• Home
  • News
  • ચીન સાથે સરહદ પર દર વર્ષે મેથી સપ્ટેમ્બરમાં અથડામણો નિશ્ચિત, પરંતુ અહીં ભાગ્યે જ તોપમારો કે બંદુકબાજી થઈ છે
post

20 વર્ષ પહેલા લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર હદબંધી કરવાના પ્રયાસ થયા હતા પરંતુ થોડાં સમયમાં ચીને પીછેહઠ કરી લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:43:29

નવી દિલ્હી: ચીન સાથેના તમામ સરહદી વિવાદો અને અથડામણો મે મહિનાથી સપ્ટેમ્બર સુધીમાં જ થાય એ આ વિસ્તારની ભૂગોળ અને પ્રકૃતિનો પ્રભાવ દર્શાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તોપમારો થતો હોય એવું ચીન સરહદ પર થતું નથી. કારણ કે અહીંની સરહદની તાસિર તેમજ વિવાદની માત્રા બંને અલગ છે. અહીં છમકલા થાય છે, અથડામણો થાય છે પરંતુ બંદૂક કે તોપ નથી ફૂટતી. 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધથી 2013 સુધીમાં ભારત-ચીન બોર્ડર પર માત્ર બે મોટી ઘટનાઓ બની છે. એક 1967માં નાથુલામાં અને બીજી 1986માં સમદોરાંગમાં. 27 વર્ષ બાદ 2013માં ભારત અને ચીનની આર્મીએ દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં અને તેના એક વર્ષ બાદ ચુમારમાં એકબીજાને આંખો દેખાડી હતી. ત્યારબાદ 2017માં ડોકલામ ઘાટીમાં ઘટના બની હતી. ડોકલામની ઘટના દરમિયાન જ પેંગોન્ગ લેકમાં બન્ને સેના વચ્ચે અથડામણ થતાં પથ્થરમારો પણ થયો હતો. 

ભારત-ચીન બોર્ડરના ઘણા વિસ્તાર બન્ને દેશોએ વિવાદાસ્પદ અને સંવેદનશીલ ગણ્યાં છે. આ વિસ્તારોમાં જ અથડામણ થાય છે. 2007થી સિક્કિમ સરહદે અમુક ઘટનાઓ સામે આવી છે. ચીનની આર્મીએ નવેમ્બર 2007માં જનરલ એરિયા ડોકલામમાં અસ્થાયી બન્કર તોડી નાખ્યા હતા. ત્યારબાદ નોર્થ સિક્કિમનો એક નાનો ફિંગર એરિયા બન્ને દેશની આર્મી માટે સમસ્યા બની ગયો હતો. 

ડોકલામની ઘટના બાદ વુહાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાત પછી બન્ને દેશના સંબંધ સુધર્યા હતા અને બોર્ડર પર તણાવ ઘટ્યો હતો. 2019માં માલાપુરમ સમિટ થઇ હતી. આ બેઠકના લીધે બન્ને દેશો વચ્ચે સંબંધો સુધરશે તેવી આશા ઉત્પન્ન થઇ હતી અને થોડું ઘણું એવું બન્યું પણ ખરું. 

આ વર્ષ બન્ને દેશો વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો શરૂ થવાનું 70મું વર્ષ છે. તેની ઉજવણી કરવા માટે 70 ઇવેન્ટ પ્લાન કરવામા આવી હતી. પરંતુ કોવિડ-19ના લીધે ઉજવણી થઇ શકી નહીં. જોકે જેટલા કાર્યક્રમો થઇ શકશે, તે કરવામા આવશે. 

જમ્મૂ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું એથી ચીનને મરચાં લાગ્યાં છે
ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે જે ભારતનો આંતરિક મામલો છે. પરંતુ ચીનને આ નિર્ણય બહુ કઠ્યો હતો. પૂર્વ લદ્દાખ પર દાવો કરનાર ચીન આ નિર્ણયને પોતાના માટે ખતરો માને છે. પાકિસ્તાન સાથે નજીકના સંબંધ હોવાના લીધે ચીનની એ મજબૂરી છે કે તે જમ્મૂ કાશ્મીરનો મુદ્દો UN સિક્યોરિટી કાઉન્સિલમાં વારંવાર ઉઠાવે છે. ચીનની આ પ્રકારની હરકતોના લીધે બન્ને દેશ વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધોમાં કડવાશ આવી છે. 

તાજેતરમાં બનેલી ઘટનાઓએ ચીન અને ભારતના સંબંધોને પુનઃ તંગ બનાવી દીધા છે. થોડાં સમય પૂર્વે ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે નોર્થ સિક્કિમના નાકૂલામાં અથડામણ થઇ હતી. આ ઘટનામાં બન્ને પક્ષના સૈનિકોને ઇજા પણ થઇ હતી. ત્યારબાદ લદ્દાખમાં વધુ અથડામણની વાત સામે આવી હતી. 12મે 2020ના સમાચાર આવ્યા હતા કે ભારતીય વાયુસેનાએ એક અઠવાડિયા પહેલાં ફાઇટર પ્લેન લદ્દાખ મોકલી દીધા હતા. કારણ કે બોર્ડર પર ચીનના અમુક હેલિકોપ્ટર દેખાયા હતા. આ દરેક રિપોર્ટ્સ પ્રમાણે ભારત અને ચીન વચ્ચે ખટરાગ ઉભો થયેલો જણાય છે. પરંતુ કોઇ પણ તારણ પર પહોંચતાં પહેલા 5 વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે..

પહેલી વાત- ભારત અને ચીનની બોર્ડર સંબંધિત ઘણા એવા સવાલ છે જેનું કોઇ સમાધાન થયું નથી. લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ 1962ના યુદ્ધ બાદ અસ્તિત્વમાં આવી હતી. પરંતુ જમીન પર હજુ સુધી તેની કોઇ હદબંધી થઇ નથી. તેના કારણે બન્ને દેશો વચ્ચે બોર્ડરને લઇને પોતપોતાની ધારણા છે. પરિણામે એવા વિસ્તારોનું નિર્માણ થયું છે જ્યાં બન્ને દેશ દાવો કરતા રહે છે.  આ વિસ્તારો હવે સંવેદનશીલ બની ગયા છે. જ્યારે પણ બન્ને દેશોની પેટ્રોલિંગ પાર્ટી આ વિસ્તારોમાં જાય છે ત્યારે અથડામણ થાય છે. 

બીજી વાત- મેથી સપ્ટેમ્બર વચ્ચે દર વર્ષે લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની આસપાસના વિસ્તારોમાં હવામાન અનુકૂળ રહે છે. આ દરમિયાન બન્ને દેશની આર્મી પેટ્રોલિંગ વધારી દે છે. તેથી આ સમયગાળામાં વિવાદ વધારે રહે છે. ઠંડીની સિઝનમાં વિવાદ સૌથી ઓછા થાય છે. 

ત્રીજી વાત- 1967થી અત્યારસુધી ભારત અને ચીનની બોર્ડર પર એક પણ ગોળી ફૂટી નથી. જ્યારે પણ અથડામણ કે કોઇ વિવાદ થાય ત્યારે બન્ને પક્ષના સ્થાનિક કમાન્ડર તેમના સ્તર પર વિવાદ હલ કરી નાખે છે. 

ચોથી વાત- ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર શાંતિ જાળવવા માટે તમામ પ્રકારના કરાર થયેલા છે. આ કરારના આધારે જ અમુક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર પર બન્ને પક્ષો તરફથી સહમતિ છે. જેથી વિવાદ આગળ ન વધે અને ક્યારેય પરિસ્થિતિ વિકટ બને તો કેવી રીતે દૂર કરવી તે અંગે પણ તેમાં ઉલ્લેખ છે. 

પાંચમી વાત- બન્ને દેશ વચ્ચે નાથુલા, બુમલા, કિબિથૂ અને કેપાન્ગલામાં બોર્ડર પર પર્સનલ મીટિંગ થાય છે. આ મિટિંગમાં જે સમસ્યા અને વિવાદ હોય તેને દૂર કરવામા આવે છે.  આ મિટિંગ દરમિયાન કોઇ વાત નક્કી થાય તો તેના માટે ફ્લેગ મિટિંગ પણ કરી શકાય છે. 

ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ છે. આ દુનિયાની સૌથી લાંબી વિવાદિત બોર્ડર છે. આ બોર્ડરનો લાંબો વિસ્તાર દુર્ગમ છે અને બંન્ને દેશની આર્મી તેને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરે છે. તેના માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) હોય છે. જ્યારે કોઇ એક પક્ષ આ પ્રોસીઝરને ન માને ત્યારે વિવાદ થાય છે. ઈતિહાસ ગવાહ છે કે, મોટાભાગે આ SOP ન માનનાર ચીન જ હોય છે. 

હવે LAC પર શું થઈ શકે?

પહેલું- બન્ને દેશની સેનાઓને SOPનું કડકાઇથી પાલન કરવાની ફરજ પાડવી જોઈએ. તેનાથી વિવાદ તાત્કાલિક દૂર થશે અને વધશે નહીં. 

બીજું- શક્ય તેટલી ઝડપથી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ મુદ્દે 20 વર્ષ પહેલા પ્રયત્ન કરવામા આવ્યો હતો. બન્ને દેશોએ LAC અંગે પોતપોતાની ધારણા પ્રમાણે સેન્ટ્રલ સેક્ટરમાં નક્શા એક્સચેન્જ કર્યા હતા. જ્યારે વેસ્ટર્ન સેક્ટરમાં નક્શા એક્સચેન્જ કરવાની વાત આવી ત્યારે ચીને આગળ વધવાનો ઇનકાર કરી દીધો હતો. જો આવું ન થાત તો બોર્ડર અંગે સમજૂતી બની જાત અને ત્યારબાદ હદબંધી કરી શકાઇ હોત. તેનાથી વિવાદ ઓછા થઇ જાત. 

ત્રીજું- LAC પર થનારી ઘટનાઓ અંગે સંવેદનશીલતામાં ઘટાડો થવો જોઇએ. કોઇ મુદ્દો સામે આવે ત્યારે પ્રતિક્રિયાઓ નિયંત્રણની બહાર જતી રહે છે. ઘણી વખત કઇ જગ્યાએ શું થયું તેની હકીકત જાણ્યા વિના બધુ માની લેવામાં આવે છે. 

ચોથું- ટેક્નોલોજીની મદદથી બોર્ડર પર સર્વેલન્સ વધારવું જોઇએ. તેનાથી હ્યુમન ઇન્ટરેક્શન ઓછું થશે અને વિવાદ પણ ઓછા થશે.  ટેક્નોલોજીની મદદથી બોર્ડર પાસે રોડ અને ટ્રેકના નિર્માણકાર્ય પર પણ નજર રાખી શકાય છે. 

પાંચમુ- બન્ને દેશના નેતા એ હકીકત જાણે છે કે કોઇ પણ વિવાદ વધુ વકરે તો બન્ને દેશને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. તેથી એ વાતની જરૂરિયાત છે કે બન્ને દેશની આર્મી બોર્ડર પર શાંતિ રાખવાનું કામ કરે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post