• Home
  • News
  • કરદાતાને બંદૂકની અણીએ પકડી લાવવાનો ITને અધિકાર જ નથી, દરોડામાં સ્થળ તપાસ કરવાનું જ હોય છે વોરંટ
post

હાઈકોર્ટમાં કરદાતાના વકીલ અને સરકારી વકીલો વચ્ચે ચાર કલાક સુધી દલીલોની વણઝાર ચાલી, ૨૦મીએ ફરી સુનાવણી

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-19 17:51:40

દરોડા પાડવા માટે આવનારા આવકવેરા અધિકારીઓ પાસે સર્ચ વોરંટ એટલે કે સ્થળ તપાસ કરવા માટેનું વોરંટ છે, કોઈપણ વ્યક્તિને બંદૂકની અણીએ પકડી લાવવાની કે ધરપકડ કરવાનો કોઈ જ સત્તા નથી. તેમ છતાંય અવિરત ગુ્રપ અને શ્રીપરમ ગુ્રપ પરના ત્રીજી નવેમ્બરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ પ્રકારની ઘટના બની હોવાનું જણાવીને આવકવેરા અધિકારીઓએ નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરદાતા વતીથી આજે ગુજરાત હાઈકોર્ટની ન્યાયધીશ ભાર્ગવ કારિયા અને ન્યાયમૂર્તિ નીરવ મહેતાની કોર્ટમાં કરદાતા વતીથી દલીલ કરવામાં આવી હતી. જોકે મૌલિક શેઠને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન દરોડા હેઠળની પાર્ટીઓને લગતાં કેટલાક દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. 

સરકારી વકીલે દલીલ કરી હતી કે આરંભમાં આવકવેરા કચેરીના અધિકારીઓએ ત્રણ ગ્રુપ પર જ દરોડા પાડયા હતા. પરંતુ આ કેસમાં થયેલી વેરાની ચોરી તેમના પૂરતી સીમિત ન હોવાનું પ્રસ્થાપિત થવા માંડયું હતું. 

દરોડા ચાલુ હતા તે દરમિયાન હિમા પટેલ નામના વકીલને બંદૂકની અણીએ સવારે સાડા છ વાગ્યે તેમના ઘરેથી ઉપાડીને મૌલિક શેઠની ઓફિસ ખોલાવડાવીને મૌલિક ઓફિસમાં દરોડા હેઠળના કરદાતાઓ સિવાયના કરદાતાઓને લગતા દસ્તાવેજો પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ રીતે અન્ય પાર્ટીના દસ્તાવેજો લઈ જવા સામે પણ કરદાતા તરફથી વિરોધ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે એસ.આર. બાટલીબૉયના કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે દરોડા દરમિયાન ત્રીજી જ પાર્ટીને ત્યાં જઈને આવકવેરા અધિકારીઓ કરદાતાને લગતા દસ્તાવેજો લઈ જઈ શકે છે, પરંતુ તેના સિવાયની પાર્ટીઓના દરોડા સાથે જેને સંબંધ ન હોય તેવી પાર્ટીઓના દસ્તાવેજો લઈ જઈ શકે જ નહિ. તેનાથી દરેક ક્લાયન્ટ અને વકીલ વચ્ચેની પ્રાઈવસીના કાયદાનો ભંગ થાય છે, એવી દલીલ કરદાતા વતીથી સુપ્રીમ કોર્ટના એડવોકેટ મુકુલ રોહતગી અને તેમના સાથી વકીલોએ કરી હતી. માત્ર હિમા પટેલને જ પકડી લાવવાની ઘટના બની નથી, આ કેસમાં બીજા બેથી ત્રણ જણ રાજસ્થાન ભાગી ગયા હતા, તેમને પણ પકડીને લાવવામાં આવ્યા હોવાને મુદ્દે પણ દલીલો થઈ હતી. સર્ચ વોરંટ તપાસ કરવા માટે છે, કોઈની ધરપકડ કરવા માટે ન હોવાની દલીલ કરદાતાઓ વતીથી કરવામાં આવી હતી.

તેની સામે દલીલ કરતાં સરકારી વકીલે જણાવ્યું હતું કે કોઈપણ પ્રોફેશનલને ટાર્ગેટ કરવાના ઇરાદા સાથે આ પગલું લેવાયું નથી. આવકવેરા અધિકારીઓએ પ્રોફેશનલ પર દરોડા પાડયા હોવાની લોકોની વાત એક સ્પષ્ટ ગેરસમજ જ છે. આ માન્યતાને અમે નકારી કાઢીએ છીએ. દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી વ્યક્તિ પ્રોફેશનલ હોવાથી તેને છાવરી શકીએ નહિ.

બીજું, જે વકીલની ઑફિસમાં તપાસ કરવામાં આવી હતી તે મૌલિક શેઠને ચાર દિવસ સુધી તેમની ઓફિસના કોઈ જ કામ કરવા દેવાયા નહોતા. તેમના સંતોનોને પણ તેમની શાળાએ જવા દીધા નહોતા. તદુપરાંત તેમની ઓફિસમાં દરોડા હેઠળનાકરદાતા સિવાયના ક્લાયન્ટ્સના ડેટા પણ આવકવેરા અધિકારીઓએ ઉપાડી લીધા હતા.   આ તબક્કે સરકારી વકીલે જજને સિક્રેટ ડોક્યુમેન્ટ બતાવીને જણાવ્યું હતું કે તેમને મહત્વના જણાતા દરેક દસ્તાવેજો લઈ જવાનો અધિકાર છે. આ સાથે જ સી.સી.ટી.વી. કેમેરા બંધ કરાવવાના પગલાંનો બચાવ કરતાં તેમણે જણાવ્યું હતું કે સીસી ટીવી બંધ કરવાની કે પછી ચાલુ રાખવાની ફરજ પાડતી કોઈ જ કાયદાકીય જોગવાઈ નથી. તેથી અધિકારીઓને જે ઠીક લાગે તે રકી શકે છે.

આ પગલાંને ખોટાં ઠેરવશે તો મોરલ તૂટી જશેઃ સરકારી વકીલ

અવિરત ગુ્રપ અને શ્રીપરમ ગુ્રપ પરના દરોડામાં મોટી કરચોરી પકડી પાડવામાં આવી છે. તેમાં ૬૧ અધિકારીઓ અને ૧૮૦ જણને કામે લગાડવામાં આવ્યા હતા. તેમના પગલાંને ખોટાં ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેવા સંજોગોમાં દરોડા પાડનારા અધિકારીઓનું મોરલ તૂટી જશે તેવી દલીલ સરકાર વતીથી કેસમાં એપિયર થયેલા સુપ્રીમ કોર્ટના એડિશનલ સોલિસિટર જનરલ એન.વેંકટ રમણે જણાવ્યું હતું.

થર્ડ પાર્ટીના દસ્તાવેજોને મુદ્દે આવકવેરા ખાતું એફિડેવિટ કરેઃ ન્યાયાધીશ

અવિરત ગ્રુપ અને શ્રીપરમ ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડા વખતે મૌલિક શેઠની ઓફિસમાંથી દસ્તાવેજો ઉપાડી લેવાના કિસ્સામાં થર્ડ પાર્ટીઓના દસ્તાવેજોનો ઉપયોગ કરવાને મુદ્દે આવકવેરા અધિકારીઓને વીસમી ડિસેમ્બરે હિયરિંગ થાય તે સમય સુધીમાં તેના ઉપોયગને મુદ્દે એફિડેવિટ કરવાનો આદેશ પણ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવ્યો છે. દરોડા સાથે સંકળાયેલી ન હોય તેવી વ્યક્તિઓના દસ્તાવેજો પણ આવકવેરા અધિકારીઓએ મૌલિક શેઠની ઓફિસ પરની તપાસ દરમિયાન લીધા હોવાના મુદ્દાના અનુસંધાનમાં આ એફિડેવિટ કરવાની સૂચના આપવામાં આવી છે.


adv

Related News

post
post
post
post
post
post
post