શહેરમાં 24 કલાકમાં ઠંડીમાં 4 ડીગ્રીનો ઘટાડો
ગાંધીનગર: ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારથી પવનની દિશા
બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ
સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય
ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં
ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના આંકડા
મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં
શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન
ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, સોમવારથી પવનની દિશા
બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં
અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 4 ડીગ્રી વધીને 12.8 ડીગ્રી નોંધાયું હતું.
અમદાવાદ સહિત રાજ્યના
મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો હતો.
સમગ્ર રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.