• Home
  • News
  • રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, ટ્રોમા સેન્ટરનું ડીઆર મશીન બંધ રહેતાં દર્દીઓને ભારે હાલાકી
post

ટ્રોમા સેન્ટરમાં દોઢ કરોડના ખર્ચે મુકાયેલું ડીઆર મશીન છ દિવસથી બંધ; એક્સ-રેની કામગીરી અટકી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-09 19:11:32

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં ટ્રોમા સેન્ટર ખાતે એકસ-રેનું (ડીઆર) મશીન પાંચ-છ દિવસથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ અચાનક આ વિભાગની કામગીરી બંધ કરતા હાડકાનાં દર્દીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે માટેની કુલ 3 સુવિધાઓ છે. જે પૈકીની આ એક સુવિધા બંધ થતાં અન્ય બે સ્થળોએ દર્દીઓનો ધસારો વધ્યો છે. જોકે, સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ ટૂંક સમયમાં મશીન પૂર્વવત કરવાની ખાતરી આપી હતી.

ડી.આર. મશીન બંધ, દર્દીઓને પારાવાર મુશ્કેલી
જાણવા મળતી વિગતો મુજબ, સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં મુકાયેલું આશરે દોઢેક કરોડનું ડી.આર. મશીન (એકસ-રે) છેલ્લા પાંચ-છ દિવસથી બંધ હોય અને આ વિભાગ બંધ કરાયો છે. આ ડી.આર. મશીન જે જગ્યાએ મુકાયું છે, ત્યાં ઉપરથી પાણી ટપકતું હોવાથી ભેજના કારણે કિંમતી મશીનને નુકશાન ન થાય તે માટે તંત્રએ આ વિભાગ બંધ કર્યાનું સામે આવ્યું છે. પરંતુ આ મશીન બંધ કરવાને બદલે પાણીનું ટપકવું, તેમજ ભેજ લાગવા જેવી સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

દર્દીઓનો ઘસારો વધતા હાડકાના દર્દીઓને હાલાકી
જાગૃત દર્દીઓ કહે છે કે, અત્યારે સિવિલ હોસ્પિટલમાં એક ટ્રોમા સેન્ટરમાં, બીજુ મશીન રૂમ નંબર-21 પોલીસ ચોકી પાસે અને ત્રીજુ મશીન ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નં.7માં મુકાયું છે. હવે ટ્રોમા સેન્ટરનું ડી. આર. મશીન બંધ થતાં રૂમ નંબર 21 અને 25માં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. હાલ ઓપીડી બિલ્ડિંગના રૂમ નં.7માં મુખ્યત્વે હાડકાના દર્દીઓનો એકસ-રે માટે કાયમી ધસારો રહે છે. તેમાં ટ્રોમા સેન્ટરનું મશીન બંધ થતાં અહીં દર્દીઓનો ઘસારો વધતા હાડકાના દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post