• Home
  • News
  • ભાજપના મુખ્યમંત્રીના રાજીનામાંનો સિલસિલો ઝારખંડથી શરૂ થયો હતો, ગુજરાત સુધી પહોંચ્યો; કેન્દ્રીય મંત્રીઓ પાસેથી રિપોર્ટ લીધા હતા
post

ગુજરાત સહિતના રાજ્યોમાં કેન્દ્રીય મંત્રીઓની જન સંવેદના યાત્રા સાથે ભાજપ હાઇકમાન્ડે જે તે રાજ્યોના CMનો CR બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:37:02

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીની સાથે ભાજપનું હાઇકમાન્ડ 2024ની લોકસભાનું પણ ગણિત તૈયાર કરી રહી છે, ખાસ કરીને કેટલાક રાજયોના ભાજપના મુખ્યમંત્રી બદલવાનો સિલસિલો ચાલી રહ્યો છે. પરંતુ ભાજપે ઝારખંડની હારમાંથી બોધપાઠ લઈને CM બદલવાનો કઠોર નિર્ણય લેધો છે, કેમકે લોકસભાની ચૂંટણી બાદ જ યોજાયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય પાછળ મુખ્યમંત્રી જવાબદાર હોવાનું તારણ આવ્યું હતું.

ગુજરાતમાં ચૂંટણી પહેલા વિજય રૂપાણીનું રાજીનામું
ગુજરાતમાં પણ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા સમયે ભાજપના નેતા વિજય રૂપાણીનું ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. છેલ્લા બે મહિનામાં તેઓ ભાજપના ત્રીજા એવા નેતા છે જેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. જો કે, આની પાછળનું એક મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે ઝારખંડમાં પાર્ટીની હાર બાદ હવે ભાજપ કોઈપણ રાજ્યમાં જોખમ લેવા માંગતી નથી. તેના કારણે તે ચૂંટણીવાળા રાજ્યોમાં મુખ્યમંત્રીઓ બદલી રહ્યા છે.

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય
2019
ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે ફરી સત્તા પર આવ્યો હતો. પરંતુ તેના છ મહિના પછી જ પક્ષને ઝારખંડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા ભાજપને પરાજય મળ્યો હતો. પાર્ટીના ઘણા લોકો દ્વારા આવા ચૂંટણી પરિણામોની આગાહી પણ કરવામાં આવી હતી. તેની હાર માટે તત્કાલીન મુખ્યમંત્રી રઘુબર દાસની અપ્રિયતા આનું કારણ હોવાનું બહાર આવ્યું હતું, તે પછી ભાજપ હાઇકમાન્ડ એલર્ટ થઈ ગયું હતું.

ઝારખંડમાં મળેલી હારમાંથી ભાજપે લીધો બોધપાઠ
ઝારખંડમાં મળેલી આ હારમાંથી બોધપાઠ લેતા ભાજપે આ વર્ષે જ પાંચ મુખ્યમંત્રી બદલ્યા છે, જેમાંથી તાજેતરનું નામ વિજય રૂપાણીનું છે. ટોચનું નેતૃત્વ માને છે કે નુકસાન થાય તે પહેલાં નુકસાનને નિયંત્રિત કરવું જોઈએ. વર્ષ 2019માં હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી. પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવવાની હતી. જોકે, ભાજપે મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા હતા.

ભાજપના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ઝારખંડની હાર અને હરિયાણામાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપે હવે નક્કી કર્યું છે કે જે મુખ્યમંત્રીઓ ઓછા લોકપ્રિય છે, જેમનું પ્રદર્શન સારું રહ્યું નથી, તેમની બદલી કરવામાં આવે. વિજય રૂપાણીની વિદાય એ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ ઝારખંડની જેમ કોઈપણ કિંમતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારવા માંગતી નથી.

6 મહિનામાં ભાજપે પાંચ મુખ્યંમત્રી બદલ્યા
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અચાનક વિદાયે એ પ્રકરણમાં મોટો ખળભળાટ મચાવ્યો છે. માત્ર 6 મહિનામાં ભાજપના પાંચ રાજયોમાં મુખ્યમંત્રી બદલાયા છે. શું વિજય રૂપાણીનું હટવું બીજા ભાજપ શાસીત રાજયો માટે સબક બનશે? આ બધું એટલા માટે થઈ રહ્યાનું કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પહેલા જે રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં પાર્ટી કોઈ જોખમ લેવા માંગતી નથી અને આ જોખમ દુર કરવામાં લાગી છે.

ઉત્તરાખંડમાં 6 મહિનામાં બે મુખ્યમંત્રી બદલાયા
ઉતરાખંડમાં તો 6 મહિના દરમ્યાન બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા. પાર્ટી નેતૃત્વએ આ વાતને વધુ મહત્વ આપવું જરૂરી નથી માન્યું કે ક્યાંક આનો ખોટો મેસેજ જાય. ગુજરાતમાં જે પરિવર્તન થયું તેનું ખાસ મહત્વ એટલા માટે છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ગૃહ રાજય છે. રાજનીતિક વર્તુળમાં એવું માનવામાં આવે છે કે ગુજરાતનો મુખ્યમંત્રી કોઈપણ હોય પણ સત્તાના તારદિલ્હી સાથે જ જોડાયેલા રહે છે.

2024ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારી
ભાજપ હાઇકમાન્ડ દ્વારા પોતાના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી બદલાવનું કારણ ભાજપના જ સિનિયર નેતાઓ માની રહ્યા છે કે, જે રાજયોમાં લોકસભા-2024ની ચૂંટણી પહેલા ચૂંટણી છે ત્યાં પાર્ટી બધુ ઠીકઠાક કરી લેવા માગે છે. પાર્ટી કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતી. કારણ કે તેને ખબર છે કે રાજયોનાં પરિણામો 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોને અસર કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીઓએ દરેક રાજ્યોમાં ફરીને કર્યો સરવે
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીઓને દરેક રાજ્યોમાં પ્રવાસ કરીને રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોરોના કાળમાં જે-તે રાજ્ય સરકારની કામગીરી અને એન્ટી ઇન્કબન્સી અંગેનો ગુપ્ત રિપોર્ટ હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે કે હાલના નેતૃત્વથી વિધાનસભા ચૂંટણી નહીં જીતી શકાય તો તેને બદલવા જોઈએ. બીજુ કારણ એ છે કે ભાજપ શાસીત રાજયોમાં પોતાની નવી યુવા લીડરશીપ તૈયાર કરવાની યોજના પર પાર્ટી આગળ વધી રહી છે.

BJP પાંચ સીએમ બદલી ચૂકી છે
નોંધનીય છે કે વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં બદલવામાં આવેલા 5મા મુખ્યમંત્રી બન્યા છે. પહેલાં આસામમાં ચૂંટણી પરિણામોની સાથે જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આસામમાં સર્બાનંદ સોનોવાલની જગ્યાએ હેમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી ઉત્તરાખંડમાં બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. પહેલાં ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવીને તીરથ સિંહ રાવતને સત્તાની કમાન સોંપવામાં આવી અને તેના ત્રણ મહિના પછી તેમની જગ્યાએ પુષ્કર ધામીને સીએમ બનાવવામાં આવ્યા છે.

કર્ણાટકના બીએસ યેદિયુરપ્પાની વિદાય થઈ અને તેમની જગ્યાએ બીએસ બોમ્મઈને મુખ્યમંત્રીની કમાન સોંપવામાં આવી છે. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં જ બીજેપીએ મુખ્યમંત્રી બદલી દીધા છે. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે બીજેપી આ રીતે જ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી બદલવાની સ્ટ્રેટજી અપનાવી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post