• Home
  • News
  • ‘અમારા વિદ્યાર્થીઓ સરકારી કાર્યક્રમમાં મોકલીએ છીએ એટલે અમારી સ્કૂલનો વેરો ઓછો કરી આપો’
post

ખાનગી શાળા સંચાલકોનો મનપાને ભણાવવાનો કીમિયો, ચોરસમીટરે સવા ગણો ઘટાડો કરવા રજૂઆત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 10:01:00

રાજકોટ: વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલ કરતા શાળા સંચાલકોએ મહાનગરપાલિકાને પત્ર લખી મિલકત વેરામાં પ્રતિ ચોરસમીટરે સવા ગણો ઘટાડો કરવા રજૂઆત કરી છે. લેખિત રજૂઆતમાં શાળા સંચાલકોએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને લખ્યું છે કે, અમારી શાળાના બાળકોને તમારા કાર્યક્રમમાં મોકલીએ છીએ તેમજ ખૂબ વાજબી અને પ્રમાણસરની ફી લેવામાં આવે છે તેથી સ્કૂલ બિલ્ડિંગના મિલકત વેરામાં ઘટાડો કરી આપવો જોઇએ. મહાનગરપાલિકા હાલ ફેક્ટર 3 (રહેણાક હેતુ સિવાયની મિલકતોની ઇમારતના પ્રકારનું પરિબળ)માં ખાનગી શાળાનો ભારાંક 2 ગણો વસૂલાત કરે છે તેના બદલે 0.75 ગણુ કરી આપવા માંગ કરી છે.


રાજકોટ શહેરમાં 820 ખાનગી શાળાની મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં નોંધણી છે જેની પાસેથી વાર્ષિક 11 કરોડ રૂપિયા વેરાનું માગણું નીકળે છે. ખાનગી શાળા સંચાલક મંડળે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓને એક લેખિત રજૂઆત કરી છે. જેમાં લખ્યું છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં થાય છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ કાર્યક્રમોમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. તેમજ સરકારની શિક્ષણની જવાબદારી ઉપરાંત અમારી શાળાઓ સરકારનું ભારણ ઓછું કરી ખૂબ વાજબી અને પ્રમાણસર ફી લઇને શૈક્ષણિક જવાબદારી નિભાવે છે. પ્રકારે ખાનગી શાળાઓએ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને સ્પષ્ટ કહી દીધું કે, તમારા કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા માટે અમારી શાળાના બાળકો મોકલવામાં આવે છે તેથી અમને મિલકત વેરામાં રાહત આપવી જોઇએ અને ખૂબ વાજબી ફી લેવામાં આવે છે તેથી મિલકત વેરાનો ભારાંક 2માંથી ઘટાડી 0.75 કરી આપવો જોઇએ.


અત્રે નોંધનીય છે કે, રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓના સંચાલકો વાલી જ્યાં સુધી ફી ભરે ત્યાં સુધી બાળકોને પરિણામ પણ આપતા નથી. ઉપરાંત અનેક વખત વર્ગખંડમાં બાળકોને ઊભા કરી તેમની ફી બાકી હોવાથી ખરાબ વર્તન કરી અપમાન પણ કર્યા હોવાના કિસ્સા બન્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને પત્ર લખી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મિલકત વેરામાં સવા ગણો ઘટાડો કરવા માંગ કરી છે.


સરકારની શિક્ષણની જવાબદારી અને ભારણ ઓછું કરતા હોવાનો ખાનગી શાળા સંચાલક મંડળનો દાવો :
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓને કરેલી રજૂઆતમાં સ્કૂલ ચલાવી સરકાર પર અહેસાન કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. લેખિત રજૂઆતમાં કહ્યું છે કેસરકારની શિક્ષણની જવાબદારી ઉપરાંત અમારી શાળાઓ સરકારનું ભારણ ઓંછુ કરે છે.’ આમ શાળા સંચાલકોએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કહ્યું કે, સ્કૂલ ચલાવી અમે તમારી ઉપર અહેસાન કરી રહ્યા છીએ.


ગ્રાન્ટેડ કરતા પણ ઓછો વેરો કરી આપવા માંગ
મહાનગરપાલિકાએ કાર્પેટ એરિયા મુજબ વેરા વસૂલાતમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલો પાસે એફ-3 હેઠળ ભારાંક 1 ગણો વસૂલ કરવામાં આવે છે. જ્યારે ખાનગી શાળા સંચાલકો પાસે એફ-3માં ભારાંક 2 રાખવામાં આવ્યા છે, પરંતુ ખાનગી શાળા સંચાલકોએ ભારાંક 0.75 ગણો કરી આપવા રજૂઆત કરી છે. એટલે કે ગ્રાન્ટેડ શાળા કરતા પણ મિલકત વેરો ઓછો લેવા માંગ કરી છે. ગ્રાન્ટેડ શાળાઓ સરકારના અનુદાનથી ચાલતી હોવાથી મનપાએ તેની મિલ્કતના દર ઓછા રાખ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post