• Home
  • News
  • નવસારી નર્સ મેઘા આપઘાત કેસ:વધુ બે પાનાંની સુસાઇડ નોટ મળી, લખ્યું- ઘરે પતિ શારીરિક ત્રાસ આપતો અને સિવિલમાં મેટ્રન દ્વારા ડો. દુબે સાથે સંબંધ રાખવા ત્રાસ ગુજારાતો
post

જો હું મરેલી મળું તો મારા મોતના જવાબદાર આ લોકો છેઃ મેઘા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 10:34:34

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યના આપઘાત કેસમાં પોલીસે તેનાં પતિ, સાસુ અને ડો. ડુબેની અટકાયત કરી છે. સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે અને બે નર્સ સહિત પતિ અંકિત અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે મેઘાએ લખેલી વધુ બે પાનાંની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ઘરે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું અને નવસારી સિવિલમાં સર્જન ડો. દુબે સાથે શારીરિક સંબંધ રાખવા ત્રાસ આપતો હોવાનું લખ્યું છે.

બે પાનાંની સુસાઇડ નોટમાં શું લખ્યું છે?
મેઘાએ બે પાનાંની સુસાઈડ નોટ અંગ્રેજીમાં લખી છે, જેમાં જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર ઈન્કવાયરી થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા. જોકે મેં ના કહેતાં મેટ્રન વનિતાએ ડ્યૂટીમાં જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, હું બહુ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે.

માતાએ અશ્રુભીની આંખે ઠાલવ્યો વલોપાત
મેઘા આચાર્યની માતાએ જણાવ્યું હતું કે હોસ્પિટલની મેટ્રન ડો. અવિનાશ દુબે સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરી ત્રાસ આપતી હતી ત્યારે મેઘાને ઓફિસમાં ડો.દુબે બોલાવતો હતો, પરંતુ તે ત્યાં જતી ન હતી. જેથી ડો. અવિનાશ દુબે ઘરે આવીને મારી પુત્રી સાથે બીભત્સ વર્તન કરતો હતો. તે અચાનક મારા ઘરે આવી જતાં તેને કહ્યું, મારા ઘરે આવું ન ચાલે, એમ કહીને તેને ગેટઆઉટ કરી દીધો હતો અને ત્યાર બાદ વધુ માનસિક ત્રાસ આપતાં મારી દીકરી દરરોજ આવી મારા ખભે માથું મૂકી રડતી હતી.

ઘટના શું હતી?
નવસારીના સિવિલ હોસ્પિટલમાં રહેતી મેઘા આચાર્ય (ઉં.વ. 27)એ કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતાં કોરોનાગ્રસ્ત થઈ હતી અને ત્યાર બાદ તેને થાઈરોઈડ બાબતે તબીબને બતાવવા ઉપરી મેટ્રન પાસે રજા માગી હતી, પણ તેણે રજા ન આપી જાહેરમાં અપમાન કરતાં હતાં. ઉપરાંત ઘણા સમયથી મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ દ્વારા મેઘાને મોટી ઉંમરના સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે સાથે શરીરસંબંધ બનાવવા દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે 21મી ઓક્ટોબરની મધરાત્રે મેઘા આચાર્યએ પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો અને છ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાની વ્યથા રજૂ કરીને કેમ આપઘાતનું પગલું ભરી રહી છે એ જણાવ્યું હતું.

બંને રૂમના પંખાની પાંખ વળી ગઈ છે
મેઘા આચાર્યએ 21મી ઓક્ટોબરની મધરાત્રિએ પહેલા તેના રૂમમાં બ્લેક પંખામાં ઓઢણી બાંધી ફાંસો ખાવાની કોશિશ કરી હતી, પરંતુ એ રૂમમાં બેડ હોઈ પગ નડી જતાં ત્યાં સફળ થઈ ન હતી. ત્યાર બાદ બાજુમાં આવેલી રૂમમાં ગઈ અને ત્યાં વ્હાઈટ પંખામાં ઓઢણી બાંધી આપઘાત કરી લીધો, જેની જાણ માતાને આશરે મધરાત્રિના 2.45 વાગ્યાની આસપાસ વોશરૂમમાં ગઈ ત્યારે થઈ હતી. આજે પણ બંને પંખાની વાંકી પાંખ એ ગવાહી પૂરી પાડે છે.

સિવિલ સર્જન અને પતિ-સાસુની પોલીસે પૂછપરછ કરી કોવિડ ટેસ્ટ માટે મોકલ્યાં
મેઘા આપઘાત પ્રકરણમાં સુસાઈડ નોટમાં સિવિલ સર્જન, બે નર્સ તેમજ પતિ અને સાસુનાં નામ બહાર આવ્યાં બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી હાથ ધરી સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે, મેઘાની સાસુ જયશ્રીબેન ખંભાતી અને પતિ અંકિત ખંભાતીને સોમવારે પૂછપરછ અર્થે લઈ આવી હતી. પોલીસ તેમને સાંજે કોવિડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં જ લાવી હોવાની માહિતી મળી છે. તેમની અટક કરવામાં આવી છે. હજુ બે મેટ્રનની અટક કરાઈ નથી.

ન્યાય અપાવવા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલ્યો
નવસારીમાં નવસારીની દીકરીને ન્યાય ક્યારે ? એ બાબતે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલ્યો હતો. આ બાબતે વિજલપોર પોલીસ દ્વારા પણ કામગીરીમાં ઢીલાશ રખાતાં એસપી ઋષિકેશ ઉપાધ્યાયે આ સંવેદનશીલ કેસ સર્કલ પીઆઈ પી.જી.ચૌધરીને સોંપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post