• Home
  • News
  • સોમનાથમાં કાચની ટનલથી દરિયાઇ જીવસૃષ્ટિ જોઇ શકાશે
post

પ્રવાસીઓને આકર્ષવા આગામી સમયમાં 300 કરોડથી વધુના કામો હાથ ધરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 09:46:47

સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવનાર પ્રવાસીઓને આકર્ષી શકે એવા બીજા અનેક વિકાસ કામો હાથ ધરાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ માટે ખાસ 300 કરોડની ફાળવણી કરાઇ છે. સાથે સોમનાથના ઇતિહાસને જાણવા ઉત્ખન્નની કામગિરી માટે પુરાતત્વ વિભાગની ટીમે પણ સોમનાથની મુલાકાત લીધી છે.

આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષી શકે એ માટે આવનાર દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસ કામો હાથ ધરાશે. જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભીત કરાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે. સાથે યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે.

દરમ્યાન સોમનાથ મંદિર અને આસપાસના 4 સ્થળોએ ભૂગર્ભ બાંધકામ અંગે આઇઆઇટી ગાંધીનગરે આપેલા રિપોર્ટમાં જે 4 સ્થળો દર્શાવ્યા છે. તેના સંશોધન માટે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માએ સોમનાથમાં 2 દિવસનું રોકાણ કરી નિરીક્ષણ કર્યું હતુ. આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમનાથ એસટી બસ સ્ટેન્ડનું રેલ્વે સ્ટેશન સામે સ્થળાંતર કરી ત્યાં નવું બસ સ્ટેશન બનાવવામાં આવશે. જે રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જેવું બને તે માટે એસટી સાથે વાતચીત ચાલુ છે. જેની કામગિરી બજેટ પછી હાથ ધરાશે.

મોદી ચેરમેન બન્યા બાદ નવા કામો માટેનો નિર્ણય બેઠકમાં જ લેવાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા એ વખતે યોજાયેલી બેઠકમાં મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ બાંધકામો હોવાનો આઇઆઇટી ગાંધીનગરનાં રિપોર્ટની ચર્ચા પણ થઇ હતી. સાથે અનેક વિકાસકામો હાથ ધરવાનાં નિર્ણય પણ થયા હતા.

યાત્રાળુઓ માટે સ્નાન સહિતની સુવિધાના કામો
ત્રિવેણી સંગમ થી સ્મશાન ઘાટ સુધી યાત્રિકો વિધી કાર્યો, અંતિમ સંસ્કાર બાદની વસ્તુઓ નદીમાં ન જાય તે માટે ઘાટમાં અલગ ચેનલ બનાવવામાં આવશે. અને તેમાં એકઠો થયેલો કચરો સ્મશાન પાસે શુધ્ધિકરણ પ્લાન્ટમાં લાવી નદીનું પાણી સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને ન્હાવાલાયક બનાવાશે.

ત્રિવેણીમાં સામાકાંઠે ઘાટ બનાવાશે
સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી લંબાવી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી એ વિસ્તાર નજીકના લાટી, કદવાર, સુત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્નાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post