• Home
  • News
  • દરોડાઓ બાદ 5 વર્ષ માટે PFI ઉપર પ્રતિબંધ, અન્ય 8 સંગઠનો સામે પણ એક્શન
post

દરોડા દરમિયાન NIAને ટેરર ફન્ડિંગ, ટેરર મોડ્યુલ તૈયાર કરવા, સિમી સહિતના અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવા સહિતના અનેક અન્ય ગંભીર આરોપો સાથે સુસંગત દસ્તાવેજો હાથ લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:33:21

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે દેશમાં 5 વર્ષ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મુકી દીધો છે. અનેક રાજ્યો દ્વારા PFI પર પ્રતિબંધની માગણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના અનેક ઠેકાણે દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને પીએફઆઈ વિરૂદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હતા. 

8 સહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ

ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન ઘોષિત કર્યું છે. તે સિવાય અન્ય 8 સહયોગી સંગઠનો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈ ઉપરાંત રિહૈબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વીમેન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવાસહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

તાબડતોબ દરોડા બાદ એક્શન

રાષ્ટ્રીય તપાસ એજન્સી, ઈડી અને રાજ્યોની પોલીસે સાથે મળીને 22મી સપ્ટેમ્બરના રોજ પીએફઆઈ સામે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડાઓ પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 106 લોકોની ધરપકડ કરાઈ હતી. બીજા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 247 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા તો અમુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને પીએફઆઈ સામે પૂરતા પુરાવાઓ હાથ લાગ્યા હતા.

દરોડા દરમિયાન NIAને ટેરર ફન્ડિંગ, ટેરર મોડ્યુલ તૈયાર કરવા, સિમી સહિતના અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવા સહિતના અનેક અન્ય ગંભીર આરોપો સાથે સુસંગત દસ્તાવેજો હાથ લાગ્યા હતા. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય સમક્ષ કાર્યવાહી માટેની માગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. 

તપાસ એજન્સી નીચેના કેસમાં PFIની ભૂમિકા તપાસી રહી છે

- પટના-ફુલવારી શરીફમાં ગજવાએહિન્દ સ્થાપિત કરવા માટે ભારે મોટું ષડયંત્ર થઈ રહ્યું હતું તેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તાજેતરમાં જ દરોડો પણ પાડ્યો હતો. 

- તેલંગાણાના નિઝામાબાદમાં કરાટે ટ્રેઈનિંગના નામે પીએફઆઈ હથિયાર ચલાવવાની ટ્રેઈનિંગ આપી રહ્યું છે. તપાસ એજન્સીએ તે મામલે પણ દરોડો પાડેલો છે. 

- કર્ણાટક પ્રવીણ નેત્તરૂ હત્યા કેસમાં પીએફઆઈ કનેક્શન સામે આવ્યું હતું જેમાં એનઆઈએ તપાસ કરી રહી છે. 

- હિજાબ વિવાદ અને તાજેતરમાં થયેલા પ્રદર્શનો દરમિયાન પીએફઆઈના ફન્ડિંગ રોલ અંગે પણ તપાસ થઈ હતી. 

- ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદા મામલે હિંસા થઈ હતી જેમાં પીએફઆઈ સાથે સંકળાયેલા આરોપીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, સાહિત્ય, સીડી વગેરે મળી આવ્યા હતા જેને આધાર બનાવીને ઉત્તર પ્રદેશ સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના સંગઠન પર પ્રતિબંધ મુકવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. 

15 રાજ્યોમાં સક્રિય છે PFI

પીએફઆઈ હાલ દિલ્હી, આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં સક્રિય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post