• Home
  • News
  • 5 વર્ષનો હતો ત્યારે માતા પ્રેમી સાથે ભાગી ગઈ, 9 વર્ષે જનેતાની યાદ આવતાં પુત્ર માતાને શોધવા નીકળી પડ્યો, પોલીસે બે દિવસમાં શોધી કાઢ્યો
post

માતા જે હોટલમાં કામ કરતી હતી ત્યાં ચાલતાં ચાલતાં પહોંચી ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 11:49:26

નાનપણથી પાલક માતા-પિતા સાથે રહેતો 9 વર્ષનો પુત્ર ઘરેથી કહ્યા વગર તેની માતા પાસે જતો રહ્યો હતો. બે દિવસ સુધી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે સઘન તપાસ કરી એક હોટલમાં જતા જોયો હતો, ત્યાં પૂછપરછ કરતાં બાળક તેની માતા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બાબતે મહિલાનું નિવેદન લઈ બાળકને તેની જન્મ આપનારી માતા સાથે મોકલી આપ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.કે સોલંકીએ જણાવ્યું હતું કે બે દિવસ સીસીટીવી ફૂટેજ ચેક કરી બાળકની શોધખોળ કરી હતી અને હોટલ સુધી પહોંચ્યા હતા. જ્યાં બાળક એ જ દિવસે આવ્યું હોવાનું અને તેની માતા લઈ ગઈ હોવાનું કહેતાં તેને શોધી કાઢ્યું હતું.

નાના ચિલોડા વિસ્તારમાં સૂર્યનગરમાં રહેતા 30 વર્ષના યુવકને પાંચેક વર્ષ અગાઉ મહિલા સાથે પ્રેમસંબંધ બંધાતાં તેના બાળકને લઈ યુવક સાથે રહેવા આવી હતી. થોડાં વર્ષ બાદ મહિલા તેના બાળકને યુવક પાસે મૂકી બીજા સાથે રહેવા જતી રહી હતી. બાળક પાંચ વર્ષનું હતું, જેથી એ સમયે તેને બહુ ખ્યાલ આવ્યો ન હતો. મહિલા ક્યાં કોની સાથે રહે છે તેની પણ યુવતીને જાણ ન હતી. યુવક અને તેની પત્ની પાલક માતા-પિતા બની તેને રાખતાં હતાં. ચાર વર્ષ બાદ બાળકને તેની જન્મદાત્રી માતાની યાદ આવી હતી. દરમિયાન 20 ડિસેમ્બરના રોજ બાળક તેની માતા પાસે જવા માટે ઘરેથી નીકળી ગયો હતો. માતા જ્યાં હોટલમાં કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો, જેથી હોટલના કર્મચારીઓ ઓળખી ગયા હતા અને તેની માતાને જાણ કરી હતી. માતા તેના બાળકને લેવા ત્યાં આવી સાથે લઈ ગઈ હતી.

નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી
બીજી તરફ, બાળક ગુમ થતાં પાલક પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.કે સોલંકીએ સર્વેલન્સ સ્ક્વોડ સહિત અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં બાળક હોટલ સુધી પહોંચતો દેખાયો હતો, જ્યાં પૂછપરછ કરતાં બાળક અત્યારે તેની માતા પાસે હોવાનું કહ્યું હતું, જેથી બાળક અને તેની માતાને પોલીસ સ્ટેશન લાવી નિવેદન નોંધી તેની સાથે મોકલી આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post