• Home
  • News
  • થાણેમાં શિંદે જ ‘શિવસેના’:અહીંની શેરીઓમાં ચલાવી ઓટોરિક્ષા, માર્ગો પર કરી મજૂરી અને હવે થાણેના ‘ઠાકરે’ છે એકનાથ
post

એકનાથ શિંદેની પાછળ માત્ર થાણેના જ લોકો ઊભા નથી, પરંતુ શિવસેનાના બે તૃતીયાંશથી વધુ એટલે કે 40 ધારાસભ્ય પણ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 11:34:46

મુંબઈ: મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય ઊથલપાથલ દરમિયાન જે વ્યક્તિનું નામ સૌથી વધુ ચર્ચામાં છે એ એકનાથ શિંદે છે. થાણેની કોપરી-પછપાખાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વર્તમાન સરકારમાં શહેરી વિકાસ તથા જાહેર બાંધકામમંત્રી શિંદેની થાણેમાં મજબૂત પકડ છે. એકનાથ એક નામ નથી, પણ પોતાનામાં એક પક્ષ છે. થાણેના લોકો તેમને શિવસેનાના સ્થાપકોમાંના એક આનંદ ચિંતામણિ દિઘેના પ્રતિબિંબ તરીકે જુએ છે. આ જ કારણ છે કે લોકો શિંદેના નિર્ણય સાથે આંખ આડા કાન કરી રહ્યા છે.

દૈનિક ભાસ્કર પણ 'શિંદેના સામ્રાજ્ય' સુધી પહોંચ્યું અને એક ઓટો-ડ્રાઈવરે સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવા માટે કેવી રીતે સંઘર્ષ કર્યો એની તપાસ કરવાનો પ્રયાસ કર્યો. તમે પણ વાંચો અમારો આ ખાસ અહેવાલ...

સમગ્ર થાણેમાંથી ગાયબ ઉદ્ધવનો ફોટો, બધે દેખાય છે શિંદે

એકનાથ શિંદેની પાછળ માત્ર થાણેના જ લોકો ઊભા નથી, પરંતુ શિવસેનાના બે તૃતીયાંશથી વધુ એટલે કે 40 ધારાસભ્ય પણ છે. શિંદેએ ઉદ્ધવ સામે બળવાખોર સૂર ઉઠાવ્યો, થાણે જિલ્લામાં તેમના સમર્થનમાં બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યાં. આ પોસ્ટરોમાં બાળાસાહેબ હતા, પરંતુ વર્તમાન શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તસવીર ગાયબ થઈ ગઈ.

રાજકારણમાં પ્રવેશ કરીને પાણીની સમસ્યા હલ કરી
શિંદેનું બાળપણ થાણેના કિસાનનગર વાગલે સ્ટેટ નંબર 16માં વીત્યું હતું. આજે તેનો અહીં ફ્લેટ પણ છે. આમાં તેઓ તેમનાં માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેન સાથે રહેતા હતા.

તેમના બાળપણના મિત્ર જગદીશ પોખરિયાલ કહે છે, એકનાથ એવા લોકોમાંના એક હતા, જેઓ શરૂઆતથી જ લોકો માટે ઊભા હતા. અહીં પીવાના પાણીની ભારે સમસ્યા હતી. મહિલાઓને દૂર દૂરથી પાણી લાવવું પડ્યું હતું. આ સમસ્યા જોઈને એક દિવસ શિંદે રમેશ પાસે આવ્યા અને પૂછ્યું કે આ સમસ્યા કેવી રીતે હલ થશે. આના પર રમેશે તેને રાજકારણમાં આવવાની સલાહ આપી. શરૂઆતમાં શિંદેએ ના પાડી, પરંતુ પછીથી તેઓ આરએસએસ શાખામાં જોડાયા.

મુસ્લિમોએ શિવસેનામાં પ્રવેશ કરાવ્યો

થાણેમાં શિંદેનું કદ એવું છે કે શિવસેનાની કોર કેડર એટલે કે હિંદુઓ જ નહીં, મુસ્લિમો પણ તેમની સાથે ઊભા છે. આ જ કારણ છે કે શિંદેના નામ પર બંને સમુદાયના લોકોએ તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ચૂંટીને લોકસભામાં મોકલ્યા હતા. એકનાથના પીએ રહેલા ઈમ્તિયાઝ શેખ ઉર્ફે 'બચ્ચા'એ જણાવ્યું હતું કે શિવસેનામાં જોડાતાં પહેલાં શિંદે RSS શાખાના વડા હતા અને ઓટોરિક્ષા ચલાવતા હતા.

એક દિવસ આનંદ દિઘે તેમના વિસ્તારમાં આવ્યા અને લોકોને પૂછ્યું કે તેઓ કોને તેમના કાઉન્સિલર (નગરસેવક) તરીકે જોવા માગે છે. એના પર ઇમ્તિયાઝ સહિત સેંકડો મુસ્લિમોએ એકનાથ શિંદેનું નામ આગળ કર્યું. આ પછી જ શિંદેએ શિવસેનામાં સક્રિયપણે પ્રવેશ કર્યો. અહીં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા હફિઝુર રહેમાન ચૌધરીએ જણાવ્યું હતું કે એકનાથ શિંદે જ તેમની દુકાન પર બેસીને મ્યુનિસિપલ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.

પિતા કાર્ડ બોર્ડ કંપનીમાં કામ કરતા અને માતા ઘરોમાં
શિંદે ભલે આજે મુખ્યમંત્રીપદની રેસમાં હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના ઘરે આર્થિક તંગી હતી. 1990-92ની વચ્ચે એકનાથ શિંદેની કાર ચલાવનાર હલીમ શેખે જણાવ્યું હતું કે તેમના પિતા સંભાજી શિંદે કાર્ડ બોર્ડ કંપનીમાં કામ કરતા હતા અને માતા ઘરોમાં કામ કરતી હતી. આટલી ગરીબી હોવા છતાં શિંદે ક્યારેય કોઈ ખોટો રસ્તો અપનાવ્યો ન હતો અને હંમેશાં તેમનાં પ્રિયજનોની મદદ કરવા તૈયાર હતા.

બે બાળકનાં મૃત્યુ બાદ રાજકારણ છોડી દીધું

આજથી 22 વર્ષ પહેલાં એટલે કે 2 જૂન 2000ના રોજ શિંદેના જીવનમાં એવો વળાંક આવ્યો કે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. સતારામાં બોટ અકસ્માતમાં તેમનો નાનો પુત્ર દિપેશ અને પુત્રી સુભદ્રા તેમની નજર સામે જ ડૂબી ગયાં હતાં.

આ મૃત્યુ પછી શિંદે એટલા ભાંગી પડ્યા કે તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. છેલ્લાં 40 વર્ષથી શિંદે સાથે રહેતા દેવીદાસ ચાલકેએ જણાવ્યું હતું કે બાળકોનાં મૃત્યુ બાદ એકનાથે ખુદને એક રૂમમાં કેદ કરી લીધા હતા. તેઓ કોઈને મળતા નહોતા કે વાત કરતા નહોતા. ત્યાર બાદ તેમના રાજકીય માર્ગદર્શક શિવસેનાના પ્રબળ નેતા આનંદ દિઘે તેમને રાજકારણમાં પાછા લાવ્યા.

મજૂર બન્યા, માછલીની છાલ ઉતારવાનું કામ પણ કર્યું
દેવીદાસ ચાલકેએ એમ પણ જણાવ્યું હતું કે પરિવારને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે એકનાથ શિંદે ઓટો ચલાવવાની સાથે લેબર કોન્ટ્રેક્ટર તરીકે પણ કામ કરતા હતા. ઘણી વખત એવું બન્યું કે કામ વધારે આવ્યું અને મજૂરો ઓછા. આવા સમયે શિંદે પોતે મજૂર તરીકે કામ કરતા હતા. તેમણે પોતાના હાથે માછલી પણ સાફ કરી.

ભાષણ આપતી વખતે શિંદેનો અવાજ જતો રહ્યો હતો

દેવીદાસે વધુમાં જણાવ્યું હતું કે એકનાથ શિંદેના જીવનમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે લગભગ 15 દિવસ સુધી તેમનો અવાજ જતો રહ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીનો સમય હતો.

શિંદેએ આખા મહારાષ્ટ્રમાં એટલો પ્રચાર કર્યો કે તેમનો અવાજ જતો રહ્યો. જોકે તબીબોના પ્રયાસોથી તેને ફરી પાછો લાવવામાં આવ્યો હતો. આમ છતાં તેઓ શિવસેના માટે લડતા રહ્યા અને આજે તેમના પર બળવાખોર હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એવા લોકો તેમના પર આરોપ લગાવી રહ્યા છે, જેઓ ક્યારેય લોકોને મળતા ન હતા.

શિંદેએ પાણીમાં ડૂબતા સ્થાનિકોને બચાવ્યા
એક જુનો કિસ્સો યાદ કરતાં એકનાથ શિંદેના મિત્ર અને સુખ-દુ:ખના સાથી મિલિંદ ઝાંડેએ જણાવ્યું હતું કે એકવાર કિસાનનગર વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન ફાટી ગઈ અને આ વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું. કોર્પોરેશનના કર્મચારીઓને આવવામાં મોડું થતું હતું.

એકનાથ શિંદેને આ વાતની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પાણીમાં કૂદી પડ્યા. કોર્પોરેશનના કર્મચારીઓ આવે એ પહેલાં જ તેમણે તૂટેલી પાઈપલાઈન રિપેર કરાવી અને વિસ્તારને ડૂબતો બચાવી લીધો હતો.

જ્યારે રેશન સમાપ્ત થઈ ગયું, ત્યારે શિંદેએ ગોડાઉન ખોલ્યું
શિંદેના બાળપણના મિત્ર પોપટ ધોત્રેએ જણાવ્યું હતું કે એક વખત તેમની ચાલમાં રેશનની અછત હતી. સ્થાનિક લોકોને ચોખા કે ખાંડ ન મળતા હતા. જ્યારે એકનાથને આ વાતની ખબર પડી ત્યારે તેઓ સીધા પેક કરતી કંપનીઓના વેરહાઉસમાં ગયા અને ત્યાંથી રેશન ઉપાડીને કમલાનગરમાં રહેતા લોકો સુધી પહોંચાડ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post