• Home
  • News
  • ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતો કિસ્સો, ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારી માસિક ધર્મની તપાસ કરાઈ
post

વિરોધ કર્યો તો સંચાલકોએ કહ્યું- તમને ના ફાવતું હોય તો હોસ્ટેલ અને કોલેજ છોડી દો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:18:03

ભૂજ: ભૂજમાં એક શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. મિરજાપર રોડ પર આવેલી ભૂજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના સંકુલમાં પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટર, શિક્ષિકા અને એક પટાવાળા બહેને તમામ 60 છાત્રાઓને વસ્ત્ર ઉતરાવી માસિક ધર્મમાં કોણ છે એની તપાસ કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ પ્રમાણે ઋતુધર્મ (માસિક) વાળી છોકરીઓએ અલગ જમવાનું અને છેટા બેસવાનું હોય, પરંતુ છાત્રાઓ ખરેખર માસિકમાં છે કે કેમ તે છુપાવતી નથી તે ચકાસવા માટે વસ્ત્રો ઉતરાવાયા હતા.


છાત્રાલયમાં રહેતી 60 છોકરીઓને કોલેજના ખંડમાં બોલાવી
ઈન્સ્ટિટ્યૂટના સંચાલકોએ છાત્રાઓને ‘ચૂપ’ કરવા કોલેજ-છાત્રાલયમાંથી હાંકી કાઢવાની ચીમકી પણ આપી. કેટલીક છાત્રાએ જણાવ્યું હતું કે, છાત્રાલયમાં રહેતી 60 છોકરીઓને કોલેજના ખંડમાં બોલાવી હતી અને પ્રિન્સિપાલ રીટાબેન રણીંગા, એડમિનિસ્ટ્રેટર અનીતાબેન, શિક્ષિક રમીલાબેન અને નયનાબેને છોકરીઓને એક પછી એક પ્રિન્સિપાલની ચેમ્બરમાં આવેલા વોશરૂમમાં વસ્ત્રો ઉતરાવીને માસિક ધર્મની ચકાસણી કરી હતી.


‘
દીકરીઓ કહેશે પ્રમાણે ટ્રસ્ટી મંડળ પગલા ભરશે’
પેડ મામલે હોબાળો થતા સહજાનંદ ઇન્સ્ટિટયુટનું ટ્રસ્ટી મંડળ બેકફુટમાં આવી ગયું હતું. મોટાભાગના ટ્રસ્ટીઓ જવાબ આપવાનું ટાળતા રહ્યા હતા. જો કે, સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ અને મુખ્ય સંચાલક એવા પ્રવીણભાઇ પીંડોરીયાએ કહ્યું હતું કે, અમે દિકરીઓ કહેશે મુજબ પગલા ભરવા તૈયાર છીએ. અમારી સંસ્થાએ અનેક ઇવેન્ટમાં સિદ્ધિઓ મેળવી છે, દુરદુરના ગામડાની ગરીબ છોકરીઓને અહીં સારી રીતે રખાય છે. હોસ્ટેલ માત્ર હાઇસ્કુલ માટે છે તેમ છતાં અપડાઉન કરી શકે કે વધુ ખર્ચા પરવડે નહી એવી કોલેજની છાત્રાઓને પણ અમે ખાસ કિસ્સામાં રાખીએ છીએ. મતલબ કે સંસ્થાઓ પુરેપુરી છોકરીઓ માટે છે અને છોકરીઓની તરફેણમાં છે. પ્રવીણભાઇએ ઉમેર્યું હતું કે, અમારા માટે દિકરીઓ મહત્વની છે.


‘
સમાધાન’ના કરાયા હતા પ્રયાસો
સહજાનંદની છાત્રાઓએ ભારે વિરોધ કરતા ટ્રસ્ટીઓએ વાત વણસે નહીં તે માટે છાત્રાઓ અને પ્રિન્સિપાલ, કો-ઓર્ડિનેટર વિગેરેને સાથે બેસાડી સમાધાનના પ્રયાસો પણ કર્યા હતા. આમ છતાં અનેક છાત્રાઓનો રોષ છલકાઇને બહાર આવી ગયો હતો.


વીસી-રજીસ્ટાર તપાસ માટે ગયા હતા
અંગે ડીઇઓ પ્રજાપતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, કોલેજનો પ્રશ્ન હોવાથી ઇન્ચાર્જ વીસી દર્શનાબેન ધોળકીયા અને રજીસ્ટાર ડો. તેજલ શેઠ તપાસ માટે ગયા હતા. કમિટી સાથે ચર્ચા વિચારણા કરવા પણ જણાવ્યું હતું.


તાત્કાલીક રચાયેલી સમિતિએ રિપોર્ટ કર્યો
મામલો ગંભીર બની જતા તાત્કાલીક એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દર્શના ધોળકીયા, અંગ્રેજી વિભાગના વડા ડો. કાશ્મીરા મહેતા,અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો. કલ્પના સતીજા, રજીસ્ટાર ડો. તેજલ શેઠ અને ડીન પી. એસ. હિરાણીની બનેલી કમિટીએ ગુરુવારે બપોર બાદ સહજાનંદ સંકુલની મુલાકાત લઇ ટ્રસ્ટીઓ અને છોકરીઓથી મિટીંગ કરી હતી. જો કે, કોલેજનો નહીં પરંતુ હોસ્ટેલનો મામલો હતો. આમ છતાં યુનિવર્સિટીના પદાધિકારીઓની બનેલી કમિટીએ વસ્ત્રો ઉતરાવી ચેકીંગ કરનારા જવાબદારો સામે પગલા ભરવાની હિમાયત કરતો રિપોર્ટ જિલ્લા કલેકટરને સોંપ્યો હતો.


પેડના નિકાલ માટે સંસ્થામાં વસાવાયું છે 1 લાખનું મશીન
સહજાનંદ ઇન્સ્ટિટયુટના સર્વેસવા લેખાતા પ્રવીણભાઇ પીંડોરીયાએ જણાવ્યું હતું કે, સંસ્થાએ સેનેટરી પેડના નિકાલ માટે એક લાખના ખર્ચે મશીન વસાવ્યું છે. એટલું નહીં છાત્રાલયમાં રહેતી તમામ દિકરીઓને સુર્યા વરસાણી ટ્રસ્ટ દ્વારા દાતાઓની મદદથી વિનામુલ્યે સેનેટરી પેડ પણ પુરા પાડવામાં આવે છે.


કતારબંધ ઊભેલી કન્યાઓ સીસીટીવી ફૂટેજમાં કેદ
પ્રિન્સિપાલની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, મંગળવારે સવારે 11થી 12 વાગ્યાના અરસામાં ખંડમાં બધીને બોલાવી એક પછી એક છોકરીને આરોપીની જેમ ચેમ્બરમાં બોલાવાઇ હતી તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગયું હતું.


માફીપત્ર લખાવી લેવાયા
પેડ ફેંકવાના કસુર બદલ છોકરીઓ પાસે માફીપત્ર લખાવાયા હતા. સંચાલકોનો દાવો છે કે દીકરીઓએ સામેથી માફીપત્ર લખી આપવા તૈયારી દર્શાવી હતી.


પ્રિન્સિપાલ રજામાં ઉતરી ગયા
મંગળવારે ચકાસણી થયા બાદ છાત્રાઓમાં રોષ ભભૂકી ઉઠતા અને વિવાદ વધુ વકરતા પ્રિન્સિપાલ રીટાબેન રજામાં ઉતરી ગયા હતા. ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.


હવે પરિણામની ચિંતા
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કેરિયર પર આની કોઈ અસર થાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post