• Home
  • News
  • આર્ટિકલ 370 નાબૂદ પર સુપ્રીમની મહોર:જાણો કોણ છે સુપ્રીમ કોર્ટના તે પાંચ જજ, જેમણે કલમ 370 પર ઐતિહાસિક ચુકાદો આપ્યો
post

સુપ્રીમ કોર્ટના પાંચ જજમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 17:41:36

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય હતો. કલમ 370ની હેઠળ રાષ્ટ્રપતિનો નિર્ણય સાચો હતો. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટના પાંચ જજમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડે કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ત્યારે રાજ્યોમાં સંઘની શક્તિઓની મર્યાદાઓ હોય છે.

કોણ છે પાંચ જજ, જેમણે ચુકાદો આપ્યો

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ - જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ (D Y Chandrachud) ભારતની સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ છે. તેમણે ઓક્ટોબર 2022માં તત્કાલીન CJI UU લલિતનું સ્થાન લીધું હતું. જસ્ટિસ ચંદ્રચૂડનો જન્મ 11 નવેમ્બર, 1959ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ 16મા અને સૌથી લાંબા સમય સુધી સેવા આપતા CJI (22 ફેબ્રુઆરી, 1978થી 11 જુલાઈ, 1985 સુધી) હતા.

ડીવાય ચંદ્રચૂડે નવી દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના સન્માન સાથે બીએનો અભ્યાસ કર્યો છે. તેઓ 1982માં કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. યુનિવર્સિટીમાંથી એલએલબી પૂર્ણ કર્યું. તેમણે 1986માં હાર્વર્ડ લો સ્કૂલ, યુએસએમાંથી એલએલએમ ડીગ્રી અને ડોક્ટરેટ ઑફ જ્યુરિડિકલ સાયન્સિસ (એસજેડી) પ્રાપ્ત કરી

જસ્ટિસ ચંદ્રચૂડને 29 માર્ચ, 2000ના રોજ બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. 31 ઓક્ટોબર 2013ના રોજ તેમણે અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને 13 મે, 2016ના રોજ તેમને ભારતની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવ્યા હતા.

જસ્ટિસ સંજય કિશન કૌલ- જસ્ટિસ કૌલ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ છે. જસ્ટિસ, જેઓ કાશ્મીરી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમણે તેમનું સ્કૂલિંગ મોડર્ન સ્કૂલ, નવી દિલ્હીમાંથી કર્યું, સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક અને દિલ્હી યુનિવર્સિટીમાંથી લોની ડીગ્રી મેળવી. તેમણે 1987થી 1999 સુધી ભારતની સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કામ કર્યું અને ડિસેમ્બર 1999માં તેમને સિનિયર વકીલ તરીકે નિયુક્ત કરાયા હતા.

શ્રીનગરના મૂળ નિવાસી સંજય કિશન કૌલનો જન્મ 26 ડિસેમ્બર 1958ના રોજ એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પરદાદા, સૂરજ કિશન કૌલ, જમ્મુ અને કાશ્મીર રજવાડાની રિજેન્સી કાઉન્સિલમાં મહેસૂલમંત્રી હતા. તેમના પરદાદા, સર દયા કિશન કૌલ, એક રાજકારણી અને રાજદ્વારી હતા, જેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.

3 મે, 2001ના રોજ તેઓ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા અને 2 મે, 2003ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 2013માં તેઓ પંજાબ હરિયાણા હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા અને 26 જુલાઈ 2014ના રોજ તેઓ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા. આ પછી 17 ફેબ્રુઆરી 2017ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા.

જસ્ટિસ સંજીવ ખન્ના- 14 મે 1960ના રોજ જન્મેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હીની પ્રતિષ્ઠિત મોડર્ન સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી.

14 મે 1960ના રોજ સંજીવ ખન્નાનો જન્મ થયો હતો. સંજીવ ખન્ના દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે. આ પદ તેમના પિતા દેવ રાજ ખન્ના પાસે પણ હતું.

તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અધિક સરકારી વકીલ તરીકે અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઘણા ફોજદારી કેસોની દલીલ કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્થાયી એડવોકેટ તરીકે લગભગ સાત વર્ષ સુધી સેવા આપી હતી.

2005માં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા, 2006માં તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. 18 જાન્યુઆરી 2019માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા. જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત્ત થવાના છે.

જસ્ટિસ બી.આર. ગવઈ- જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ અમરાવતી, મહારાષ્ટ્રમાં થયો હતો. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ભારતીય રિપબ્લિકન પાર્ટીના નેતા, મહારાષ્ટ્રના ધારાસભ્ય, સાંસદ અને બિહાર, સિક્કિમ અને કેરળનાં ત્રણ રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ એ આર.સુ ગવઈના પુત્ર છે.

અમરાવતીમાં જન્મેલા બી.આર. ગવઈ 16 માર્ચ, 1985ના રોજ બારમાં સામેલ થયા હતા. તેમણે 1987 સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના જજ રાજા ભોંસલે સાથે કામ કર્યું. 1987થી 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી. 1990 પછી મુખ્યત્વે તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ સમક્ષ પ્રેક્ટિસ કરી હતી.

17 જાન્યુઆરી, 2000ના રોજ તેમને નાગપુર બેંચ માટે સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બર, 2005ના રોજ તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા. 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરાયા હતા. તેઓ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે.

જસ્ટિસ સૂર્યકાન્ત- 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હિસાર (હરિયાણા)ના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા જસ્ટિસ સૂર્યકાન્તે 1981માં સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ કૉલેજ, હિસારમાંથી સ્નાતક થયા. તેમણે 1984માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાંથી કાયદામાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી. 1984માં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હિસારમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે 1985માં ચંદીગઢ શિફ્ટ થયા. 7 જુલાઈ, 2000ના રોજ તેમને હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત થવાનું સન્માન મળ્યું હતું. માર્ચ 2001માં તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 2004માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે બઢતી ન થાય ત્યાં સુધી તેઓ હરિયાણાના એડવોકેટ જનરલના પદ પર રહ્યા. તેમણે 05 ઓક્ટોબર, 2018થી હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જજના પદનો ચાર્જ સંભાળ્યો. જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેઓ 09 ફેબ્રુઆરી, 2027ના રોજ નિવૃત્ત થવાના છે.


adv

Related News

post
post
post
post
post
post
post