• Home
  • News
  • ગુજરાતનાં મોટાં મંદિરોમાં સાષ્ટાંગ દંડવતની મનાઈ, ભક્તોએ માત્ર પ્રણામથી જ સંતોષ માનવો પડે છે
post

મહામારીને પગલે રાજ્યનાં ટોચનાં મંદિરોમાં એસઓપીનો ચુસ્ત અમલ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:45:42

કોરોના મહામારીને પગલે રોજબરોજના જીવનની જે ઘણીબધી બાબતોમાં પરિવર્તન આવ્યું છે તેમાં મંદિરોમાં થતા દેવદર્શનનો પણ સમાવેશ થાય છે. અગાઉ ભગવાનના દર્શને જતા શ્રદ્ધાળુઓ અચૂક સાષ્ટાંગ દંડવત કરતા હતા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જારી થયેલી એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)ના પાલનના ભાગરૂપ હવે સાષ્ટાંગ દંડવત કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. ભક્તોને માત્ર બન્ને હાથ જોડીને ઈશ્વરને પ્રણામ કરવાનું કહેવામાં આવે છે. મંદિરના સંચાલકોના જણાવ્યા પ્રમાણે મંદિરની અંદર પ્રસાદ લઈ જવાની પણ મનાઈ છે.

માતાજીના પ્રસિદ્ધ ધામ અંબાજીમાં પણ આ જ પ્રકારના નિયમોનું પાલન થાય છે. મંદિરના પ્રવકત્તા આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે અહીં પણ સરકારી ગાઇડલાઇન્સ મુજબ સાષ્ટાંગ દંડવતની મનાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ થાય છે તથા માસ્ક વિના કોઈ પણ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવતો નથી. કેટલાક મંદિરોમાં ચોક્કસ સંખ્યામાં જ ભક્તોને પ્રવેશ આપવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે.

આરતીમાં પણ મર્યાદિત લોકોને પ્રવેશ, સોમનાથમાં માત્ર 3ની હાજરીમાં યજ્ઞ
લૉકડાઉન બાદ ગત જૂનમાં રાજ્યના મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પ્રસિદ્ધ સોમનાથ મંદિરના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડલાઇન અનુસાર સાષ્ટાંગ દંડવતની મંજૂરી અપાતી નથી. તથા દર્શનાર્થીઓને ક્યાંય સ્પર્શ કરવાની પણ મનાઈ કરવામાં આવે છે. મહામારીને પગલે ભક્તોને બિનજરૂરી સ્પર્શ નહીં કરવાનું કહેવાય છે. ચાવડાએ જણાવ્યું હતું કે આરતી દરમિયાન પણ ભક્તોનો પ્રવેશ રોકવામાં આવે છે જેથી સંક્રમણ ફેલાય નહીં. યજ્ઞ દરમિયાન ત્રણથી વધારે લોકોને હાજર રહેવા દેવાતા નથી. સાષ્ટાંગ દંડવત દ્વારા શરીરના આઠ અંગોનો જમીન સાથે સંપર્ક થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post