• Home
  • News
  • ઉત્તરાયણમાં રોજના 13,500 લોકો સેફ્ટી માટે ટૂ-વ્હીલર્સમાં સળીયા ફિટ કરાવે છે
post

450 લોકો ટૂ-વ્હીલર્સ પર સળીયા ફિટ કરી રોજગારી મેળવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 12:02:48

ઉત્તરાયણમાં દોરીથી બચવા માટે શહેરીજનો ટૂ-વ્હીલર્સના સ્ટેરિંગ પર સળીયા લગાવે છે. શહેરમાં આવા સળીયા લગાવવાનું કામ 450 કરતા પણ વધુ લોકો કરે છે. ઉત્તરાયણના બે દિવસ પહેલા જ એવરેજ એક વ્યક્તિ પાસે 30 લોકો ટૂ-વ્હીલર્સ પર સળીયા ફિટ કરાવે છે. જે મુજબ રોજ 13,500 લોકો ટૂ-વ્હીલર્સમાં સેફ્ટી માટે સળીયા ફિટ કરાવે છે. આ પ્રકારની છૂટક રોજગારી સાથે જોડાયેલા લોકો દરિયાપુર, સીએટીએમ સહિતના વિસ્તારમાંથી હોલસેલના ભાવે આ સળીયા લાવી તેને બનાવી વેચી રહ્યા છે.

એલ્યુમિનિયમના સળીયાના ભાવ અંગે જણાવતા દરિયાપુરના વેપારી પારસ મોદીએ કહ્યું કે, ‘આ વખતે એલ્યુમિનિયમના સળીયામાં 15થી 20 ટકાનો વધારો થયો છે. ઉત્તરાયણમાં લોકોને ઉત્સાહ નથી, બજારમાં મંદી છે, પતંગ બજારમાં પણ કામ ઓછું થતા મંદીનો માહોલ છે. જેથી ઓવરઓલ બજારમાં વેચાણ પણ ઓછું થઈ રહ્યું છે.આ વખતે જે વ્યક્તિ ટૂ-વ્હીલર્સ પર દિવસમાં 50થી 70 સળીયા ફિટ કરતા હતા તે એવરેજ 30 જેટલા સળીયા રૂપિયા 50થી વધુના ભાવે ફિટ કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સળીયા ફિટ કરાવનારાનો ધંધો ઘટી જવાનું મુખ્ય કારણ લોકોમાં ઉત્તરાયણ પ્રત્યે ઘટી રહેલો ઉત્સાહ છે. ગાઇડલાઇનને કારણે લોકો માત્ર પોતાના પરિવાર સાથે આ વર્ષે ઉત્તરાયણ ઉજવશે ત્યારે લોકો ભેગા પણ ઓછા જ થશે. જેને પગલે ઉત્તરાયણની તમામ વસ્તુઓનું માર્કેટ નુકસાન ભોગવી રહ્યું છે.

જમાલપુરમાં 10 દિવસમાં 300 સળીયા ફીટ કર્યાં છે
ત્રણ વર્ષથી હું આ કામ કરું છું. 10 દિવસમાં 300 લોકોએ સળીયા ફિટ કરાવ્યા છે. આ વર્ષે ગતવર્ષ કરતા રોજના 20 લોકો ઓછા છે. પૂર્વમાં 250 લોકો આ વેપાર સાથે જોડાયેલા છે. - રાજુ ઠાકોર, જમાલપુર

રોજના 25થી વધુ સળીયા ફિટ થાય છે
રોજના 25થી વધુ સળીયા ફિટ થાય છે. ક્યારેક 50થી પણ વધુ સળીયા ફિટ કરું છું. પાંચ દિવસમાં આ ઘરાકી વધી છે. ફિટ કરવાના રૂપિયા 50 લઈએ છીએ. આ વર્ષે પણ સળીયાનો ગત વર્ષ જેટલો જ ભાવ રાખવામાં આવ્યો છે. - દીગુબહેન, ખોખરા

 

adv

Related News

post
post
post
post
post
post
post