• Home
  • News
  • મોદી સરકાર દેશમાં સમાન નાગરિક આચાર સંહિતા લાગુ કરે, રામ મંદિર માટે કાયદો બનાવે- ઉદ્ધવ ઠાકરે
post

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મોદી સરકારને દેશમાં સમાન નાગરિક આચાર સંહિતા લાગુ કરવાની માંગણી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-09 12:36:32

મુંબઈ: શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મોદી સરકારને દેશમાં સમાન નાગરિક આચાર સંહિતા લાગુ કરવાની માંગણી કરી છે. મુંબઈમાં વિજ્યાદશમીએ તેમની પારંપારિક રેલીમાં તેમણે કહ્યું કે, લોકો ભાજપ સાથે ગઠબંધન વિશે અમને સવાલ પૂછી રહ્યા છે. પરંતુ આજે કહી શકીએ છીએ કે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા માટે અમે ભાજપને સાથ આપ્યો છે. હવે જેટલુ શક્ય હોય તેટલું વહેલા ગૃહમંત્રી અમિત શાહે યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએ. રામ મંદિર નિર્માણ માટે પણ કાયદો બનાવવો જોઈએ.

ઉદ્ધવે કહ્યું- અયોધ્યામાં રામ મંદિર માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને તેના નિર્માણ સુધી સતત પ્રયત્ન કરતા રહીશું. મોદી સરકાર મંદિર નિર્માણ માટે કાયદો બનાવે. અમે જીવ આપી શકીએ છીએ પરંતુ અમારા વચનને વ્યર્થ નહીં જવા દઈએ. અમે રામના નામે કદી રાજકારણ નથી કર્યું. શ્રીરામે તેમના પિતા માટે બધો જ ત્યાગ કરી દીધો હતો. તો શું અમે તેમના નામ પર રાજકારણ કરીશું? ઉદ્ધવે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠી લોકોને બાદ કરતા શિવ સૈનિક કોઈની સામે નથી ઝૂક્યા.

શિવસેના અધ્યક્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ, એનસીપી સહિત અન્ય વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શું તમને લાગે છે કે, શરજ પવાર, માયાવતી અથવા અન્ય કોઈ નેતા દેશ ચલાવી શકે છે? તેથી જ અમે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધનમાં સામેલ થયા છીએ. સપા અને બસપા વચ્ચે ઉત્તર પ્રદેશમાં એક ગઠબંધન થયું હતું. તેની હાલત શું થઈ તે બધા જાણે છે.

ઉદ્ધવે શરદ પવારના ભત્રીજાને પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થવા વિશે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં અજીત પવાર રોતા જોવા મળ્યા હતા. મેં પહેલીવાર ત્યારે મગરના આસું જોય. તેમણે તેમના કાર્યકાળમાં બદલાનું રાજકારણ કર્યું છે, અમે તેને પ્રોત્સાહન નથી આપતાં. આ દરમિયાન ઠાકરેએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન ફરી સત્તામાં આવશે એવો દાવો કર્યો છે.

સંજય રાઉતે કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવાનો સમય આવી ગયો છે. આવતા વર્ષે દશેરા રેલીમાં દેવેન્દ્ર ફડણવીસ શિવસેના અધ્યક્ષ ઠાકરેની પાછળ જોવા મળશે. શિવસેનાનું 124 સીટો જીતવાનું લક્ષ્યાંક છે. અમને આશા છે કે અમને 100 સીટો પર સફળતા મળશે. અમારી યોજના માત્ર ચૂંટણી જીતવાની નથી પરંતુ અમે મંત્રાલય પર અમારો ઝંડો પણ લહેરાવા માંગીએ છીએ. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભાજપ 164 સીટ પર ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post