• Home
  • News
  • શ્રીલંકાના પૂર્વ રમતગમત મંત્રીનો આરોપ- 2011ની વર્લ્ડકપ ફાઇનલ ફિક્સ હતી, સંગાકારા અને જયવર્ધનેએ કહ્યું- પુરાવા રજૂ કરો
post

પૂર્વ રમતગમત મંત્રી અલુથગામાનો આરોપ- અમે 2011 વર્લ્ડકપ જીતી શક્યા હોત પરંતુ અમુક ગ્રુપ ફાઇનલ ફિક્સ કરવામા સામેલ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 12:18:19

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા પછી હવે પૂર્વ રમતગમત મંત્રી મહિદાનંદા અલુથગામાએ દાવો કર્યો છે કે 2011 વર્લ્ડકપની ફાઇનલ મેચ ફિક્સ હતી. તેમણે કહ્યું કે ત્યારે હું સ્પોર્ટ્સ મિનિસ્ટર હતો તેમ છતા મને વિશ્વાસ છે કે આવું થયું હતું. તત્કાલિન કેપ્ટન કુમાર સંગાકારા અને બેટ્સમેન મહેલા જયવર્ધનેએ પૂર્વ મંત્રી પાસે આ મામલે પુરાવાની માંગણી કરી છે. 

જયવર્ધનેએ ટ્વિટ કર્યું - લાગે છે ચૂંટણી નજીક આવી ગઇ છે તેથી સર્કસ શરૂ થઇ ગયું છે. આરોપ લગાવનાર નામ અને પુરાવા રજૂ કરે. મહિદાનંદા 2010થી 2015 સુધી રમતગમત મંત્રી હતા અને અત્યારે શ્રીલંકા સરકારમાં ઉર્જા મંત્રી છે. તેમણે શ્રીલંકાની સિરસા ટીવી સાથે વાતચીત દરમિયાન મેચ ફિક્સિંગની વાત કહી હતી. 

આપણે મેચ જીતી શક્યા હોત- પૂર્વ મંત્રી
તેમણે કહ્યું કે ત્યારે હું આ ષડયંત્ર વિશે કંઇ કહેવા માગતો ન હતો. પરંતુ હવે લાગે છે કે તેના વિશે વાત થઇ શકે છે. તેમાં કોઇ ખેલાડીઓ સામેલ નથી પરંતુ અમુક ગ્રુપ બેશક મેચ ફિક્સ કરવામા સામેલ હતા. 

રણતુંગાએ પણ ફાઇનલ ફિક્સ હોવાના આરોપ લગાવ્યા હતા
ત્રણ વર્ષ પહેલા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને કમેન્ટેટર અર્જુન રણતુંગાએ પણ 2011ના વર્લ્ડકપમાં ટીમની હાર થવા અંગે શંકા જાહેર કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું- 'જ્યારે આપણે હાર્યા ત્યારે હું ખુબ દુખી હતો અને મને શંકા થતી હતી. 2011ના વર્લ્ડકપ ફાઇનલમાં શ્રીલંકાની ટીમ શા માટે હારી તેની તપાસ ચોક્કસ થવી જોઇએ. અત્યારે તો હું બધા ખુલાસા નહીં કરી શકું પરંતુ એક દિવસ જરૂર જણાવીશ.' 2011ની ફાઇનલ મેચ દરમિયાન રણતુંગા વાનખેડે સ્ટેડિયમમાં કમેન્ટરી કરી રહ્યા હતા. 

શ્રીલંકાના એક અન્ય પૂર્વ રમતગમત મંત્રી હરિન ફર્નાન્ડો પણ કહી ચૂક્યા છે કે શ્રીલંકા ક્રિકેટમાં ઉપરથી લઇને નીચે સુધી ભ્રષ્ટાચાર છે અને ICCએ શ્રીલંકાને વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો પૈકી એક માન્યો છે. 

28 વર્ષ બાદ ભારતે વર્લ્ડકપ જીત્યો હતો
2011
માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. તેમાં શ્રીલંકાને ભારતે 6 વિકેટે હરાવીને 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો હતો. આ મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને 6 વિકેટ પર 274 રન બનાવ્યા હતા. તેમાં મહેલા જયવર્ધનેએ 103, સંગાકારાએ 30 અને કુલશેખરાએ 40 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સચિન અને સહેવાગ જલદી આઉટ થઇ ગયા હતા પરંતુ પછી ગૌતમ ગંભીર (97) અને મહેન્દ્રસિંહ ધોનીના પ્રદર્શનથી ભારતે બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. 

ICC દ્વારા શ્રીલંકા ક્રિકેટમાં ભ્રષ્ટાચારની તપાસ
ક્રિકેટમાં ભ્રષ્ટાચારના મામલે વારંવાર શ્રીલંકાનું નામ સામે આવે છે. આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ત્રણ પૂર્વ ખેલાડીઓની તપાસ કરી રહી છે. જોકે તેમાં નામનો ખુલાસો કરવામા આવ્યો ન હતો. 

જયસૂર્યા પણ 2 વર્ષ માટે પ્રતિબંધિત થઇ ચૂક્યા છે
ક્રિકેટમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ગત વર્ષે નવેમ્બરમાં શ્રીલંકા બોર્ડે મેચ ફિક્સિંગ અને સટ્ટાખોરી વિરુદ્ધ આકરા દંડની જોગવાઇ કરી હતી. આ પહેલા ICCના એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના કારણે પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા અને પૂર્વ ફાસ્ટ બોલર નુવાન જોયસા વિરુદ્ધ કાર્યવાહી થઇ ચૂકી છે. જયસૂર્યા પર મેચ ફિક્સિંગની તપાસમાં સહયોગ ન કરવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો જ્યારે જોયસા મેચ ફિક્સિંગના આરોપમાં સસ્પેન્ડ થયા હતા. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post