• Home
  • News
  • વિધાનસભામાં કોંગ્રેસ આક્રમક, ગૃહમાં બળાત્કારની ઘટનાઓ અને મહિલા અત્યાચાર સામે સવાલો કર્યા
post

ગુજરાતમાં ભાજપની સરકારે મહિલાઓને સુરક્ષા આપી જ છે અને સમિતિ ઝડપથી બનાવીશુંઃ હર્ષ સંઘવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 15:19:50

અમદાવાદઃ આજથી ગુજરાતની પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆતથી જ કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક અંદાજમાં હતાં. ત્યારે સત્રમાં પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર અને ક્રાઈમ રેટને લઈને સવાલ કર્યો હતો. તે ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારે પણ ગૃહમાં સવાલો ઉઠાવ્યા હતાં. વિપક્ષના બંને ધારાસભ્યોના સવાલનો જવાબ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. 

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ NCRBના આંકડા રજૂ કર્યા

કોંગ્રેસના ધારસભ્ય તુષાર ચૌધરીએ NCRB( નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો) દ્વારા જાહેર કરવામાં આવેલા બળાત્કાર અને મહિલાઓ પર થતા અત્યાચારના આંકડા રજૂ કરીને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં દર વર્ષે 550 મહિલાઓ પર બળાત્કાર થાય છે. દર મહિને 45 મહિલાઓ દુષ્કર્મનો ભોગ બને છે અને દર મહિને 100 મહિલાઓ પર હુમલા થાય છે. રાજ્ય સરકારે મહિલાઓના સુરક્ષા માટે કોઇ કમિટી બનાવી છે કે નહીં? રાજ્ય સરકાર કમિટી બનાવવા માગે છે કે નહીં? કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવશો તેની સરકાર પાસે માહિતી માગી હતી.

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું

કોંગ્રેસના બંને ધારાસભ્યોના સવાલના જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બળાત્કારના 11 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. બળાત્કાર જેવા ગુના સાથે જોડાયેલા 68 આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. રાજ્ય પોલીસે બળાત્કાર જેવા ગુનામાં 24 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.  સુરતમાં બળાત્કાના ગુનામાં આરોપીને 60 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યો કરતાં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે. દેશમાં 4.8 ટકા છે જ્યારે ગુજરાતમાં 1.8 ટકા ક્રાઈમ રેટ છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, મહિલા સુરક્ષા સમિતિ 2014 અને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. ગુજરાતમાં ભાજપની સરકારે મહિલાઓને સુરક્ષા આપી જ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post