મળશે. આ ઉપરાંત મહાબત અને બહાઉદ્દીન મકબરાનું પણ 5.46 કરોડના ખર્ચે રિનોવેશન થશે.

હેલ્થ : એઇમ્સમાં 750 બેડ હશે, 1 હજાર ડૉક્ટરો દર્દીઓની સારવાર માટે રહેશે, હેલ્થ
સ્ટાફ ક્વાર્ટર
તબીબો, એડમિન સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા, તેની પાસે બોયઝ હોસ્ટેલ બ્લોક

ભવિષ્યનો વિચાર
મુખ્ય બિલ્ડિંગની પાછળ મોટો વિસ્તાર ખાલી રાખ્યો છે ત્યાં નવા હોસ્પિટલ બ્લોક કે મેડિકલ બ્લોક ઊભા કરાશે

ગાર્ડન
એઈમ્સની સાઈટમાં અલગ અલગ જગ્યાઓએ ગાર્ડન તેમજ પ્લેગ્રાઉન્ડ બનશે

પાર્કિંગ
એઈમ્સના મુખ્ય ગેટ પાસે તેમજ સ્ટાફ ક્વાર્ટર એમ ત્રણેય જગ્યાએ વિશાળ પાર્કિંગ

ખંઢેરી ડેમ
એઈમ્સની નજીક જ ખંઢેરીનો ડેમ છે તેથી ડેમ સાઈટ પર કુદરતી વાતાવરણ અને હરિયાળી સતત રહેશે

·         1000 તબીબ દર્દીઓની સારવાર માટે રહેશે

·         750 બેડની સુવિધા હશે, જેમાં 215 સુપર સ્પેશિયાલિટી હશે

·         હાલ 50 પણ બાદમાં 125 MBBS ડૉક્ટરો તૈયાર થશે

ઊર્જાનિર્ભરતા : ચારણકા સોલર પ્લાન્ટની ક્ષમતા 800 મેગાવૉટ થશે
પાટણ જિલ્લાના રણકાંઠાના ચારણકા ખાતે આવેલા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના એશીયાના સાૈપ્રથમ મોટા સોલાર પાર્કમાં દિન પ્રતિદિન નવી કંપનીઓના પ્લાન્ટ સ્થપાઇ રહયા છે જેને લઇ પાર્કનું સારૂ એવું વિસ્તરણ થઇ રહયું છે. પાર્કના તમામ યુનીટોમાં પ્રતિદિન આશરે 36 લાખ યુનીટ વીજ ઉત્પાદન થઇ રહયું છે જે સીધું ગુજરાત સરકારની કંપની જેટકોની લાઇનમાં આપવામાં આવી રહયું છે.પાર્ક સ્થપાયા પછી આજે 730 મેગાવોટ સુધી ક્ષમતા વધી છે અને આગામી નજીકના ભવિષ્યમાં 800 મેગાવોટ સુધીની થઇ શકે તેવી શકયતા સ્થાનિક ઇજનેર હિતેશભાઇ અને વિપુલભાઇએ દર્શાવી હતી.ચાલુ સાલે જીએન એફસી કંપની દ્વારા 10મેગાવોટનો પ્લાન્ટ એક મહિના પહેલાં લગાલાયો છે. હાલમાં પ્રતિ સ્કવેયરમીટર 1200 વોટ રેડીયેશન સરેરાશ મળી રહયું છે.

ભવ્ય સોલર પાર્કની વિશેષતાઓ

·         5000 એકર સંકુલમાં ફેલાવો.

·         500 મેગાવોટ ક્ષમતા શરુઆતની

·         800 મેગાવોટ સુધી ક્ષમતા થશે.

·         36 જેટલી કંપનીઓના પ્લાન્ટ તથા યુનિટો સોલર પાર્કમાં સ્થપાયેલા છે

·         1200 વોટ પર સ્કવેયરમીટર રેડીયેશન એવરેજ રહે છે. ગરમી વધે તેમ રેડીયેશન કપાય છે.

·         95% લોકો સ્થાનિક ગુજરાતના હોય તેમને રોજગારી અપાય છે.

·         1300 લોકોને હાલ વિવિધ પદે રોજગાર મળી રહ્યો છે.

 

સંત માહાત્મ્ય : પ્રમુખ સ્વામીજીનું જન્મ શતાબ્દી વર્ષ મનાવાશે
આ મહાન સંતનો જન્મ ખેડૂત પરિવારમાં 7મી ડિસેમ્બર, 1921ના રોજ વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળવયનું નામ હતું, શાંતિલાલ. દીક્ષા લઈ 1940માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા. 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા. 13, ઑગસ્ટ, 2016ના રોજ તેમણે દેહત્યાગ કર્યો હતો.

ભૂકંપની વરસી : 2001ના ધરતીકંપને આ વરસે 20 વર્ષ પૂર્ણ થશે
2001ની 26મી જાન્યુઆરીએ 52માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી હતી. એકતરફ ધ્વજવંદની તૈયારીઓ ચાલી રહી હતી અને સવારે 8.46એ ભૂકંપથી ધરતી ધ્રુજી હતી. ભૂકંપ 2 મિનિટ સુધી ચાલ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં હતું. ભૂકંપ 7.7 રિક્ટર સ્કેલનો હતો. આજે ભૂજ શહેરે વિકાસની નવી પરિભાષા ઉભી કરી છે.

પ્રકલ્પનો પર્વ : સરદાર સરોવર યોજના 60 વર્ષની થઈ જશે
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા યોજના સ્થળ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલના કારણે દેશ-દુનિયામાં પ્રવાસન માટેનું સ્થળ બની ગયું છે. 1961ની 5મી એપ્રિલે આ યોજનાનો શિલાન્યાસ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે કરવામાં આવ્યો હતો. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્ણ સપાટીએ દરવાજા પણ લાગી ગયા હતા.

શૌર્યનું સન્માન : ભારત-પાકિસ્તાનના યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલું યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું. 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. 13 દિવસમાં પાકિસ્તાનની સેનાએ ભારત સામે ઘૂંટણ ટેક્યા હતાં. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના લેફ્ટેનન્ટ જનરલ નિયાઝીએ શરણાગતિ સ્વીકારી હતી.

સ્થાનિક સ્વરાજ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું ચૂંટણી પર્વ
રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી 2021માં યોજાવાની શક્યતા છે. 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જીલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્યચૂંટણી તથા પ્રસંગોપાત સ્વરાજ્યના એકમોની ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીઓ ફેબ્રુઆરીમાં યોજાય એવું આયોજન છે. કોવિડને લઈને ચૂંટણી પંચે વિશેષ તૈયારીઓ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post