• Home
  • News
  • ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાજેનેકાની વેક્સિનનું 90% સુધી અસરકારક હોવું ભારત માટે ખુશખબર કેમ?
post

ભારતમાં ચાલી રહેલી ટ્રાયલ્સના પરિણામોના આધારે અપ્રુવલ માટે ડીસીજીઆઈની સામે જાન્યુઆરી 2021માં અરજી આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 10:47:15

ફાઈઝર, મોડર્ના પછી હવે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની તરફથી વિકસિત કરાયેલી કોરોના વેક્સિન-કોવીશીલ્ડની અંતિમ ફેઝની ટ્રાયલ્સના પ્રારંભિક પરિણામો આવી ગયા છે. વેક્સિનની ટ્રાયલ્સ બે રીતે કરાઈ. પ્રથમમાં 62% એફિકસી જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધુ. સરેરાશ જોઈએ તો અસરકારકતા 70% આસપાસ રહી. આ સમાચાર સમગ્ર દુનિયામાં ઉત્સાહ વધારે તેમ છે જ પણ ભારત માટે એકદમ ખાસ છે.

શું છે વેક્સિન, કોણે બનાવી છે?
કોવીશીલ્ડ અથવા AZD1222ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને તેની કંપની વેક્સીટેકે સાથે મળીને બનાવી છે. તેમાં ચિમ્પાન્ઝીમાં શરદીના કારણે બનતા વાયરસ (એડેનોવાયરસ)ને નબળા કરીને ઉપયોગમાં લેવાયા છે. તેમાં SARS-CoV-2 એટલે કે નોવેલ કોરોનાવાયરસનું જેનેટિક મટિરિયલ છે. વેક્સીનેશન દ્વારા સરફેસ સ્પાઈક પ્રોટીન બને છે અને તે SARS-CoV-2 વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ બનાવે છે. જેથી ભવિષ્યમાં જો નોવેલ કોરોનાવાયરસ હુમલો કરે છે તો શરીર તેને મજબૂતીથી જવાબ આપી શકે.

શું કહે છે વેક્સીન સંબંધિત નવા પરિણામો?
કોવીશીલ્ડની યુકે અને બ્રાઝિલમાં કરાયેલી ક્લિનિકલ ટ્રાયલ્સના પ્રારંભિક એનેલિસિસથી ઘણા સારા પરિણામો સામે આવ્યા છે. યુકેમાં 12390 વોલિન્ટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવી. તેમને બે ડોઝ આપવામાં આવ્યા. પ્રથમ હાફ ડોઝ આપવામાં આવ્યો અને પછી ફૂલ ડોઝ. જ્યારે, બ્રાઝિલમાં 10,300 વોલિન્ટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવી. તેમને બે ફૂલ ડોઝ આપવામાં આવ્યા. વોલિન્ટિયર્સમાંથી અડધાને વેક્સીન લગાવાઈ અને અડધાને સલાઈન પ્લેસેબો. કોઈને પણ તબિયત સંબંધિત કોઈ ગંભીર સમસ્યા જોવા મળી નથી.
જ્યારે હાફ ડોઝ આપવામાં આવ્યો તો એફિકસી 90% મળી. એક મહિના બાદ તેને ફૂલ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે બંને ફૂલ ડોઝ આપવામાં આવ્યા તો એફિકસી 62% રહી. બંને પ્રકારના ડોઝમાં સરેરાશ એફિકસી 70% રહી. તમામ પરિણામો આંકડાના હિસાબે ખાસ છે. એફિકસી જાણવા માટે વેક્સીન લગાવ્યા પછીના એક વર્ષ પછી સુધી વોલિન્ટિયર્સના બ્લડ સેમ્પલ અને ઈમ્યુનોજેનિસીટ ટેસ્ટ કરાશે. ઈન્ફેક્શનની તપાસ માટે દર સપ્તાહે સેમ્પલ લેવામાં આવે છે.

ઓક્સફોર્ડમાં ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર પ્રોફેસર એન્ડ્ર્યુ પોલાર્ડે કહ્યું હતું, આ પરિણામ બતાવે છે કે વેક્સીન ઈફેક્ટિવ છે અને અનેક જિંદગીઓને બચાવી શકે છે. એક રેજિમેનથી આપણે 90% સુધી એફિકસી હાંસલ કરી છે. જો તેને જ ફોલો કરવામાં આવે તો આપણને વેક્સીનની આવશ્યકતા અને તેના ઉપયોગને લઈને સારા પરિણામો મળશે.

આ પરિણામોનો ભારત માટે શો અર્થ છે?
ભારતમાં ઓક્સફોર્ડ/એસ્ટ્રેજેનેકાએ અદાર પૂનાવાલાના પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)થી મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ કર્યો છે. એસઆઈઆઈ ભારતમાં આ વેક્સીનની ફેઝ-3 ટ્રાયલ્સ કરી ચૂકી છે. તેના પરિણામો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 સુધીમાં આવવાની સંભાવના છે.

નીતિ આયોગના સભ્ય અને નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશનના ચેરમેન વિનોદ પોલે શનિવારે કહ્યું હતું કે જો એસ્ટ્રાજેનેકાએ યુકેમાં ઈમર્જન્સી અપ્રુવલ માગી અને તેને મળી ગઈ તો ભારતમાં ફેઝ-3 ટ્રાયલ્સ પૂરી થતા પહેલા જ કોવીશીલ્ડને મંજૂરી મળી શકે છે.

જો પોલનું માનીએ તો યુકેમાં અપ્રુવલ મળતા જ જો ભારતમાં પણ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એસઆઈઆઈને ઈમર્જન્સી અપ્રુવલ આપી દે તો આગામી વર્ષની શરૂઆતમાં પ્રાયોરિટી ગ્રૂપ્સને વેક્સીન લગાવવાનું શરૂ કરી દેવાશે.

કોવીશીલ્ડને લઈને એસઆઈઆઈની શું તૈયારી છે?
એસઆઈઆઈના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સુરેશ જાધવે શનિવારે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે વેક્સીન બનાવવાનું શરૂ કરી દીધું છે. જાન્યુઆરીથી અમે દર મહિને 5-6 કરોડ વેક્સીન બનાવવા લાગીશું. જાન્યુઆરી સુધીમાં અમારી પાસે 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર હશે. સરકારની અનુમતિ મળતા અમે સપ્લાઈ શરૂ કરી દઈશું. ડો. જાધવનો દાવો છે કે ભારતમાં ચાલી રહેલી ટ્રાયલ્સના પરિણામોના આધારે અપ્રુવલ માટે ડીસીજીઆઈની સામે જાન્યુઆરી 2021માં અરજી આપશે.

શું લોજિસ્ટિક્સમાં કોઈ મુશ્કેલી નહીં આવે?
ના. કોવીશીલ્ડને સ્ટોર, ટ્રાન્સપોર્ટ કરવી આસાન છે. અત્યાર સુધી બે અમેરિકન વેક્સીન અને એક બ્રિટિશ વેક્સીનની જ ફેઝ-3 ટ્રાયલ્સના પ્રારંભિક પરિણામો સામે આવ્યા છે. તેમાં પણ ફાઈઝર અને મોડર્નાની વેક્સીનને ફ્રિઝરની જરૂર પડશે પણ ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની વેક્સીનને તેની જરૂર નથી. તેને રેફ્રિજરેટરમાં 2થી 8 ડિગ્રી સે. તાપમાન પર ઓછામાં ઓછા 6 મહિના સુધી રાખી શકાય છે.

એટલે કે આ વેક્સીન લગાવવા માટે હાલની હેલ્થકેર સિસ્ટમમાં કોઈ મોટા ફેરફાર નહીં કરવા પડે. એસ્ટ્રેજેનેકાના સીઈઓ પાસ્કલ સોરિયાટે કહ્યું હતું કે વેક્સીનની એફિકસી અને સેફ્ટીની સમગ્ર દુનિયામાં સકારાત્મક અસર પડશે. વેક્સીનની આસાન સપ્લાઈ ચેઈન અને નો-પ્રોફિટ કમિટમેન્ટથી આ વેક્સીન સમગ્ર દુનિયામાં ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવી શકાશે.

ભારત ઉપરાંત અન્ય કઈ જગ્યાએ ટ્રાયલ્સ ચાલે છે?
એસ્ટ્રાજેનેકાના અનુસાર યુકે, ભારત અને બ્રાઝિલ ઉપરાંત અમેરિકા, જાપાન, રશિયા, દક્ષિણ આફ્રિકા, કેન્યા અને લેટિન અમેરિકામાં પણ ટ્રાયલ્સ ચાલી રહી છે. દુનિયાભરમાં 60 હજારથી વધુ વોલિન્ટિયર્સને આ ટ્રાયલ્સમાં સામેલ કરાયા છે. કંપની 2021માં 3 અબજ ડોઝ બનાવવાની ક્ષમતા પર કામ કરી રહી છે.

રેગ્યુલેટરી અપ્રુવલ પછી તેને વધુ ગતિ અપાશે. સોરિયોટે કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકા વધુમાં વધુ સરકારો, મલ્ટીલેટરલ ઓર્ગેનાઈઝેશન્સ અને કોલેબોરેટર્સની સાથે મળીને કામ કરી રહી છે જેથી મહામારી દરમિયાન વેક્સીનને નો-પ્રોફિટ તમામ માટે સુલભ બનાવી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post