• Home
  • News
  • સુરતની કિરણ હોસ્પિટલે જીવિત બાળકીને બ્રેનડેડ લખી રિફર કરી દીધી, અડધા કલાકમાં જ મોત
post

મૃત જાહેર કરાયેલી બાળકીનું હૃદય ધબકતું હતું છતાં ડિસ્ચાર્જ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 09:39:06

કતારગામ કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. બે વર્ષની જીવિત બાળકી આર્મીને બ્રેનડેડ લખી સ્મિમેરમાં દામા ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર થયા બાદ બાળકીનું મોત થયું.

કતારગામ શાસ્ત્રીનગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદર પરથી પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી આર્મીને કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાત્રે 10 વાગ્યે ડોક્ટરોએ કેસ પેપર પર બ્રેનડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મિમેર રિફર કરી દીધી પણ પરિવારના સભ્યો તેને સિવિલ લઈ આવ્યા.

રાત્રે 11:20એ સિવિલ મેડિકલ ઓફિસર ડો.વૈદર્ભી પટેલે બાળકીનું હૃદય ચેક કર્યું તો ચાલી રહ્યું હતું. બાદ સારવાર શરૂ કરવામાં આવી. જેમાં વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રાત્રે 11:50એ માસુમ આર્મીનું મોત નીપજ્યું. ડો. વૈદર્ભીએ જણાવ્યું કે, બાળકીના માથામાં ઈજા અને મોઢામાંથી લોહી વહેતુ હોવા સાથે હૃદય ચેક કર્યુ તો ધબકારા ચાલી રહ્યા હતા. જેથી મે તેને તરત સર્જરી અને ઈએનટી વિભાગના ડોકટરોને જાણ કરી સારવાર શરૂ કરાવી જેમાં ઈન્ટર્નલ હેમરેજના કારણે બાળકીના હૃદયમાં લોહી જામી ગયુ હોવાથી બાળકીનું મોત થયાની જાણ થઈ. કિરણ હોસ્પિટલે કેસ પેપર પર જે રીતે ડિટેલ્સ મેંશન કરી છે તે મારી સમજની બહાર છે.

બ્રોડડેડ હોવાનું તબીબોએ જણાવ્યું ન હતું
આર્મીના પિતા અરવિંદભાઈએ જણાવ્યું કે, મારી દીકરી દાદર પરથી પડી જતા કિરણ હોસ્પિટલ લઈ ગયા હતા. સિટી સ્કેન કર્યુ અને જણાવ્યું કે બાળકીની હાલત નાજુક છે. હાર્ટ બરાબર કામ નથી કરતું. આઈસીયુમાં દાખલ કરવું પડશે અને ખર્ચ વધુ થશે એટલે ડિપોઝિટ જમા કરાવવી પડશે. પણ મારી પાસે એટલા પૈસા ન હોવાથી એમણે સ્મીમેર રીફર કરી દીધું પણ અમે સિવિલ આવ્યા હતા. કેસ પેપર પર બ્રેનડેડ લખ્યું છે જે કિરણના ડોક્ટરોએ અમને જણાવ્યું ન હતું.

રિવાઈવ કર્યા બાદ રિફર કરી હતી
કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે કહ્યું- બાળકી બ્રોડડેડ કન્ડિશનમાં હતી. સીપીઆર અને 3 વખત શોક આપ્યા બાદ બાળકીને રિવાઈવ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને દાખલ કરવાની જરૂર હતી. પરંતુ આર્થિક કારણોસર તેઓ રજા લેવા માંગતા હોવાથી સ્મિમેર રીફર કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post