• Home
  • News
  • યુક્રેનથી થશે ઓનલાઈન એજ્યુકેશન!:ધારીના પેરેન્ટ્સને જિતુભાઈ વાઘાણીની ધરપત, MBBS ફાઈનલયરના સ્ટુડન્ટ્સને પોલેન્ડની કોલેજમાં એડમિશન અપાવીશું
post

યુક્રેનથી પોલેન્ડ પહોંચેલા ઈન્ડિયન સ્ટુડન્ટ્સને પોલેન્ડની કોલેજોએ એડમિશન માટે ઓફર કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 10:33:35

યુક્રેનમાં ગુજરાતના 5600 જેટલા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. મોટાભાગના સ્ટુડન્ટ્સ ગુજરાત પહોંચી તો ગયા પણ હવે આ સ્ટુડન્ટ્સને સૌથી મોટો સવાલ એ સતાવી રહ્યો છે કે હવે શું થશે? યુદ્ધમાં યુક્રેનનો સફાયો થઈ જશે તો શું થશે? ભવિષ્યનું શું? આ સવાલનો જવાબ દરેક સ્ટુડન્ટ્સને 12 માર્ચની સાંજ સુધીમાં મળશે. કારણ કે 14 માર્ચને સોમવારથી યુક્રેનની કોલેજો ખુલી જાય છે. ત્યાં યુદ્ધની સ્થિતિના કારણે ઓફલાઈન એજ્યુકેશન મુશ્કેલ છે એટલે બની શકે કે યુક્રેનની કોલેજોમાંથી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહે. પણ આ કેટલું શક્ય છે તે પણ 12 માર્ચે જ સ્ટુડન્ટ્સને ખબર પડશે.

ઓનલાઈન એજ્યુકેશન શક્ય છે?
યુક્રેનના મોટાભાગના શહેર તબાહ થઈ ગયા છે. આવા સમયમાં યુક્રેનના ટર્નોપિલ શહેરની કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા સ્ટુડન્ટ્સને મૌખિક રીતે એવું કહેવામાં આવ્યું કે, 14 માર્ચથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ શકે છે. કારણ કે, જ્યાં ગુજરાતના સ્ટુડન્ટ્સ સૌથી વધારે ભણે છે તે યુક્રેનના ટર્નોપિલ શહેરમાં યુદ્ધની ખાસ અસર નથી. હુમલા પણ નથી થયા એટલે આ શહેરમાં ઈન્ટરનેટ પણ ચાલી રહ્યું છે. ટીચર્સ પણ ઓનલાઈન અવેલેબલ છે. એટલે બની શકે કે, ગુજરાતના સ્ટુડન્ટ્સને ઓનલાઈન એજ્યુકેશનમાં વાંધો નહીં આવે.

યુદ્ધ પૂરું થાય તો યુક્રેન પરત જવું છે
મોટાભાગના સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એવું જ ઈચ્છે છે કે જો યુદ્ધ પૂરું થાય તો યુક્રેન પરત જવું છે. સ્ટુડન્ટ્સને એટલા માટે જવું છે કે તેમની જે એજ્યુકેશન સિસ્ટમ ગોઠવાયેલી છે તેમાં ડિસ્ટર્બન્સ નથી કરવું. બીજું, ગુજરાતમાં મેડિકલની સીટ ઓછી છે, નેશનલ મેડિકલ કમિશનની પણ કોઈ જોગવાઈ નથી એટલે અહીં અભ્યાસ આગળ વધારવો શક્ય નથી. પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે સ્ટુડન્ટ્સ અહીંયા રહે તો ફી વધારે થાય. યુક્રેન જેટલી ફી અહીંયા હોય તો ભણાવવામાં વાંધો નથી. પણ મોટાભાગના પેરેન્ટ્સ પણ એવું ઈચ્છે છે કે યુદ્ધ પૂરૂં થઈ જાય અને બધું નોર્મલ થઈ જાય તો યુક્રેન મોકલવામાં પણ વાંધો નથી.

 

શિક્ષણમંત્રીએ ધારીના વાલીને ધરપત આપી
ધારી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ (બાલાભાઈ) કથીરિયાનો પુત્ર સંકેત MBBSના છઠ્ઠા વર્ષમાં એટલે છેલ્લા વર્ષમાં ભણે છે. MBBSના લાસ્ટ યરમાં હોવાના કારણે કોર્સ પૂરો કરવો તેના માટે ચેલેન્જ છે. બાલાભાઈએ આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીને ફોન કર્યો હતો ત્યારે જિતુભાઈ વાઘાણીએ એવી ધરપત આપી હતી કે, જે સ્ટુડન્ટ્સ લાસ્ટયરમાં છે તેમને પોલેન્ડ કે રોમાનિયાની કોલેજમાં એડમિશન મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

 

 

પોલેન્ડની કોલેજે પણ ઓફર કરી
જુનાગઢના સ્ટુડન્ટ્સ અખિલ ગજેરાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, અમે ટર્નોપિલથી નીકળીને જ્યારે બોર્ડર પરથી પોલેન્ડ પહોંચ્યા અને ત્યાં ભારતીય ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા. એવામાં પોલેન્ડની કોલેજના સંચાલકો ઈન્ડિયન સ્ટુડન્ટ્સને મળવા આવ્યા હતા અને કહ્યું કે, યુક્રેનની સ્થિતિ વધારે બગડે અને તમે એજ્યુકેશનથી વંચિત ના રહો એના માટે અમે પોલેન્ડની કોલેજમાં એડમિશન આપવા તૈયાર છીએ. તમે અધૂરો છોડેલો અભ્યાસ અમારી કોલેજમાં પૂરો કરી શકશો.

અખિલ ગજેરાએ એમ પણ કહ્યું કે, ત્યાં એવી સિસ્ટમ છે કે કોલેજમાં સો ટકા હાજરી ફરજિયાત છે. માનો કે તમે કોઈ કારણોસર એક દિવસ જઈ શક્યા નથી અને ક્લાસ મિસ થયા તો સ્ટુડન્ટ્સને સ્પેશિયલ ક્લાસમાં રિકવર કરાવે પણ એમાં ય નિયમ છે. નિયમ એવો છે કે, જો સ્ટુડન્ટ બીમાર હોય અને ક્લાસ અટેન્ડ ના કરી શક્યો તો કોલેજમાં એપ્લીકેશન ફોર્મ ભરવાનું. તેમાં ડોક્ટરની સહી લેવાની તો જ જે મિસ કર્યું છે તે મફત ભણાવે. સ્ટુડન્ટ બીમાર નથી ને ક્લાસમાં હાજરી આપી શક્યા નથી તો અને એ દિવસનો કોર્સ ભણવો છે તો, 450 ગ્રીવન ફી ભરવી પડે. એક ગ્રીવનના 3 રૂપિયા થાય એ હિસાબે એક ક્લાસ અટેન્ડ કરવાના 1350 રૂપિયા ભરવા પડે. ગ્રીવન એ યુક્રેનની કરન્સી છે. આ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ ત્યાં છે. અખિલ કહે છે, 12 માર્ચે કોલેજ તરફથી શું મેસેજ આવે છે તેના પર અમે આગળનો નિર્ણય લેશું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post