• Home
  • News
  • ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહીં:રાજકોટનાં 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લાગ્યાં, પૂજારીઓએ કહ્યું- ભગવાન સમક્ષ પૂરાં વસ્ત્રો પહેરવાં જરૂરી
post

સોમનાથ અને દ્વારકા જેવાં અનેક મોટાં મંદિરોમાં ટૂંકાં અને ફાટેલાં વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-05 18:43:39

રાજકોટનાં મંદિરોમાં હવે ટૂંકાં વસ્ત્રો પહેરી પ્રવેશ કરી શકાશે નહીં. જી..હા રાજકોટનાં 100થી વધુ મંદિરોમાં સનાતન સ્વરાજ સંસ્થાના યુવાનોએ પોસ્ટર લગાવ્યાં છે. જેને મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. મંદિરમાં લગાવાયેલાં પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આ મંદિર પરિસરની જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ ટૂંકાં વસ્ત્રો જેમ કે કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં.

પંચનાથ મંદિર સહિત 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લગાવાયાં
રાજકોટના પંચનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં ટૂંકાં કે ફાટેલાં વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતાં પોસ્ટર લગાવાયાં છે. અને મંદિરના પૂજારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે જેમણે ટૂંકાં અથવા ફાટેલાં કપડાં પહેર્યાં હોય તો તેમને પ્રવેશ આપવો નહીં. આગામી દિવસોમાં હજુ વધુ 50 જેટલાં મંદિરોમાં આ પ્રકારે પોસ્ટર લગાવાશે. ભગવાનની મર્યાદા જાળવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યાં હોવાનો દાવો પોસ્ટર લગાડનારાઓ દ્વારા કરવામાં આવ્યો છે.

કપડાં પહેરવાની સામે વિરોધ નથી, મર્યાદા જાળવવાનો ઉદ્દેશ્ય
આ પોસ્ટર લગાડનાર સનાતન સ્વરાજ સંસ્થાના કાના કુબાવતે જણાવ્યું હતું કે, રાજકોટનાં વિવિધ મંદિરોમાં પોસ્ટર લગાવવાની કામગીરી ચાલુ છે. અમારા સહિત વિવિધ હિન્દુ સંગઠનના મિત્રો સાથે મળીને આ કામ કરી રહ્યા છીએ. જેનો મુખ્ય હેતુ એ છે કે, ટૂંકાં વસ્ત્રો પહેરી મંદિરમાં ન આવવું જોઈએ. કોઈપણ કપડાં પહેરવાની સામે અમારો વિરોધ નથી. પરંતુ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હોય ત્યારે મર્યાદા જળવાય તેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ. બરમુંડા, ફાટેલા જીન્સ તેમજ ટૂંકાં કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા એ હિન્દુ સંસ્કૃતિ મુજબ યોગ્ય નથી.

મંદિરના ટ્રસ્ટી, પૂજારી, ભક્તોનું સમર્થન મળી રહ્યું છે
15 વર્ષથી હિન્દુ જાગૃતિ માટે કામ કરતા રમેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, એકાદ મહિના પહેલાં જ અમને આવો વિચાર આવ્યો હતો. મંદિરોમાં કેટલાક લોકો ટૂંકાં વસ્ત્રો પહેરીને આવે છે જે યોગ્ય નથી. અમે આ પ્રકારનાં પોસ્ટરો બનાવ્યાં હતાં. અને ગઈકાલથી પોસ્ટર લગાવવાનું શરૂ કરી અત્યાર સુધી 100થી વધુ મંદિરોમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતાં પોસ્ટરો લગાવ્યાં છે. જેમાં મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ અને દર્શન માટે આવતા લોકોનું સમર્થન પણ અમને મળી રહ્યું છે.

અહીં આવતા વ્યક્તિઓ ટૂંકાં કે ફાટેલાં વસ્ત્રો પહેરતાં નથી
મંદિરના પૂજારી યોગેશ ભટ્ટે જણાવ્યુ કે, પંચનાથ મંદિર વર્ષો જૂનું છે. અહીં મોટી સંખ્યામાં ભાવિકો દરરોજ મહાદેવજીનાં દર્શન માટે આવતા હોય છે. જોકે અહીં આવતા વ્યક્તિઓ ટૂંકાં કે ફાટેલાં વસ્ત્રો પહેરતાં નથી. હિન્દુ સંગઠનો દ્વારા મંદિર બહાર આ માટે ખાસ પોસ્ટર તૈયાર કરી લગાવવામાં આવ્યાં છે. જેનું અમે પણ સમર્થન કરીએ છીએ. મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે આવીએ ત્યારે મર્યાદા જાળવવી જરૂરી છે. ખરેખર મંદિરમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને આવતા લોકો ભગવાનનાં દર્શન કરવા માટે યોગ્ય નથી. મંદિરોમાં પૂર્ણ વસ્ત્રો પહેરી ભગવાનનાં દર્શન કરવા જોઈએ.

મંદિરમાં ટૂંકાં, ફાટેલાં વસ્ત્રો પહેરવા યોગ્ય નથી
મંદિરમાં દર્શન કરવા આવેલાં ટાંક હેતલે જણાવ્યું હતું કે, હું અવારનવાર અહીં દર્શન કરવા માટે આવું છું. જ્યાં મોટાભાગે લોકો પૂર્ણ વસ્ત્રો પહેરીને જ આવે છે. પણ ખરેખર આ પોસ્ટર લગાવ્યાં તે સારી બાબત છે. મંદિરની પ્રતિષ્ઠા, ગરિમા અને મહત્ત્વ જળવાઇ રહે તે માટે સૌએ મંદિરમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવાં જોઈએ. પુરુષ હોય કે મહિલા મંદિર પરિસરમાં ટૂંકાં અને ફાટેલાં વસ્ત્રો પહેરવાં યોગ્ય નથી.

દેશનાં અનેક મોટાં તીર્થ સ્થળોએ કડક નિયમ બનાવાયો છે
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત દેશનાં અનેક મોટાં તીર્થ સ્થળોએ પણ કડક નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી સોમનાથ અને દ્વારકા જેવાં અનેક મોટાં મંદિરોમાં ટૂંકાં અને ફાટેલાં વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. રાજકોટનાં હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, મંદિરની પ્રતિષ્ઠા, ગરિમા અને મહત્ત્વ જળવાઇ રહે તે હેતુથી આ બાબતે જાગૃતિ આવે તે જરૂરી છે.


adv

Related News

post
post
post
post
post
post
post