• Home
  • News
  • સુરતમાં આપઘાત કરનાર મહિલા PSI અમિતાના સાડાચાર વર્ષના દીકરા સહિતનો આખો પરિવાર જેલમાં, પુત્રે પિતા સાથે જ રહેવાથી જીદ કરી
post

અમિતાના પતિના રિમાન્ડ પૂર્ણ થતાં માસૂમ પુત્ર પિતા સાથે લાજપોર જેલમાં જ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 11:17:25

સુરતના ઉઘના પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં માસૂમ વાંક વિના જેલમાં રહેશે. અમિતાના જોશીના આપઘાત કેસમાં પિતા, સાસુ-સસરા અને બે નણંદ દુષ્પ્રેરણાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે. હવે તેના દીકરાએ પણ પિતા સાથે રહેવાથી જીદ કરતાં માસૂમને પણ લાજપોર જેલ ખસેડવામાં આવ્યો છે. કોર્ટમાં અમિતાનાં માતા-પિતાએ બાળકની કસ્ટડી આપવાની અરજી કાર્ટે નકારી દીધી છે. બાળકને કોર્ટમાં ત્રણવાર પૂછવામાં આવ્યું, પણ તેણે પિતા સાથે રહેવાનું જણાવ્યું હતું.

અમિતાનો પતિ, સાસુ-સસરા અને બે નણંદ જેલમાં જ છે
ગત 5 ડિસેમ્બરના રોજ ઉધના પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં અમિતા જોશીને ફાલસાવાડી ખાતે પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં મહિધરપુરા પોલીસે મૃતકના આરોપી પોલીસ પતિ વૈભવ જીતેશ વ્યાસ સહિત સાસરિયાંની ગત 23મી ડિસેમ્બરના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં હતાં, જે પૈકી મૃતકનાં આરોપી સસરા જીતેશ ઉર્ફે જિતુ રતીલાલ વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદો- મનીષાબેન તથા અંકિતાબેનના રિમાન્ડ ન માગતાં જેલ કસ્ટડીમાં મોકલાયાં હતાં, જ્યારે પતિ વૈભવના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ તેની અવધિ પૂર્ણ થઇ હતી. વૈભવને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ નહી માગી કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ મહિધરપુરા પોલીસના તપાસ અધિકારીને કર્યો હતો.

કોર્ટમાં માસૂમ બાળક જોરજોરથી રડીને પિતા સાથે રહેવાની વાત પર મક્કમ રહ્યું
બીજી તરફ, મૃતક પીએસઆઈ અમિતા જોશીના ફરિયાદી પિતા બાબુલાલ જોશીએ માતાની છત્રછાયા ગુમાવનાર માસૂમ દૌહિત્રનો કબજો સોંપવા માટે કોર્ટમાં માગ કરી હતી, જેથી અગાઉ પિતાની સાથે રહેવા ટેવાયેલા તથા માતાનું છત્ર ગુમાવનાર માસૂમ બાળકને કોર્ટે કોની સાથે રહેવા ઈચ્છે છે એ અંગે ત્રણવાર પૂછ્યું હતું. જોકે બાળકે રડતાં રડતાં પોતાના પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફરિયાદી નાના સાથે જવાની ઈચ્છા બાબતે પૂછપરછ કરતાં માસૂમ બાળક જોરજોરથી રડીને પિતા સાથે જ રહેવાની વાત પર મક્કમ રહ્યું હતું. જેથી કોર્ટે બાળકની કસ્ટડી માગનાર મૃતકના ફરિયાદી પિતાની અરજીને નકારી કાઢી આરોપી પિતા વૈભવ વ્યાસ સાથે માસૂમ બાળકને પણ લાજપોર સેન્ટ્રલ જેલમાં જેલ મેન્યુઅલના નિયમોના પાલન સાથે રાખવા નિર્દેશ આપતો હુકમ કર્યો હતો.

આપઘાત પહેલાં દીકરા સાથે વિડિયો-કોલથી વાત કરી હતી
અમિતા જોશીનો દીકરો જૈનમ તેનાં દાદા-દાદીની સાથે રહે છે. આપઘાત પહેલાં અમિતાએ સાસુ હર્ષાબેન અને દીકરા સાથે વિડિયો-કોલથી વાત કરી હતી. એ સમયે અમિતાએ દીકરાને કહ્યું હતું કે તારી બહુ યાદ આવે છે. તો દીકરાએ કહ્યું હતું કે તમે મારા માટે નોકરી છોડી દો. તેના થોડા સમયમાં અમિતા જોશીએ આત્મહત્યા કરી હતી.

બાળકને લઈ કોર્ટમાં ભાવુક દૃશ્યો સર્જાયાં
અમિતાના આપઘાત કેસમાં આરોપી પતિને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પુત્ર પણ હતો. તેણે પિતાનો પીછો છોડ્યો જ નહોતો. પોલીસ સ્ટેશનથી તે પિતાની સાથે જ હતો. કોર્ટેમાં જ્યારે તેને કબજો કોને સોંપવો એનો સવાલ આવ્યો ત્યારથી બાળક સતત રડતું જ રહ્યું હતું અને બાળકને રહેવા અંગે પુછાયું ત્યારે પિતાનું નામ લીધું હતું. બાદમાં કોર્ટ રૂમની બહાર જઈ ફરી લવાયો અને તેને ચોકલેટ જોઇએ છે એમ પુછાયું હતું તો બાળકે મારી પાસે બિસ્કિટ છે એમ કહ્યું હતું. બાદ બેવાર પિતાનું જ નામ લીધું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post