• Home
  • News
  • રિપોર્ટ:વર્ષ 2019માં વાયુ પ્રદૂષણથી દેશમાં 1.16 લાખથી વધુ નવજાતોનાં મોત
post

સ્ટેટ આૅફ ગ્લોબલ એર 2020 નામના વૈશ્વિક રિપોર્ટમાં દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 10:32:16

દેશમાં પ્રદૂષિત થતી હવા વચ્ચે વાયુ પ્રદૂષણની ભયાવહ તસવીર દર્શાવતો એક રિપોર્ટ આવ્યો છે. વર્ષ 2019માં વાયુ પ્રદૂષણના કારણે દેશમાં 1.16 લાખ નવજાતોનાં મોત થયાં જ્યારે દુનિયાભરમાં 4.76 લાખ બાળકોનાં મોત થયાં.

બુધવારે હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટે સ્ટેટ આૅફ ગ્લોબલ એર-2020 નામનો વૈશ્વિક રિપોર્ટ જારી કર્યો, જે મુજબ તેમાંથી અડધાથી વધુ મોતને બાહ્ય પીએમ 2.5 પ્રદૂષક તત્ત્વ સાથે સંબંધ છે. તદુપરાંત, અન્ય મોત કોલસો, લાકડું અને છાણાંરૂપી ઇંધણથી થયા છે. ભારતમાં 2019માં બાહ્ય અને ઘરેલુ વાયુ પ્રદૂષણની લાંબા સમયની અસરના કારણે સ્ટ્રોક, હાર્ટએટેક, ડાયાબિટીસ, ફેફ્સાંનું કેન્સર, ફેફ્સાંની બીમારીઓ અને નવજાતોના રોગોથી આ મોત થયાં. નવજાત શિશુઓમાં મોટા ભાગનાં મોત જન્મ સમયે ઓછા વજન તથા અધૂરા મહિને જન્મ સંબંધી જટિલતાઓના કારણે થયાં.

રિસર્ચમાં માલૂમ પડ્યું કે 64%થી વધુ મોત ઘરેલુ વાયુ પ્રદૂષણના કારણે થયાં. દક્ષિણ એશિયામાં આસપાસના પ્રદૂષણે પણ મોટી ભૂમિકા ભજવી. 50% નવજાતોનાં મૃત્યુ ઘરની બહાર વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવા સાથે જોડાયેલાં હતાં.

વિશ્વમાં 67 લાખ લોકોનાં મોત, વાયુ પ્રદૂષણ ચોથું કારણ
રિપોર્ટ મુજબ, વાયુ પ્રદૂષણના કારણે વર્ષ 2019માં વિશ્વમાં 67 લાખ લોકોનાં મોત થયાં. હાઇ બ્લડપ્રેશર, તમાકુનું સેવન તથા ખરાબ આહાર બાદ સમયથી વહેલા મોતનું ચોથું મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ જણાયું છે. ભારત, પાકિસ્તાન, બાંગ્દાલેશ અને નેપાળ સહિત દક્ષિણ એશિયાઇ દેશો વર્ષ 2019માં પીએમ 2.5 (ધૂળના કણો)ના મહત્તમ સ્તર મામલે ટોપ ટેનમાં રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post