• Home
  • News
  • બુમરાહ-અશ્વિન-સિરાજના ઝંઝાવાત સામે ઓસ્ટ્રેલિયા ઘુંટણીયે, યજમાન 195 રનમાં જ ફિંડલુ વળી ગયું
post

ઓસ્ટ્રેલિયાને 195 રને ઓલઆઉટ કરી ભારતે પહેલી ઈનિંગની શરૂઆત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 13:51:24

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં આર અશ્ચિન, જસપ્રીત બુમરાહ અને નવોદિત મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ઘુંટણીયે પડી ગયું હતું. ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં પહેલા જ દિવસે માત્ર 195 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. માર્નશ લાબુશેનને બાદ કરતા એકેય કાંગારૂ ખેલાડી ખાસ ઉકાળી શક્યો નહોત. લાબુશેને સૌથી વધારે 48 રન બનાવ્યા હતાં. 

 

ટીમ ઈન્ડિયાના બોલરોએ સાતત્યપૂર્ણ પ્રદર્શનના જોરે માત્ર 72.3 જ ઓવરમાં યજમાન ઓસ્ટ્રેલિયાને 195 રનમાં તંબુ ભેગુ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહએ 56 રન આપીને 4 વિકેત ઝડપી હતી. તો આર અશ્વિને35 રન આપી 3 વિકેટ પોતાના નામે કરી હતી. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે 40 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. ભારતીય બોલરોએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. જસપ્રીત બુમરાહએ શાનદાર પ્રદર્શન કરતા ઓપનર જો બર્સને ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો કર્યો હતો. ઓપનર જો બર્ન્સ ખાતું ખોલ્યા વિના જ વિકેટ કીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ અશ્ચિને ઓપનર મેથ્યુ વેડને 30 રન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સૌથી ઘાતક બેટ્સમેન સ્ટીવ સ્મિથને પણ અશ્વિને ખાતુ પણ નહોતુ ખોલવા દીધું અને ચેતેશ્વર પુજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

જોકે માર્નશ લાબુશેન અને ટ્રેવિડ હેડે પીચ પર ધીરજપૂર્વક રમત દાખવી હતી. પરંતુ બંને વચ્ચે મોટી ભાગીદારી થાય તે પહેલા જ બુમરાહએ હેડને 38 રને સ્લીપમાં અજીંક્ય રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હેડ અને લાબુશેન વચ્ચે ચોથી વિકેટ માટે 86 રનની પાર્ટનરશિપ થ હતી. નવોદિત બોલર મોહમ્મદ સિરાજ આજે પોતાની પહેલી જ આંતરરાષ્ટ્ર્રીય ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેણે આવતાની સાથે જ કમાલ દેખાડતા લાબુશનેનને પણ સિરાજે પોતાની જાળમાં ફસાવીને સુભમન ગીલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સંજોગની વાત છે કે ગિલની પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો. ત્યાર બાદ સિરાજે કેમરન ગ્રીનને એલબીડબ્લ્યુ કરાવ્યો હતો. આમ નવોદિત સિરાજે ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી.

અશ્ચિને કેપ્ટન ટિમ પેનની વિકેટના રૂપમાં ઓસ્ટ્રેલિયાને 7મો આંચકો આપ્યો હતો. પેન 13 રન બનાવીને હનુમા વિહારીના હાથે કેચઆઉટ થયો. જાડેજાએ પોતાની કમાલ દેખાડતા પેટ કમિંસને 9 રનના અંગત સ્કોરે પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ ફરી એકવાર બુમરાહ ત્રાટક્યો હતો. તેણે મિશેલ સ્ટાર્ક અને નેથન લાયનને અનુક્રમે 7 અને 20 રને આઉટ કરી ઓસ્ટ્રેલિયાની બાજી સમેટી લીધી હતી.

મયંક અગ્રવાલે આજે પણ નિરાશ કર્યા

ઓસ્ટ્રેલિયાને 195 રને ઓલઆઉટ કરી ભારતે પહેલી ઈનિંગની શરૂઆત કરી હતી. જેમાં મયંક અગ્રવાલે આજે પણ નિરાશાજનક પ્રદર્શન યથાવત રાખ્યું હતું. અગ્રવાલ 0 રને મિશેલ સ્ટાર્કના હાથે એલબીડબ્લ્યુ થયો હતો. શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાએ ભારતની ઈનિંગને આગળ ધપાવી છે.

યજમાન ઓસ્ટ્રેલિયાએ આજે પોતાની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ જ ફેરફાર કર્યો નહોતો. જ્યારે ટીમ ઈન્ડિયામાં સહાના સ્થાન પંત, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post