• Home
  • News
  • ટ્રમ્પ-મોદીના રોડ-શોનો રૂટ 24મીએ સવારે 10થી ટ્રમ્પ પાછા ન જાય ત્યાં સુધી બંધ રહેશે
post

અમેરિકી સિક્રેટ સર્વિસે સુરક્ષા સમીક્ષા કર્યા પછી રોડ બંધ રાખવા એડવાઈઝરી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 11:28:39

અમદાવાદઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન 24 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી ટ્રમ્પ પાછા એરપોર્ટ પહોંચી ન જાય ત્યાર સુધી એરપોર્ટથી રિટર્ન એરપોર્ટ સુધીનો આખો રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવશે. અમદાવાદ આવેલી સિક્રેટ સર્વિસની ટીમે રોડ શો ના આખા રૂટની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ વાહનચાલકો માટે રસ્તો બંધ રાખવા જણાવ્યું હતુ. જેના આધારે રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સોમવારે આખો દિવસ ટ્રાફિક શાખાના અધિકારીઓની મિટિંગ ચાલી હતી. ટ્રમ્પ-મોદીના રોડ-શોમાં અગાઉ 15 થી 20 હજાર લોકોને હાજર રાખવાના હતા. પરંતુ હવે રોડ-શોમાં 1 લાખ લોકોને હાજર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિક્રેટ સર્વિસની ટીમોએ અમદાવાદ એરપોર્ટ, ટ્રમ્પના રોડ-શોના આખા રૂટ, મોટેરા સ્ટેડિયમ તેમજ ગાંધી આશ્રમની મુલાકાત લઇને સુરક્ષાની સમીક્ષા કરી હતી.

બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરશે
સિક્રેટ સર્વિસની એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી ગાંધી આશ્રમ, ત્યાંથી મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી એરપોર્ટ સુધીનો આખો રોડ વાહનચાલકો માટે બંધ રહેશે. સોમવારે ટ્રાફિક અધિક પોલીસ કમિશનર જે.આર.મોથલિયાની કચેરીમાં ટ્રાફિકના અધિકારીઓની મિટિંગ મળી હતી. જેમાં કેટલા કલાક માટે વાહન ચાલકો માટે રોડ બંધ રાખવો તે અંગે ચર્ચા વિચારણા ચાલી હતી. જો કે આ મિટિંગમાં લગભગ સવારે 10 વાગ્યાથી ટ્રમ્પ પાછા એરપોર્ટ પહોંચી ન જાય ત્યાર સુધી એરપોર્ટથી રિટર્ન એરપોર્ટ સુધીના તેમના કાર્યક્રમનો રૂટ બંધ રાખવાનું લગભગ નક્કી કરાયું છે. જો કે આ અંગે એકાદ બે દિવસમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

વૈકલ્પિક રૂટ નક્કી કરવા ટ્રાફિકની આખો દિવસ મિટિંગ
ટ્રમ્પ એરપોર્ટથી શાહીબાગ ડફનાળા થઇને રિવરફ્રન્ટથી શિલાલેખ થઇને સુભાષબ્રિજ થઇને ગાંધી આશ્રમ જવાના છે અને ત્યાંથી એરપોર્ટ સુધી તે જ રસ્તે પાછા આવીને ઈન્દિરા બ્રિજ થઇને મધર ડેરી થઇને ભાટ થઇને મોટેરા સ્ટેડિયમ જવાના છે, ત્યાંથી ઈન્દિરાબ્રિજ થઇને પાછા એરપોર્ટ જવાના છે. આ તમામ રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરીને તેની જગ્યાએ વૈકલ્પિક રૂટ કયો આપવો તે નક્કી કરવા ટ્રાફિકના અધિકારીઓની મિટિંગ ચાલી હતી.

બસ ડ્રાઈવરોને પાર્કિંગ સુધી જવા નકશો અપાશે
સ્ટેડિયમમાં 1 લાખ લોકો હાજર રહેશે. આ માટે 2200 બસો મુકાઈ છે. જુદા જુદા જિલ્લાઓમાંથી આવનારી 2200 બસો પાર્ક કરવા માટે 28 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. બસના ડ્રાઈવરને 24મી એ સવારે પાર્કિંગનો નંબર-પાર્કિંગ સુધી જવાનો નકશો અપાશે.

ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ પાર્કિંગમાં તહેનાત રહેશે
બસોને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તેમજ બસોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે થાય તે માટે દરેક પાર્કિંગ પ્લોટની અંદર તેમજ પાર્કિંગ સુધીના જવાના તમામ રસ્તે ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરાશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post