• Home
  • News
  • દક્ષિણ કરતાં હવે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ, પહેલીવાર સૌરાષ્ટ્રમાં 42% વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાત માત્ર 15% જ વરસાદ
post

સારા વરસાદને પગલે રાજ્યમાં જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિમાં પણ ફરક પડ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 09:05:58

અમદાવાદ: રાજ્યમાં સતત બે વર્ષ અછતના ઓછાયા બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવી છે. આ વખતે ચોમાસા પહેલા જ પ્રિ-મોનસૂૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઇ ગયો હતો. જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ વ્યાપક વરસાદ પડવાને કારણે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 6 દિવસમાં જ વરસાદમાં 6.24 ટકાનો વધારો થયો છે. ગત 1લી જુલાઇએ સરેરાશ સામે 15.80 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 6 જુલાઇના રોજ સવારની સ્થિતિએ 22.04 ટકા વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે.

સારા વરસાદને પગલે રાજ્યમાં જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિમાં પણ ફરક પડ્યો છે. 1થી 6 જુલાઇ દરમિયાન જ રાજ્યના 205 ડેમોમાં 9000 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ વધ્યો છે. જે ટકાવારીમાં 1.58 ટકા જેટલું વધારે થાય છે. ગત 30મી જૂને જળાશયોમાં 39.64 ટકા એટલે કે 2,20,738 મિલિયન ક્યુબીક ફૂટ પાણી હતું જેની સામે 6 જુલાઇની સ્થિતિએ 41.22 ટકા એટલેકે 2,29,517 મિલિયન ક્યુબીક ફૂટ પાણીનો સંગ્રહ છે.

રાજ્યમાં અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડતો હતો અને સામાન્યરીતે ચોમાસાની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્ન બદલાઇ હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં સિઝનનો 41.70 ટકા અને કચ્છમાં 33.45 ટકા વરસાદ નોંધાયો છે. જેની સામે દક્ષિણ ગુજરાતમાં માત્ર 13.56 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.12 ટકા અને મધ્ય ગુજરાતમાં 15.58 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 14 જિલ્લામાં અત્યારસુધીમાં સિઝનનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 24 કલાકમાં જ 19 ઇંચથી વધુ વરસાદ પડતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો 90 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જ્યારે પોરબંદરમાં 71.34 ટકા વરસાદ પડ્યો છે.

103 તાલુકામાં 10 ઇંચ સુધી અને 5માં 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો
રાજ્યના કુલ 251 તાલુકા પૈકી અત્યારસુધીમાં એકપણ તાલુકો એવો નથી કે જ્યાં સિઝનનો વરસાદ પડ્યો ન હોય. 103 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 5 તાલુકામાં તો 20થી 40 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. 50 તાલુકામાં 10થી 20 ઇંચ, 77 તાલુકામાં 2થી 5 ઇંચ અને 16 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

90 ટકાથી વધુ ભરાતા 9 ડેમ હાઇએલર્ટ, 4માં એલર્ટ
રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નદીઓ અને જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. રાજ્યના 205 જળાશયો પૈકી 9 જળાશયો 90 ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ વોર્નિંગ જારી કરવામાં આવી છે. જ્યારે 80થી 90 ટકા સુધી ભરાયેલા 4 ડેમમાં એલર્ટ અને 70થી 80 ટકા સુધી ભરાયેલા 3 ડેમમાં વોર્નિંગ જારી કરાઇ છે. જોકે, હજુ 189 ડેમ 70 ટકાથી ઓછા ભરાયા છે.

ક્યા ઝોનમાં કેટલો વરસાદ

ઝોન

વરસાદ (%)

વરસાદ (મીમી)

સૌરાષ્ટ્ર

41.7

282

કચ્છ

33.45

138

દ.ગુજરાત

13.56

196

મ.ગુજરાત

15.58

128

ઉ.ગુજરાત

13.12

94

 

adv

Related News

post
post
post
post
post
post
post