• Home
  • News
  • પુત્રની સારસંભાળ રાખવા આવતી મહિલા સાથે પોલીસ પતિના આડાસંબંધ, અમિતાએ પતિને રંગેહાથ પકડી રેકોર્ડિંગ પણ કરી લીધું હતું
post

અમિતાના પતિ, સાસુ, સસરા, બે નણંદ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 12:02:18

ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરવાના પ્રકરણમાં પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ પતિના આડાસંબંધ અને પગારના મુદ્દે સાસુ-સસરા અને નણંદ દ્વારા માનસિક ત્રાસ ગુજારતા હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પતિના પુત્રની સારસંભાળ માટે આવતી મહિલા સાથે જ આડાસંબંધ અને અમિતાએ પતિને રંગેહાથ ઝડપી રેકોર્ડિંગ પણ કરી લીધું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ઘટના શું હતી?
ફાલસાવાડી પોલીસ લાઇનમાં રહેતા ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા બાબુભાઇ જોશીએ અઠવાડિયા અગાઉ સર્વિસ રિવોલ્વરમાંથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. અમિતા જોશીના આપઘાતને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવાની સાથે પિયર પક્ષ અને સાસરીયા વચ્ચે આક્ષેપો થયા હતા. દરમિયાનમાં અમિતાના પિતા એવા નિવૃત એએસઆઇ બાબુભાઇ શાંતીલાલ જોશીએ અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદ મનિષા હરદેવ ભટ્ટ અને બીજી નણંદ અંકિતા ધવન મહેતા વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

પુત્રની દેખભાળ માટે રાખેલી પુણાની મહિલા સાથે આડાસંબંઘ
પતિ વૈભવ બદલી કરાવી સુરત આવ્યો ત્યારબાદ ફાલસાવાડી પોલીસ લાઈનમાં રહેતા હતા. દરમિયાન પતિ વૈભવના આડાસબંધો હતો અને સાડા 4 વર્ષના પુત્રની દેખભાળ માટે પુણાની મહિલાને રાખી હતી. પરંતુ તેની સાથે પણ વૈભવના આડાસબંધ હતા અને અમિતાએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોર્ડિંગ પણ અમિતા પાસે હતું. આ બાબતની જાણ અમિતાએ બહેનને કરી હતી. અમિતાને પતિ પર ભરોસો હતો પણ તેણે પણ ભરોસો તોડ્યો હતો. સાસરિયાં અન્ય સભ્યો સાથે તેણે પણ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સસરાએ પિતા સાથે માથાકૂટ કર્યાની પાંચ જ મિનિટમાં અમિતાએ આપઘાત કર્યો હતો
અમિતા જોશીએ 5 ડિસેમ્બરે આપઘાત કર્યો હતો. બપોરના પોણા એક વાગ્યાના અરસામાં સસરા જીતેશ વ્યાસે અમિતાના પિતા બાબુભાઇ પર ફોન કર્યો હતો. ફોન પર ઝઘડો કરતા જીતેશે કહ્યું હતું કે અમિતા મારી સાથે ઝઘડો કરે છે, સુરતમાં મકાન લીધું છે તે કેમ પોતાના નામે લીધું, વૈભવના નામે કેમ નહીં. અમિતા પૈસા બધાને આપી દે છે એ તમે ખાતા નહીં, નહીં તો નરકમાં જશો. જેના પ્રત્યુત્તરમાં બાબુભાઇએ કહ્યું કે મારે કોઇના પૈસા જોઇતા નથી, આપણે બંને વડીલો સાથે મળીને છોકરાઓને સમજાવીશું એમ કહેતા વેંત જીતેશે ફોન કટ કરી દીધો હતો. જોકે, ત્યારબાદ પાંચ જ મિનિટમાં પુનઃ જીતેશે ફોન કર્યો હતો કે, અમિતાએ કંઇક અજુગતુ કરી લીધું છે એવું કહ્યું હતું.

સાડા ચાર વર્ષના દીકરાનું પણ બ્રેઈન વોશ કરી નાખ્યું હતું
આપઘાત કરનાર અમિતા જોશીના પિતાએ ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે ચાર વર્ષના પુત્રને પણ ત્રાસ આપતા હતા. અમિતાના સાસુ-સસરા પુત્રને કહેતા હતા કે તારી મા નોકરી કરે છે, એ તને નહીં સાચવે, તું તારી મા ને કહે તને સાચવવા નોકરી મૂકી દે. આવું કહી પુત્રનું પણ બ્રેઇન વોશ કરી દીધું હતું અને અમિતા પાસે નોકરી છોડાવવા દબાણ કરતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post