• Home
  • News
  • કોરોનાની વધુ એક આડઅસર:કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં સ્વાદુપિંડ-આંતરડાંની બીમારી વધી
post

માર્ચથી ડિસેમ્બરમાં 25થી વધુની આંતરડાં, સ્વાદુપિંડ, ગોલ બ્લેડરની સર્જરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 10:11:12

કોરોનાથી સાજા થયેલા દર્દીમાં નાક અને આંખ વચ્ચેનાં હાડકાથી લઇને મગજ સુધી પહોંચતી ફંગસની બીમારી બાદ હવે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પેટથી આંતરડા અને સ્વાદુપિંડ જેવા અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં માર્ચથી ડિસેમ્બર સુધી 15 તેમજ બે ખાનગી હોસ્પિટલમાં 10 જેટલાં કેસમાં દર્દીના કાળા પડી ગયેલું આંતરડું અને સડી ગયેલુું સ્વાદુપિંડ કાઢવાની તેમજ ગોલ બ્લેડરની 4થી 6 કલાકની સર્જરી કરાઇ છે. તેમજ જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી ગયું હોય તેવાં 5 દર્દીને બચાવી શકાયા નથી.

નિદાન પછી સર્જરીનો વિકલ્પ રહેતો નથી
દર્દીને સામાન્ય પેટના દુખાવાથી શરૂ થતી આ તકલીફનું ઝડપથી નિદાન થતું નથી. પરંતુ, દર્દીને દુખાવો અસહ્ય બને છે ત્યારે સર્જન દ્વારા પેટના સીટી સ્કેનમાં આંતરડું કાળું પડી ગયાનું તેમજ પેન્ક્રિયાસ સડી ગયાનું નિદાન થાય છે, ત્યારે સર્જરી સિવાય કોઇ ઉપાય હોતો નથી.

કોણે તકેદારી રાખવી?
કોરોનાથી સાજા થયાં હોય અથવા કોરોનાગ્રસ્ત હોય તેમજ 50 વર્ષથી વધુ વય, ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઇ બ્લડપ્રેશરના દર્દી.

કિસ્સો-1: આંતરડું કાળું પડી જતાં 3.5 ફૂટ જેટલું કાપવું પડ્યું
કોરોના 70 વર્ષીય નારાયણબેન વર્માને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લઇ જવાયા,જ્યાં તેમની પ્રાથમિક તપાસમાં પેટનો સામાન્ય દુખાવો લાગ્યો, પણ સર્જને દર્દીનું સીટી સ્કેન કરતાં આંતરડું કાળું પડી ગયાનું જણાતાં સર્જરી કરીને 3.5 ફૂટનું આંતરડું કાઢવું પડ્યું.

કિસ્સો-2: 80% સ્વાદુપિંડ સડી જતાં આખે આખું કાઢી નાખવું પડ્યું
કોરોનાથી સાજા થયેલાં 52 વર્ષીય રુપેશ પટેલ (નામ બદલ્યું છે) પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયા હતા. દર્દીની સીટી સ્કેનથી તપાસ કરતાં 80 ટકા પેન્ક્રિયાસ સડી ગયું હતું, જેથી દર્દીનો જીવ બચાવવા માટે આખું પેન્ક્રિયાસ કાઢી નાંખવું પડ્યું.

7 સર્જરી છતાં દર્દી બચાવી ન શકાયો
સુશ્રૃષા હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જન ડો. ઈશાન શાહે કહ્યું- કોરોના બાદ સાજા થયેલાં દર્દીમાં પેટમાંથી આંતરડાને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ( મેસેન્ટીક ઇસ્કેમિયા) થતાં 7 જેટલી સર્જરી કરાઇ છે. જેમાં એક વૃદ્ધાના 3.5 ફૂટ જેટલું કાળું પડી ગયેલું આંતરડું કાઢવાની સર્જરી કરીને 5 દિવસ આઇસીયુમાં વેન્ટિલેટર પર રખાયા હતા. જ્યારે એક દર્દીનું 6થી 7 ફૂટનું આખું આંતરડું કાળુ પડી જતાં બચાવી શકાયા નથી.

4 દર્દીની પેટની નસમાં બ્લોકેજ
ગેસ્ટ્રો સર્જન ડો. અવિનાશ ટાંકના જણાવ્યા અનુસાર કોરોના બાદ સાજા થયેલાં 4 દર્દીની પેટની નસમાં બ્લોકેજ થતાં બે દર્દીના કાળા પડી ગયેલા આંતરડા કાપવા પડ્યાં છે, તેમજ 1 દર્દીનું પેન્ક્રિયાસ 80 ટકા સડી જતાં કાઢવું પડ્યું છે. જયારે અન્ય એક દર્દીના ગોલ બ્લેડરની સર્જરી કરાઇ છે. આ ચારેય દર્દી 50થી વધુ વયના હતા, તેમાંથી 2 દર્દીને ડાયાબિટીસ, 1ને પહેલા એટેક આવ્યો હતો જ્યારે 1ને હાઇબીપી હતું.

માર્ચ-ડિસેમ્બર વચ્ચે 15 સર્જરી
સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ એસો. પ્રોફેસર ડો. અપૂર્વ શાહે કહ્યું- માર્ચથી ડિસેમ્બરના કોરોનાકાળ દરમિયાન સિવિલમાં 15 સર્જરી કરાઇ છે. જેમાં મોટેભાગે પેટમાંથી આંતરડાને લોહી સપ્લાય કરતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડી જવાથી લઇને પેટના અન્ય અવયવોમાં લોહી ન પહોંચતાં સર્જરી કરવાની ફરજ પડી છે. જયારે 3થી 4 દર્દીના જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી જતાં તેમને બચાવી શકાયા નથી.

નવા 207 કેસ, વધુ 5નાં મોત, 206 દર્દીને રજા અપાઈ
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 207 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 દર્દીના મૃત્યુ થયા હતા. જો કે, 206 દર્દીના સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. કેસની સમીક્ષાને આધારે રવિવારે મણિનગરનો એક વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post