• Home
  • News
  • હરિયાણાની 7 વર્ષીય પરી શર્મા ધોનીને ય ચકરાવે ચડાવે એવો હેલિકોપ્ટર શોટ ફટકારે છે, પિતાની અધૂરી ખ્વાહિશ પૂરી કરવા તત્પર
post

પરીના પિતા પ્રદીપ શર્મા 15 વર્ષ હરિયાણા માટે રમ્યા, પરંતુ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી શક્યા નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 11:58:52

અમદાવાદ: વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન શાઈ હોપ તેના બેટિંગ વીડિયો જોઈને કહે છે કે, 'હું મોટો થાઉં ત્યારે મારે આવા બેટ્સમેન થવું છે!' બેટ્સમેન માઈકલ વોન કહે છે, 'આનાંથી શાનદાર ફૂટવર્ક હોઈ જ ન શકે.' ઈન્ડિયન સ્પિનર પૂનમ યાદવ લખે છે કે, 'આ તો માની શકાય તેમ નથી!' ભારત અને દુનિયાભરના ટોચના ક્રિકેટરો જેના વિશે આટલાં અહોભાવથી વાત કરે છે એ ક્રિકેટર કોણ છે? સચિન તેંડુલકર? મહેન્દ્રસિંહ ધોની? વિરાટ કોહલી?

ના, એ છે હરિયાણાની 7 વર્ષની ટબુકડી પરી શર્મા. દેખાવમાં દુબળી, પાતળી. આંખોમાં મુગ્ધ કુતુહુલ. પગમાં જાણે પાંખો પહેરી હોય એવો તરવરાટ, પણ એ જ છોકરી બેટ પકડીને વિકેટ આગળ સ્ટાન્સ લે એટલે તદ્દન બદલાઈ જાય. હેલિકોપ્ટર શોટ તો એવો મારે છે કે ખુદ ધોની પણ દિગ્મૂઢ બની જાય.

હરિયાણાના રોહતકના રૂપનગરની પરી શર્માના બેટિંગ-બોલિંગ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ પરીનો વીડિયો ફેસબુક પર શેઅર કર્યો ત્યારથી તેના વીડિયોને 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને દેશ-વિદેશના ક્રિકેટર્સ પણ પરીની ક્રિકેટિંગ સ્કિલ પર આફરિન પોકારી રહ્યા છે. DivyaBhaskar સાથેની એક્સ્ક્લુઝિવ મુલાકાતમાં પરી અને તેના પિતા કમ કોચ પ્રદીપ શર્માએ બહુ મોકળાશથી વાતો કરી હતી. એમની સાથેની વાતોમાં ફિલ્મ દંગલનો એ ડાયલોગ વગર કહ્યે સતત સંભળાતો રહે છેઃ મ્હારી છોરી છોરો સે કમ હૈ કા?

પોતાનો પરિચય આપતા પરી કહે છે કે, હાઈ ધીસ ઇઝ ક્રિકેટર પરી શર્મા સ્પીકિંગ. હું માત્ર સાત વર્ષની છું. ત્રીજા ધોરણમાં ભણું છું. હું એક ઓલરાઉન્ડર છું અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમવા માગું છું. મારા પપ્પા જ મને કોચિંગ આપે છે. એમએસ ધોની મારા ફેવરિટ ક્રિકેટર છે. મને વિરાટ કોહલી અને શેન વોર્ન પણ ગમે છે. કટ અને પુલ મારા ફેવરિટ શોટ છે. હું છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટ રમું છું.

બેકગ્રાઉન્ડ સ્ટોરી: દંગલ 2.0 લોડિંગ
પરીના પિતા પ્રદીપ શર્મા કહે છે, હું હરિયાણા માટે 15 વર્ષ રમ્યો હતો. યુનિવર્સિટી લેવલે વિરેન્દ્ર સહેવાગ, અજય રત્રા અને જોગિંદર જેવા દિગ્ગજોની સાથે અને સામે રમ્યો. પરંતુ ક્યારેય ભારત માટે રમી શક્યો નહિ. મને હંમેશા ખૂંચતુ હતું કે હું ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવામાં નિષ્ફળ રહ્યો. મેં નક્કી કરેલું કે મારે સંતાનમાં દીકરો હશે કે દીકરી, હું તેને ક્રિકેટર જ બનાવીશ.

4 વર્ષની વયે પરી પપ્પાનું સપનું સમજી ગઈ
પરીએ 4 વર્ષની વયે દિવસ-રાત ક્રિકેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. પ્રદીપ કહે છે, મેં એને વિસ્તારથી કીધું હતું કે બેટા હું આ લેવલ સુધી જ રમી શક્યો. મારી ઈચ્છા છે કે તું મારુ સપનું પૂરું કરે. તે તરત સમજી ગઈ. નવાઈની વાત છે કે આટલી નાની ઉંમરે તે આવી શિષ્ટતા સાથે રમે છે. મને લાગે છે કે તેના ક્રિકેટથી મારુ પેશન અને દર્દ છલકાઈ રહ્યું છે.

રોજ 8થી 10 કલાક પ્રેક્ટિસ કરે છે
પરી કહે છે કે, હું રોજ 8થી 10 કલાક પ્રેક્ટિસ કરું છું. સવારે 5થી 8/9, બપોરે 2થી 5 અને સાંજે 6થી 8. ઘરે ઇન્ડોરમાં અને ઘરની બહાર એક ગ્રાઉન્ડ છે, ત્યાં પ્રેકિટસ પણ કરું અને મેચ પણ રમું છું. મને બોલિંગ કરતા વધારે બેટિંગ કરવી વધારે ગમે છે. આજકાલ હેલિકોપ્ટર શોટ પર કામ કરી રહી છું. તેના પપ્પા કહે છે કે, તેણે ઘરનો એકપણ કાચ બાકી નથી રાખ્યો, બધા ફોડી નાખ્યા છે. મને કોઈ ફરિયાદ નથી. બસ, ઘરે સીઝનથી રમવાની ના પાડું છું, કારણકે એ બહુ જોરથી ફટકારે છે.

મારા જેવું કોચિંગ કોઈ  આપી શકે
પ્રદીપ કહે છે કે, ભવિષ્યના કોઈ પ્લાન્સ નથી. અમે વર્તમાનમાં દરરોજ ગેમ ઈમ્પ્રૂવ કરવા પર કામ કરી રહ્યા છીએ. પરીને મારા જેવું કોચિંગ કોઈ ન આપી શકે. હું તેને બીજે ક્યાંય મોકલવાનો નથી. અત્યારે મારી એક કોચિંગ એકેડમી થઈ ગઈ છે. પરીને જોઈને અન્ય માતા-પિતા પણ તેમના બાળકોને મોકલે છે. આજુબાજુના 14-15 વર્ષના 15-20 છોકરાઓ રમવા આવે છે. હું બધાને શીખવાડું છું અને પરી અત્યારે તેમની સાથે રમે છે. જ્યારે સાચો સમય આવશે, ત્યારે તેને સીધી ટ્રાયલ્સ માટે મોકલીશ.

પ્રેમ પ્રેશરમાં  બદલાઈ તેનું ધ્યાન રાખું છું
પ્રદીપ અંતમાં કહે છે, હું એ વાતનું પણ ખાસ ધ્યાન રાખું છું કે તેનો પ્રેમ પ્રેશરમાં ન બદલાઈ જાય. કારણકે તેવું પણ થઈ જ શકે છે, ખાસ કરીને જ્યારે આટલી નાની ઉંમરે તમારે સતત એક જ વસ્તુ કરવાની હોય. હું નિયમિત રીતે તેનું કાઉન્સલિંગ કરું છું. તે મને કહે છે, પપ્પા ડોન્ટ વરી. આઈ લવ ક્રિકેટ. મને મજા આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post