• Home
  • News
  • સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે, ફેનિલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે
post

સાક્ષીઓને બોલાવીને કેસની સુનાવણી કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-23 11:06:31

સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં સોમવારે ફેનિલની સામે 2500 પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આજે (બુધવાર) કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

કેસની સુનાવણી સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવશે
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કામરેજ પોલીસે ફેનિલની સામે 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં 23 પંચનામાં, 190 સાક્ષી, 188 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મેડિકલનો પુરાવો, ફોરેન્સિક પુરાવો અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવો વગેરે રજૂ કરવામાં આવ્યા છે. ફેનિલની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યાનો કેસ સેશન્સ ટ્રાયેબલ હોય છે, એટલે કે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે.

ઝડપભેર ટ્રાયલ પૂરી કરવાના પ્રયાસો
કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ આ કેસમાં ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર બાદ સાક્ષીઓને બોલાવીને આ કેસની સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે એવું પણ નયન સુખડવાલાએ ઉમેર્યું હતું.

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું
ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, એ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ બાબતે જાણ્યું હતું. તેણે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો-ક્લિપ પોલીસને મળી હતી.

પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા
ઓડિયો-ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલે પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

adv

Related News

post
post
post
post
post
post
post