• Home
  • News
  • BRTS રૂટમાં ઘૂસ્યા ને મોત મળ્યું:સુરતમાં 3 મિત્ર બાઇક પર ફરવા નીકળ્યા, ટ્રાફિક-પોલીસને જોતાં ટ્રિપલ સવારી બાઇક BRTS રૂટમાં ઘુસાડી, બસની એડફેટે આવતાં એકનું મોત
post

ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:37:51

સુરતમાં BRTS બસે વધુ એકનો ભોગ લીધો છે. રજા હોવાથી 3 મિત્ર ટ્રિપલ સવારી બાઈક પર ફરવા નીકળ્યા હતા. ત્યારે વેસુ વિસ્તારમાં અરુણવ્રત દ્વાર પાસે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતાં એક મિત્ર ફરીદ શેખ (ઉં.વ.18)નું મોત નીપજ્યું હતું.

મૃતક નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો
મળતી માહિતી પ્રમાણે, ઉમરવાડા ખાતે 18 વર્ષીય ફરીદ શેખ પરિવાર સાથે રહેતો હતો. પિતા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર 20 વર્ષથી સુરતમાં રહે છે. પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. ફરીદ કાપડની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.

રજા હોવાથી ફરવા નીકળ્યો ને કાળ આંબી ગયો
ગત રોજ રવિવારની રજા હોવાને કારણે ફરીદ બે મિત્ર સાથે બાઈક પર ફરવા નીકળ્યો હતો. દરમિયાન તેઓ અરુણવ્રત દ્વાર પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટમાં બાઈક ઘુસાડી દીધી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતાં ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી.

ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું
અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ હતો, જ્યારે અન્ય બે યુવકની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

મૃતકના પરિવારને ન્યા મળે એવી માગ
સામાજિક કાર્યકર કમરુભાઈ શેખે જણાવ્યું હતું કે ઉમરવાડામાં રહેતા ત્રણ મિત્ર વેસુ ફરવા નીકળ્યા હતા. વેસુ પાસે પોલીસને જોઈને બાઇક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી દીધી, જોકે પાછળ આવતી બીઆરટીએસ બસ ફુલ સ્પીડમાં હતી અને આ ટ્રિપલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. પાછળ બેઠેલા બે યુવાનને વધારે વાગ્યું હતું, જેમાંથી એકનું મૃત્યુ થયું છે. બસનો ડ્રાઇવર ભાગી ગયો હતો. બીઆરટીએસવાળા પોતાના ઘરની હોય એમ બસ ચલાવે છે. મૃતકના પરિવારને ન્યાય મળે એવી અમારી માગ છે.

અકસ્માત બાદ ડ્રાઇવર બસ મૂકીને ભાગી ગયો
સુરતમાં સિટી અને બીઆરટીએસ બસ અકસ્માતોને લઈને સતત વિવાદમાં રહે છે. બે દિવસ પહેલાં જ બીઆરટીએસ બસ બસ સ્ટેન્ડમાં ઘુસાડી દીધી હતી, જેમાં ચાર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે હવે બીઆરટીએસ બસે અડફેટે લેતાં એક યુવકનું મોત થયું છે. અકસ્માત બાદ ડ્રાઇવર બસ મૂકીને ભાગી ગયો હતો. હાલ તો વેસુ પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post