• Home
  • News
  • ભરવાડ અને કોળી સમાજ વચ્ચે વેરનાં વળામણાં:ભૂતકાળમાં 7 વર્ષમાં 3 હત્યા, 225ને જેલ, 1000ની હિજરત, હવે ભવિષ્યમાં તકરાર કરશે તે જ્ઞાતિને 5 લાખનો દંડ ભરવો પડશે
post

ભાઈચારો કાયમી રાખવા માટે મહત્ત્વના નિર્ણયો લેવાયા, પંચની રચના પણ કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 11:50:11

થાન પંથકમાં ભરવાડ અને કોળી જ્ઞાતિના પરિવારો માટે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ સંપ અને સુમેળ લઈને આવી હતી. એક સમય હતો જ્યારે આ બંને સમાજના લોકો વચ્ચે લોહીભૂખ્યું વેર હતું. 7 વર્ષની વેરની વસૂલાતમાં 3 વ્યક્તિની હત્યા થઈ ચૂકી હતી, લોહિયાળ જંગમાં 7 જણા ઘાયલ થયા હતા, 225 લોકોને જેલમાં ધકેલાવું પડ્યું હતું અને 1000 લોકોને વતન છોડવું પડ્યું હતું.

બંને જ્ઞાતિ વચ્ચેની વેરની આ વસૂલાત ગુરુવારે વેરનાં વળામણાંમાં પરિવર્તિત થઈ હતી. આસ્થાના સ્થાનકસમા સોનગઢની લાખા બાપુની જગ્યામાં બંને સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે મળેલી બેઠકમાં વેરને હિજરત કરાવતા કેટલાક નિર્ણયો લેવાયા હતા, જેમાં હવે પછી કોઈ જ્ઞાતિ તકરાર કરે તો તે જ્ઞાતિને રૂ. 5 લાખનો દંડ ભરવાનો આકરો નિર્ણય લેવાયો હતો.

ગુરુવારે સોનગઢમાં લાખા બાપુની જગ્યામાં મળેલી બેઠકમાં વેરનાં વળામણાં કરવામાં આવ્યાં હતાં. અને જો કોઈ હવે તકરાર કરે તે જ્ઞાતિએ રૂ. 5 લાખનો દંડ ભરવો પડશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2014માં ચાંદરેલિયા ગામમાં ખેતરના રસ્તે ચાલવા બાબતે ભરવાડ અને કોળી પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ વેરનાં બીજ રોપાયાં હતાં. ધીરેધીરે વેરની આગ 13 ગામોમાં ફેલાઈ હતી. તેમાં પણ રાણાભાઈની હત્યા બાદ બંને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય વધ્યું હતું.

દેખો ત્યા ઠાર જેવી સ્થિતિમાં હાઈકોર્ટના આદેશથી અંદાજે ત્રણેક માસ પહેલાં 500થી વધુ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે નવાગામમાં પોતાના ઘરે રહેવાની વ્યવસ્થા કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુરુવારે લાખા બાપુની જગ્યાના મહંત કિશોરબાપુ, દીનુભાઈ ભગત, દિલીપભાઈ ભગત સહિત બંને સમાજના આગેવાનો તેમજ ડીવાયએસપી સી. પી. મુંધવા, એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલ, થાન પીઆઇ ડી. એમ. ચૌધરી સહિતના અધિકારીઓની હાજરીમાં સમાધાન માટે બેઠક મળી હતી, જેમાં બંને જ્ઞાતિના લોકોએ સમાધાન કરી ફરીથી શાંતિથી જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.

સોનગઢમાં લાખાબાપુની જગ્યામાં કોળી અને ભરવાડ જ્ઞાતિના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, બંને જ્ઞાતિએ આ નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે

·         ઝઘડો થાય તો પહેલાં પંચ જ ર્નિણય લેશે.

·         માથાકૂટ થાય તો બહારગામની કોઈ વ્યક્તિએ આવવાનું નથી.

·         જરૂર જણાય તો જ વહીવટી તંત્ર પાસે જવું.

·         ગુના દાખલ થયા છે, તે નિવેદનો લઈ પૂરાં કરવાં.

અત્યાર સુધીના બનાવનું ઘટનાચક્ર

વર્ષ

બનાવ

2014

ચાંદરેલિયામાં ખેતરમાં ચાલવા બાબતે ઝઘડો

2015

અમરાપરામાં સવાભાઈ ચીંહલાની હત્યા

2015

દેવપરામાં રામજીભાઈ ખોડાભાઈની હત્યા

18-10-15

વિવિધ ગામોમાં 60થી વધુ પરિવારોની હિજરત

16-10-16

નવાગામમાં રાણાભાઈ સવજીભાઈની હત્યા

04-11-20

હાઈકોર્ટના આદેશ બાદ 20 પરિવાર પરત ફર્યા

28-01-21

બન્ને પક્ષ વચ્ચે સુખદ સમાધાન

સુલેહ માટે કાઠી દરબાર, ભરવાડ અને કોળી જ્ઞાતિના આગેવાનોનું પંચ બનાવાયું
સુલેહ માટે બંને જ્ઞાતિના લોકોએ દોઢ વર્ષમાં 20થી વધુ વાર બેઠક પણ કરી હતી. અંતે લાખા બાપુની જગ્યામાં સમાધાન થયું હતું, જેમાં પંચ તરીકે 5 કાઠી દરબાર, 5 ભરવાડ, 5 ચૂંવાળિયા કોળી અને 5 તળપદા કોળી જ્ઞાતિના મળી કુલ 20 સભ્યનો સમાવેશ કરાયો છે.

મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને 1-1 લાખ આપવાના રહેશે
વેરને કારણે અત્યાર સુધીમાં 3 હત્યા અને 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. સમાધાન થયા બાદ મૃતકોના પરિવારો અને ઘાયલો કેસ પાછા ખેંચી લે તથા આરોપીઓ દ્વારા મૃતકનોના પરિવારને રૂ. 10 લાખ અને 3 ગંભીર ઈજાગ્રસ્તને 1-1 લાખ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

દીકરાને બહાર મોકલતાં પણ ડર લાગતો હતો
પતિની હત્યા બાદ 4 દીકરી અને 1 દીકરા સહિત 6 સભ્યનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. દીકરો કામકાજ કરી શકે તેમ હતો પરંતુ એકના એક દીકરા પર પણ હુમલાનો ડર લાગતો હોવાથી તેને ઘરની બહાર મોકલતા નહોતા. હું 4 દીકરી સાથે મળી પેટિયું રળતાં હતાં.’- સમુબહેન રાણાભાઈ, મૃતકનાં પત્ની, નવાગામ

3 વર્ષ પહેલા બન્ને પગ ભાંગ્યા હતા
વર્ષ 2018માં મારી પર હુમલો થયો હતો. મારા બંને પગ ભાંગી ગયા હતા. 3 વર્ષ થવા છતાં હજુ પણ ઘોડી લઈને ચાલવું પડે છે. એટલે ખેતીનું કે અન્ય કોઈ કામકાજ કરી શકતો નથી. આથી ખેતી સહિતનું કામ અન્ય લોકોને આપી તેના પર નિર્ભર રહેવું પડે છે.’- મહેન્દ્ર નવઘણભાઈ મગવાનિયા, ઇજાગ્રસ્ત, નવાગામ

 

adv

Related News

post
post
post
post
post
post
post