• Home
  • News
  • જરૂર વગર જ કોરોનાના દર્દીને ICUમાં રાખી નાણાં ખંખેરવાનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલનું કૌભાંડ
post

ત્રણ મહિનાનાં બિલોમાં અનેક ગોટાળા પકડાતાં મ્યુનિ.એ શો-કોઝ નોટિસ આપી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:35:04

મ્યુનિસિપલ ક્વોટામાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓની સારવાર માટે સીમ્સ હોસ્પિટલે મ્યુનિ.માં મૂકેલાં 3 મહિનાનાં બિલમાં અનેક ગેરરીતિ પકડાતાં મ્યુનિ.એ હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપી વધુ વસૂલેલી રકમની રિકવરી કાઢી છે. સિમ્સે જરૂર વગર દર્દીઓને આઈસોલેશનને બદલે એચડીયુ અથવા આઈસીયુ કે વેન્ટિલેટર વોર્ડમાં દાખલ કર્યા હતા. દર્દીની તબિયત સુધર્યા પછી પણ આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ નહીં કરી લાખોની નાણાકીય ગેરરીતિ આચરી હતી.

કોરોનાની મહામારીને પગલે મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરી 50 ટકા બેડ અનામત રાખ્યા હતા. આ બેડ પર સારવાર લેનારા તમામ દર્દીનો ખર્ચ મ્યુનિ. ભોગવે છે. એ પછી હોસ્પિટલ તેના બિલ મ્યુનિ. સમક્ષ રજૂ કરતી હોય છે. સિમ્સ હોસ્પિટલે પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગની ઓફિસને મોકલેલા બિલ મ્યુનિ.ની કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસરોએ ચેક કરી બિલમાં નિયત ગાઈડલાઈન્સ કરતાં વધુ નાણાં મૂક્યા હોવાનું પકડાયું હતું. હોસ્પિટલે રજૂ કરેલા બિલમાં મહત્ત્વની માહિતી સાથે ડોક્ટરની રોજની ક્લિનિકલ નોટ્સ પણ મૂકી ન હતી. શો-કોઝ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલે મ્યુનિ.ને ગેરમાર્ગે દોરી વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો છે. જો હોસ્પિટલ સત્તાવાળા 7 દિવસમાં આ અંગેનો ખુલાસો નહીં કરે તો કાયદેસર કાર્યવાહી કરાશે. હોસ્પિટલે રજૂ કરેલી બિલ માટેની ફાઈલ પોસ્ટ ઓડિટમાંથી પરત આવ્યા પછી અનેક પ્રકારની ગેરરીતિ પકડાઈ હતી. અગાઉ પણ કોરોનાના દર્દી પાસેથી વધુ ચાર્જ વસૂલવા બદલ સીમ્સને 5 લાખનો દંડ થયો હતો.

કિસ્સો- 1: લક્ષણ ન હોવા છતાં પાંચ દિવસ 12ને વેન્ટિલેટર પર રાખ્યા
હોસ્પિટલે સંખ્યાબંધ દર્દીને એચડીયુ અથવા તો આઈસીયુ પ્લસ વેન્ટિલેટર વોર્ડમાં સળંગ સારવાર આપી હતી. દર્દીને રોગના કોઈ લક્ષણ ન હોય તો પણ તેને ત્રણથી માંડી પાંચ દિવસ સુધી એચડીયુ, આઈસીયુ કે વેન્ટિલેટર પર રખાયા હતા. જે દર્દીની તબિયતમાં સુધારો થઈ ગયો હોય અને તેમને માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખી બે દિવસમાં આઈસોલેશન વોર્ડમાં શીફ્ટ કરી રજા આપવાની હતી. પરંતુ હોસ્પિટલે વધુ પૈસા મળે તે માટે આ દર્દીઓને એચડીયુ, આઈસીયુ કે વેન્ટિલેટર ધરાવતા વોર્ડમાં જ રાખ્યા હતા. બિલમાં આવા 12 દર્દીને જરૂરિયાત ન હોવા છતાં ખોટી રીતે વધુ ચાર્જ ધરાવતા વોર્ડમાં રાખી મુકાયાનું પકડાયું હતું.

કિસ્સો- 2: આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ ન કર્યા
એસવીપી હોસ્પિટલમાંથી દર્દીને શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે સીમ્સ હોસ્પિટલે રિફર કરાયેલી શીટમાં જણાવવામાં આવેલી કેટેગરી સિવાયની હાયર કેટેગરીના વોર્ડમાં અથવા તો આઈસીયુ કે વેન્ટિલેટર સિવાયના વોર્ડમાં દાખલ કરી દીધા હતા. ઈન્ફેક્શનનો ખતરો વધી ગયો હતો. આ દર્દીઓની તબિયત સુધર્યા પછી પણ તેમને આઈસોલેશન વોર્ડમાં શીફ્ટ કરાયા ન હતા. બિલમાંથી મ્યુનિ.એ આવા 3 કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

કિસ્સો- 3: સ્ટાફની સારવારનું ખોટું બિલ મૂક્યું
ગાઈડલાઈન્સ મુજબ કોવિડ વોર્ડમાં દર્દીની સારવાર વખતે સીધા સંપર્કમાં આવતા ડોક્ટર, નર્સ, એટેન્ડન્ટને સામેલ કરવાના હોય છે. પરંતુ હોસ્પિટલે કોવિડ સિવાયના વોર્ડમાં કામ કરતાં અન્ય સ્ટાફને પણ મ્યુનિ. ક્વોટામાં દાખલ કર્યો હતો. હોસ્પિટલે રજૂ કરેલા સ્ટાફના બિલમાં સંખ્યાબંધ સભ્યોનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ, આઈકાર્ડ કે બિલિંગની તારીખ પણ સામેલ ન હતી. કેટલાક તો મ્યુનિ.ની હદ બહારના હતા.

કિસ્સો- 4: 4ને જરૂર વગર જ ICUમાં રાખ્યા
હોસ્પિટલે 4 દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવાને બદલે એચડીયુ, આઈસીયુ કે વેન્ટિલેટર વોર્ડમાં દાખલ કર્યા હતા. દર્દીઓની તબિયત સુધરવા છતાં તેમને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાયા ન હતા અને વધુ બિલ બનાવવામાં આવ્યું હતું.

કિસ્સો- 5: હિપેરિનનો પણ વધુ ચાર્જ વસૂલ્યો
લક્ષણ નહીં ધરાવતા અને સ્ટેબલ દર્દીને પણ હોસ્પિટલે 10 દિવસ સુધી એચડીયુમાં રાખ્યા હતા. ડિસ્ચાર્જ સમરી પરથી આ ગેરરીતિ પકડાઈ હતી. હિપેરિન ઈન્જેક્શનના પૈસા પણ એસઓપી પ્રમાણે ગણ્યા નથી. બેડ ચાર્જમાં સામેલ એન્ટિબાયોટિક દવાનો પણ અલગથી ચાર્જ લેવામાં આવ્યો હતો. ​​​​

 

adv

Related News

post
post
post
post
post
post
post