• Home
  • News
  • અમદાવાદમાં વસ્ત્રાલ-એપરલ પાર્ક રૂટ પર જાન્યુઆરીથી ડ્રાઇવરલેસ મેટ્રો, હાલ 20થી 25 કિમીની ઝડપે દોડતી મેટ્રો હવે 60થી 80 કિમીની ઝડપે દોડાવાશે
post

કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા મેટ્રોમાં એક ડ્રાઇવર સાથે રાખવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 12:42:06

શહેરમાં હાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી દોડતી મેટ્રો ટ્રેન મેન્યુઅલ અર્થાત ડ્રાઈવર દ્વારા દોડાવાય છે. ત્યારે મેટ્રોના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ માટે મુખ્ય કંટ્રોલ રૂમ એપેરલ પાર્ક ખાતે તૈયાર થવાની સાથે સંપૂર્ણ ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ કાર્યરત થઈ જતાં, હવે મેટ્રોનું સંચાલન ડ્રાઇવરલેસ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પશ્ચિમ ભારતના કમિશનર ઓફ રેલવે સેફ્ટીના ઇન્સપેક્શન બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીમાં ડ્રાઈવરલેસ મેટ્રો દોડાવામાં આવે તેવી શક્યતા છે. જો કે ડ્રાઈવરલેસ ટ્રેનમાં એક ડ્રાઈવર તો સાથે રખાશે, જેથી આકસ્મિક સમયે તેની મદદ લઈ શકાશે, સાથે ટ્રેનની સ્પીડની સાથે ફ્રિક્વન્સી પણ વધારાશે.

29-30 ડિસેમ્બરના રોજ લોકો માટે મેટ્રો ટ્રેનનું સંચાલન બંધ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં 6.5 કિ.મી. રૂટ પર દોડતી મેટ્રો ટ્રેનની સ્પીડ વધારવા માટે સીઆરએસની સ્વીકૃતિ જરૂરી છે. તેથી 29-30 ડિસેમ્બરના રોજ લોકો માટે મેટ્રો ટ્રેનનું સંચાલન બંધ રાખી સીઆરએસ દ્વારા આ રૂટની સાથે કંટ્રોલરૂમ, સિગ્નલ સિસ્ટમ વગેરેનું પણ નિરીક્ષણ કરાશે.

બન્ને ટ્રેક પર 4 કે તેથી વધુ ટ્રેનોનું સંચાલન થશે
હાલમાં મેટ્રો ટ્રેન 20થી 25 કિલોમીટરની સ્પીડે દોડે છે. પરંતુ હવે આ ટ્રેન 60થી 80 કિ.મીની ઝડપે દોડાવાશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં ફક્ત એક જ ટ્રેનનું સંચાલન કરાય છે. પરંતુ હવે જાન્યુઆરીથી મેટ્રોના બન્ને ટ્રેક પર 4 કે તેથી વધુ ટ્રેનોનું સંચાલન થશે. જેના પગલે હાલમાં 50 મિનિટના અંતરે દોડતી આ ટ્રેન 10થી 15 મિનિટના અંતરે દોડતાં લોકોને વધુ ફ્રિક્વન્સી મળી રહેશે.

વસ્ત્રાલ-રબારી કોલોની સ્ટેશન પણ શરૂ કરાશે
વસ્ત્રાલ અને રબારી કોલોની સ્ટેશનની કામગીરી અધૂરી હોવાથી આ બન્ને સ્ટેશનને સીઆરએસની મંજૂરી મળી ન હતી. હવે આ બંને સ્ટેશનની કામગીરી પૂર્ણ થતા જાન્યુઆરીથી વસ્ત્રાલ અને રબારીકોલોની સ્ટેશન પણ શરૂ કરી દેવાશે.

ફેઝ-1નું કામ સપ્ટેમ્બર 2022 સુધી પૂરું થઈ જશે
શહેરમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી અનેક અવરોધોના કારણે લગભગ 4 વર્ષથી વધુ સમય મોડી પડી છે. ત્યારે હવે મેટ્રો ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી નોર્થ સાઉથ કોરિડોરની સંપૂર્ણ કામગીરી સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનો છે.

800 સામે કોરોના બાદ માંડ 100 પેસેન્જર મળે છે
કોરોનાકાળ પહેલાં રોજ સરેરાશ 800થી વધુ પેસેન્જરો મુસાફરી કરતા હતા, પરંતુ કોરોના મહામારી શરૂ થયા બાદ 22 માર્ચથી મેટ્રો બંધ કરાઈ હતી. 1 સપ્ટેમ્બરથી ફરી મેટ્રો શરૂ થતાં સરેરાશ 108થી વધુ પેસેન્જરો જ મુસાફરી કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post