• Home
  • News
  • મા અમૃતમ કાર્ડ બંધ થયાની અફવાથી દર્દીઓ આયુષ્માન કાર્ડ લેવા દોડ્યા, આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરવી પડી- કાર્ડ બંધ નહીં થાય
post

અગાઉની જેમ જ મા કાર્ડમાં જે સુવિધાઓ મળતી હતી તે સુવિધાઓ મળતી રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 10:25:51

મા અમૃતમ કાર્ડ બંધ થયું હોવાની વાત વહેતી થયા બાદ રાજ્યભરમાં હોસ્પિટલની બહાર મા અમૃતમ કાર્ડ ધરાવતા દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી. દર્દીઓ મા કાર્ડને આયુષ્માન કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માટે લાઈનમાં લાગ્યા હતા. દિવસ દરમિયાન કાર્ડ બંધ થઇ રહ્યું હોવાની ગેરસમજના કારણે ઉભા થયેલા વિવાદની રજૂઆતો ગાંધીનગર સુધી પહોંચી હતી. જેને લઇને આરોગ્ય કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મા અમૃતમ કાર્ડ બંધ થયું નથી.

પહેલાની જેમ જ સુવિધા મળશેઃ આરોગ્ય કમિશનર
ગેરસમજ ઉભી થયા બાદ રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યુ છે કે, મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મા અમૃતમ કાર્ડબંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે. એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ
તેમણે ઉમેર્યુ કે,મુખ્યમંત્રી મા અમૃતમ’/‘મા વાત્સલ્યયોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે.પરંતુ તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.

ગેરસમજના કારણે લોકો આયુષ્માન કાર્ડ લેવા દોડ્યા
મા અમૃતમ કાર્ડ બંધ થયું હોવાની વાત વહેતી થયા બાદ અને હોસ્પિટલોમાંથી ડાયલિસિસ સહિતના દર્દીઓને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે મા અમૃતમકાર્ડમાં તમને ફ્રી ડાયાલિસિસ સહિતની સુવિધાઓ નહીં મળે કારણ કે મા અમૃતમ કાર્ડ બંધ થાય છે. તમારો ડેટા આયુષ્માન કાર્ડમાં ટ્રાન્સફર કરાવવો પડશે. જેના કારણે દર્દીઓમાં આયુષ્માન કાર્ડ લેવા માટે દોડ્યા હતા. સમગ્ર વિવાદની જાણ ગાંધીનગર થઇ હતી અને એવી રજૂઆત કરવામાં આવી હતી કે હોસ્પિટલએ સરકારનું નામ લઇને મા કાર્ડની સુવિધા બંધ કરી દીધી છે. એટલે છેવટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post